રાજ્યના કેટલા ટકાથી વધુ બાળકો પ્રાથમિક બાદ ભણવાનું છોડી દે છે ?
ગુજરાતમાં ૧૦૦માંથી સરેરાશ ૨૦ કરતાં વધારે બાળકો પ્રાથમિક અભ્યાસ કર્યા બાદ ભણવાનું જ છોડી દેતાં હોવાનું સામે આવ્યું છે. ગુજરાતમાં પ્રાથમિક બાદ ભણવાનું જ છોડી દેનારામાં ૨૧.૮% બાળકો અને ૧૯% બાળકીઓનો સમાવેશ થાય છે. જોકે, હકારાત્મક વાત એ છે કે છેલ્લા ૩ વર્ષથી પ્રાથમિક શાળા બાદ અભ્યાસ છોડનારા બાળકોના પ્રમાણમાં સતત ઘટાડો થઇ રહ્યો છે. સમગ્ર દેશમાંથી પ્રાથમિક બાદ અભ્યાસ છોડનારા વિદ્યાર્થીઓનું સૌથી વધુ ૩૩.૭૦% પ્રમાણ આસામમાંથી છે.
- ગુજરાતના ૨૦%થી વધુ બાળકો પ્રાથમિક બાદ ભણવાનું છોડી દે છે
- રાજસ્થાન, મહારાષ્ટ્રમાં ગુજરાત કરતાં ઓછો ડ્રોપઆઉટ રેશિયો
- ગુજરાતમાં પ્રાથમિક અભ્યાસ બાદ ડ્રોપઆઉટ રેશિયો વિદ્યાર્થીઓમાં ૨૧.૮૦% જ્યારે વિદ્યાર્થીનીઓમાં ૧૯%
તાજેતરમાં જારી કરવામાં આવેલા એક અહેવાલ પ્રમાણે ગુજરાતમાં માધ્યમિક શાળામાં વિદ્યાર્થીનીઓના દાખલ થવાનો 'ગ્રોસ એન્રોલમેન્ટ રેશિયો' ૨૦૧૫-૧૬માં ૬૬.૨૭%, ૨૦૧૬-૧૭માં ૬૮.૦૪%, ૨૦૧૭-૧૮માં ૭૧.૦૯% હતો. આમ, વિદ્યાર્થીઓના માધ્યમિક શાળામાં દાખલ થવાના પ્રમાણમાં નોંધપાત્ર વધારો થયો છે. સમગ્ર દેશમાંથી સૌથી વધુ વિદ્યાર્થીનીઓ પ્રાથમિક શાળા બાદ અભ્યાસ છોડી દેતી હોય તેમાં ૩૩.૭% સાથે બિહાર મોખરે છે. બીજી તરફ ઓડિશામાં સૌથી વધુ ૨૮.૭૦% વિદ્યાર્થીઓ પ્રાથમિક શાળા બાદ અભ્યાસ છોડી દે છે.