ભારત કોરોનાનો નવો પ્રકાર ડીકોડ કરનારો પહેલો દેશ : આઈસીએમઆર.
કોરોના મહામારીનો સામનો કરી રહેલી દુનિયા માટે બ્રિટનમાં સામે આવેલા કોરોનાના નવા પ્રકારે મોટી સમસ્યા ઊભી કરી છે. ભારતમાં પણ આ નવા પ્રકારના કેસ વધી રહ્યા છે. જોકે, ભારતને કોરોનાનો નવો પ્રકાર ડીકોડ કરવામાં સફળતા મળી છે અને આમ કરનારો તે વિશ્વનો પ્રથમ દેશ બન્યો છે.
ભારતમાં કોરોના મહામારી એકંદરે નિયંત્રણમાં આવી છે અને કોરોનાના નવા કેસની સંખ્યા ઝડપથી ઘટી રહી છે. સાથે જ કોરોનાની બે રસીને એક્સપર્ટ પેનલ દ્વારા મંજૂરી પણ અપાઈ છે.
આવા સમયમાં દુનિયા સામે નવી સમસ્યા પેદા થઈ છે. બ્રિટનમાં કોરોના વાઈરસનો નવો પ્રકાર સામે આવ્યો. આ નવો પ્રકાર પહેલાં કરતાં વધુ ખતરનાક છે, કારણ કે તે એક વ્યક્તિથી બીજી વ્યક્તિમાં ખૂબ જ ઝડપથી ફેલાય છે. જોકે, આ ખરાબ સમાચારો વચ્ચે ભારતમાં વધુ એક સારા સમાચાર આવ્યા છે.
ભારતમાં બ્રિટનથી આવેલા વાઈરસના નવા પ્રકારની સફળતાપૂર્વક ઓળખ કરી લેવાઈ છે. ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (આઈસીએમઆર)એ શનિવારે ટ્વીટ કરીને જણાવ્યું કે ભારતે ઝડફથી વાઈરલ થઈ રહેલા નવા પ્રકારના વાઈરસને સફળતાપૂર્વક ઓળખી લીધો છે. ભારતે યુકે મ્યુટન્ટ સ્ટ્રેનને આઈસોલેટ કરી લીધો છે. આઈસીએમઆરે જણાવ્યું કે, આ આઈસોલેશન મારફત કોરોના વાઈરસની રસી પર નવા મ્યુટન્ટ સ્ટ્રેનની અસરની તપાસ કરવામાં મદદ મળશે. સાથે જ એ પણ ચકાસી શકાશે કે આ સ્ટ્રેન પર કોરોના રસીની અસર થશે કે નહીં.
ભારતમાં મહામારીની શરૂઆતના દિવસોથી જ આઈસીએમઆરની પ્રયોગશાળાઓના દેશવ્યાપી નેટવર્કના માધ્યમથી સાર્સ-કોવ-2 વાઈરસ કોવિડ-19ને ટ્રેક કરવામાં આવ્યો હતો. કોરોના વાઈરસનો નવો પ્રકાર બ્રિટન, દક્ષિણ આફ્રિકા અને મધ્ય પૂર્વ પછી ભારતમાં પણ ઝડપથી ફેલાતો જોવા મળી રહ્યો છે. ભારતમાં કોરોનાના નવા પ્રકારથી સંક્રમિતોની સંખ્યા 33 થઈ ગઈ છે. આ બધા જ દર્દીઓને વિશેષ આઈસોલેશનમાં રખાયા છે.