બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World ANI BBC Others

ભારતમાં વાયુ પ્રદૂષણથી એક જ વર્ષમાં 16 લાખનાં મોત : કોરોના કરતાં વધુ !

 'પીએમ ૨.૫'નું સૌથી વધુ પ્રમાણ ધરાવતા દેશોમાં ભારતનો  સમાવેશ વિશ્વમાં મૃત્યુનું ચોથું મોટું કારણ હવા પ્રદૂષણ. મૃતકોમાં ૧.૧૬ લાખ નવજાતનો પણ સમાવેશ. હવા પ્રદૂષણની વૈશ્વિક સ્થિતિ રજૂ કરતો અહેવાલ 'સ્ટેટ ઓફ ધ ગ્લોબલ એર ૨૦૨૦' આજે રજૂ થયો હતો. એ અહેવાલ પ્રમાણે ભારતનો સમાવેશ સૌથી વધુ પ્રદૂષિત હવા ધરાવતા દેશોમાં થાય છે. 

આ રિપોર્ટ પ્રમાણે ૨૦૧૯ના એક જ વર્ષમાં ભારતમાં હવા પ્રદૂષણથી ૧૬.૬૭ લાખ મોત થયા હતા. એમાં વળી ૧.૧૬ લાખ તો નવજાત શીશુ હતા. જન્મતાં જ બાળકોના શ્વાસમાં અશુદ્ધ હવા જાય છે. આ રિપોર્ટ અમેરિકાની 'હેલ્થ ઈફેક્ટ ઈન્સ્ટિટયૂટ', 'કેનેડાની યુનિવર્સિટી ઓફ બ્રિટિશ કોલંબિયા' અને અમેરિકાની 'ઈન્સ્ટિટયૂટ ઓફ હેલ્થ મેટ્રીક્સ એન્ડ ઈવોલ્યુશન' દ્વારા સંયુક્ત રીતે તૈયાર કરવામાં આવ્યો હતો. 

હવામાં રહેલા રજકણોના પ્રમાણને આધારે પ્રદૂષણ માપવામાં આવે છે. હવામાં રહેલા રજકણો 'પર્ટિક્યુલર મેટર (પીએમ)' તરીકે ઓળખાય છે. હવાના દસ લાખ કણોમાં ક્યા પ્રકારના પીએમ કેટલા છે, તેના આધારે હવા પ્રદૂષણ માપવામાં આવે છે. હવામાં રહેલા વિવિધ કણોને 'પીએમ-૨.૫', 'પીએમ-૧૦' એ રીતે માપવામાં આવે છે. એ ઉપરાંત હવાનું પ્રદૂષણ હવામાં રહેલા સલ્ફર, કાર્બન, નાઈટ્રોજનના કણો વગેરેના આધારે માપવામાં આવે છે. હવાના દસ લાખ કણોએ જેટલા આ બધા પ્રદૂષકો વધારે પ્રદૂષિત ગણાય. 

સૌથી વધુ પીએમ-૨.૫ ધરાવતા દેશોમાં ભારતનો સમાવેશ થાય છે. ભારત પછી પીએમ-૨.૫ પ્રદૂષણ ધરાવતા હોય એવા દેશોમાં નેપાળ, નાઇજર, કતાર વગેરેનો સમાવેશ થાય છે. લોકડાઉન દરમિયાન તો હવા પ્રદૂષણમાં ઘટાડો થયો હતો. પણ ૨૦૧૦થી ૨૦૧૯ દરમિયાન સરેરાશ જોવામાં આવે તો ભારતની હવા વધારેે પ્રદૂષિત થઈ છે. 

વિવિધ પ્રકારના ૮૭ આરોગ્ય વિષયક જોખમોથી મૃત્યુ થતાં હોય છે. એમાં હવા પ્રદૂષણ પણ એક જોખમ તરીકે સમાવેશ પામે છે. રિપોર્ટ પ્રમાણે વિશ્વમાં મૃત્યુનું ચોથુ મોટું કારણ હવા પ્રદૂષણ છે. સતત વધતા વાહનો અને ઉદ્યોગોને કારણે બાહ્ય હવા પ્રદૂષણ વધતુ જ જાય છે. 

હવા પ્રદૂષણ : રિપોર્ટ્સની હાઈલાઈટ્સ
- હવા પ્રદૂષણને કારણે આખા વિશ્વમાં વર્ષે ૬૭ લાખ મૃત્યુ થયા છે. એમાંથી ૨૧ લાખ એકલા દક્ષિણ એશિયામાં નોંધાયા છે.
- પીએમ-૨.૫ પ્રકારનું હવા પ્રદૂષણ ધરાવતા પ્રથમ દસ દેશોમાં ભારત, નેપાળ, નાઈજર, કતાર, નાઇજિરિયા, ઈજિપ્ત, મોરિટાનિયા, કેમેરુન, બાંગ્લાદેશ અને પાકિસ્તાનનો સમાવેશ થાય છે.
- સૌથી વધુ પ્રદૂષિત વીસ દેશો પૈકી ૧૬માં છેલ્લા દાયકા (૨૦૧૦-૨૦૧૯)દરમિયાન પ્રદૂષણ ઘટયું છે. ચાર દેશોમાં ઘટાડો થવાને બદલે વધારો થયો છે, જેમાં ભારત, બાંગ્લાદેશ, નાઇજિરિયા અને પાકિસ્તાનનો સમાવેશ થાય છે.
- ઓઝોન પ્રદૂષણ ધરાવતા પ્રથમ દસ દેશોમાં ભારત ત્રીજા ક્રમે છે. કતાર અને નેપાળ પ્રથમ અને બીજા ક્રમે છે.
- ભારત માટે સારી બાબત એ છે કે ઘરેલુ હવા પ્રદૂષણના પ્રમાણમાં ઘટાડો થયો છે.