સ્ટોક માર્કેટ ઓપનિંગ: ઇઝરાયલ-ઇરાન તણાવથી સેન્સેક્સ 670 પોઇન્ટ તૂટી, નિફ્ટી પણ ગાબડ્યું
ભારતીય શેરબજારમાં સપ્તાહનો શરૂઆતનો દિવસ ભારે ગબડાટથી શરૂ થયો. ઇઝરાયલ-ઇરાન વચ્ચેના વધતા તણાવ અને અમેરિકાની એન્ટ્રીના અહેવાલો આવતા વૈશ્વિક બજારોમાં ભયનું વાતાવરણ સર્જાયું છે. આજે સવારે 9:30 વાગ્યે સેન્સેક્સ 670.65 પોઈન્ટના ઘટાડા સાથે ખુલીને નીચલા સ્તરે પહોંચ્યો, જ્યારે નિફ્ટી 24,913 પોઈન્ટ પર ખુલ્યો, જે ગત સપ્તાહના બંધ કરતાં ઘણો ઓછો હતો.
વૈશ્વિક બજારોમાં તણાવ
અમેરિકા દ્વારા ઇરાનના ત્રણ પરમાણુ સ્થળો પર હુમલાના દાવાઓ બાદ એશિયાઇ બજારોમાં મોટો ઘટાડો નોંધાયો. જાપાનનો નિક્કેઇ ઇન્ડેક્સ 0.74% ઘટ્યો, જયારે ટોપિક્સ ઇન્ડેક્સમાં 0.64%નો ઘટાડો નોંધાયો. દક્ષિણ કોરિયાના કોસ્પીમાં 1.22%નો ઘટાડો જોવા મળ્યો, જયારે ઑસ્ટ્રેલિયાના ASX 200માં 0.76%નો ઘટાડો નોંધાયો.
ક્રૂડ ઓઇલના ભાવમાં ઉછાળો
મિડલ ઇસ્ટમાં વધતી તણાવની અસર વૈશ્વિક ક્રૂડ ઓઇલના ભાવમાં પણ જોવા મળી. બ્રેન્ટ ક્રૂડ 2.62% વધીને 79.06 ડૉલર પ્રતિ બેરલ પર પહોંચી ગયું, જયારે વેસ્ટ ટેક્સાસ ઇન્ટરમિડિએટ (WTI) 2.75% વધીને 75.89 ડૉલર પ્રતિ બેરલ પર પહોંચ્યું. મિડલ ઇસ્ટમાં યુદ્ધનું સંભવિત પરિસ્થિતિ વૈશ્વિક પુરવઠાની ચિંતા ઉભી કરી રહી છે, જેના કારણે ક્રૂડના ભાવમાં દિનપ્રતિદિન ઉછાળો જોવા મળી રહ્યો છે.
અમેરિકી બજારોમાં ઘટાડો
એશિયામાં શરૂઆતી કારોબારમાં જ અમેરિકાના સ્ટૉક ફ્યુચર્સમાં પણ ઘટાડો જોવા મળ્યો. ડાઉ જોન્સ ફ્યુચર્સ 0.3% ઘટ્યાં, જયારે એસ એન્ડ પી 500 અને નૈસ્ડેક 100ના ફ્યુચર્સમાં ક્રમશઃ 0.3% અને 0.4%નો ઘટાડો નોંધાયો.
રોકાણકારો માટે સંકેત
મિડલ ઇસ્ટમાં વધી રહેલી તણાવભરી પરિસ્થિતિએ વૈશ્વિક બજારો સહિત ભારતીય શેરબજાર પર પણ દબાણ પેદા કર્યું છે. નિષ્ણાતોનું માનવું છે કે આ સમયે રોકાણકારોએ સતર્ક રહેવું જરૂરી છે અને તાત્કાલિક લેવાલ કે વેચવાલી કરતાં પહેલાં વૈશ્વિક સમાચાર અને બજારની ગતિ પર નજર રાખવી જરૂરી છે. જયાં સુધી આંતરરાષ્ટ્રીય તણાવમાં શમણું નહીં આવે ત્યાં સુધી ભારતીય બજારમાં ઉતાર-ચઢાવ ચાલુ રહેવાની શકયતા છે.
ઇઝરાયલ-ઇરાન તણાવ, વૈશ્વિક બજારોમાં મંદી અને ક્રૂડ ઓઇલના ભાવમાં ઉછાળાની સ્થિતિએ રોકાણકારોને સતર્ક રહેવાનો સંકેત આપ્યો છે. આવી પરિસ્થિતિમાં લાંબા ગાળાની યોજના સાથે રોકાણ કરવું વધુ બુદ્ધિશાળી રહેશે.