બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World ANI BBC Others

સૌરવ ગાંગુલીને હાર્ટએટેક : ત્રણ સ્ટેન્ટ મૂકાયા.

ભારતીય ક્રિકેટ બોર્ડના પ્રમુખ અને ભૂતપૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીને આજે બપોરે એક વાગ્યાની આસપાસ હૃદયરોગનો હૂમલો આવતા તેને તરત જ હોસ્પિટલમાં ખસેડાયો હતો. તેના ઇસીજી રીપોર્ટના આધારે એન્જીયોગ્રાફી કરવાની જરૂર જણાઈ હતી.

ગાંગુલીની ત્રણ નળી બ્લોક જોવા મળી હતી. જેમાં એક 90 ટકા બ્લોક હતી. આ માટે એન્જિયોપ્લાસ્ટી કરીને હાલ એક સ્ટેન્ટ મૂકવામાં આવ્યો છે. તબીબી ટીમે તેને 48 કલાક હોસ્પિટલમાં જ નિરીક્ષણ હેઠળ રાખવાનો નિર્ણય લીધો છે. હાલ ગાંગુલીની તબિયત સારી અને સ્થિર છે.

ગાંગુલી તેના નિયમ પ્રમાણે તેના ઘરમાં જ જીમ હોઈ ત્યાં ટ્રેડ મિલ કસરત કરતો હતો ત્યારે તેને છાતીમાં દુ:ખાવા સાથે ચક્કર આવ્યા હતા. તેણે તરત જ તેના ફેમિલી ડોક્ટરને જણાવ્યું હતું અને તેમણે ગાંગુલીને હોસ્પિટલમાં દાખલ થઇ જવા કહ્યું હતું.

ગાંગુલીને શુક્રવારની રાત્રિમાં પણ થોડી બેચેની લાગતી હતી જો કે સવાર પછી મોડેથી તેના નિત્યક્રમને જાળવવામાં વાંધો નહીં આવે તેમ જણાતા તેણે કસરત કરી હતી. ગાંગુલી કોલકાતાની વુડલેન્ડ હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યો છે.

ગાંગુલીની સારવાર અને રિકવરી માટે ચાર તબીબોની ટીમ કાર્યરત છે. ગાંગુલીની નાદુરસ્ત તબિયતના સમાચાર સોશિયલ મીડિયાથી ફેલાઈ જતા વર્તમાન અને ભૂતપૂર્વ ક્રિકેટરો તેમજ ક્રિકેટના વહીવટ સાથે સંકળાયેલા હોદ્દેદારો તેમજ ચાહકોએ તે ઝડપથી સાજો થઇ જાય તે માટે શુભેચ્છા વ્યક્ત કરી છે.

ગાંગુલી ભાજપમાં જોડાશે તેવી અટકળોમાં હવે નવો વળાંક આવી શકે છે. સૌરવ ગાંગુલી પશ્ચિમ બંગાળમાં ખૂબ જ લોકપ્રિય છે અને યુવા મતદારોની પણ સંખ્યા વધુ હોઇ આ વર્ષે રાજ્યમાં યોજાનાર વિધાનસભાની ચૂંટણીમાં તેને વર્તમાન મુખ્ય મંત્રી અને તૃણમૂલ પક્ષના વડા મમતા બેનર્જી સામે ઉતારવા માટે ભાજપ વિચારી ચૂકયું છે તેવી અટકળ રાજકીય વર્તુળમાં ચર્ચાઇ રહી છે. બરાબર આવા સમયે જ ગાંગુલીને હાર્ટ એટેક આવતા હવે ભાવિ ઘટનાક્રમ કેવો આકાર પામે છે તે જોવાનું રસપ્રદ નીવડશે.

ગાંગુલી તો રાજકારણમાં તે જોડાવાનો નથી તેમ ઈન્કાર જ કરતો રહ્યો છે પણ ગયા રવિવારે ગાંગુલીને પશ્ચિમ બંગાળના ગવર્નર અને ભાજપના સમર્થક જગદિપ ધાનકરે રાજ્યપાલ ભવનમાં આવવાનું આમંત્રણ આપ્યું હતું અને બંને વચ્ચે બે કલાક જેટલી મીટીંગ ચાલી હતી.

આ મીટિંગના અઠવાડિયા અગાઉ કેન્દ્રના ગૃહમમંત્રી અમિત શાહે પશ્ચિમ બંગાળની મુલાકાત દરમ્યાન એવી કોમેન્ટ કરી હતી કે આગામી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપનો મુખ્યમંત્રી માટેનો ઉમેદવાર 'ભૂમિપુત્ર' એટલે કે  પશ્ચિમ બંગાળનો જ પુત્ર હશે. છેલ્લા મહિનાઓથી જે રાજકીય ગતિવિધી અને અટકળો જામી છે તે સૌરવ ગાંગુલી ભાજપમાં જોડાશે તે તરફ જ ઈશારો કરે છે.

જો કે ગાંગુલી રાજકારણીની અદાથી કહે છે કે ''તે ગવર્નરને ઈડન ગાર્ડન ક્રિકેટ સ્ટેડિયમ જોવા પધારે તે માટે આમંત્રણ આપવા ગયો હતો.'' રાજકીય વિશ્લેષકો આ અંગે કહે છે કે ''આવા આમંત્રણ આપવા માટે બે કલાક મીટિંગ યોજવી  પડે ?'' આગામી દિવસોમાં આ સમગ્ર પ્રકરણ કેવો વળાંક લે છે તે બહાર આવી જશે.

શક્ય છે કે નાદુરસ્ત તબિયતનું કારણ ધરી ગાંગુલી જો ખરેખર ભાજપમાં જોડાવવા માંગતા જ ન હોય તો હવે આ યોજનામાંથી હટી પણ શકે. તેવી જ રીતે જો તેને રાજકીય મહત્વાકાંક્ષા હશે તો થોડા અઠવાડિયાઓના આરામ પછી મક્કમ મનોબળ સાથે ભાજપમાં જોડાઇ આગળ વધી જ શકે તેમ છે. તબીબી જગતની રીતે ગાંગુલીની એન્જિયોપ્લાસ્ટી એક રૂટિન પ્રોસિજર છે તે ઈચ્છે તો શ્રમ સાથેની પ્રવૃત્તિ નોરમલ વ્યક્તિની જેમ કરી જ શકે.