બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World Aggregator ANI BBC

19 વર્ષની હેલી ડીગાન પિતાના પગલે રેસિંગની દુનિયાને ઘમરોળી રહી છે.

કેટલીક વિરલ પ્રતિભાઓને માટે કુદરતે પહેલેથી જ તખ્તોે તૈયાર રાખ્યો હોય છે અને તેમાં તેમણે માત્ર પોતાની ઉપસ્થિતિ જ નોંધાવવાની રહે છે. વારસાઈમાં મળેલા શોખ અને વ્યવહાર-જ્ઞાાનથી યુવા વયની પ્રતિભાઓ, અનુભવે ઘડાયેલા દિગ્ગજોને ખુબ જ સહજતાથી મહાત કરી દે છે. દુનિયાને આ સફળતા ચમત્કાર સમી ભાસે છે, પણ હકીકતમાં તેની પાછળ વડિલોપાર્જિત અનુભવના નિચોડ સિવાય બીજું કશુ હોતું નથી.

અમેરિકામાં ભારે લોકપ્રિયતા ધરાવતી નૅસ્કાર રેસિંગની દુનિયાને હેલી ડીગાન ઘમરોળી રહી છે. માત્ર ૧૯ વર્ષની વયે ધુરંધર રેસરોની વચ્ચે હેલીએ આગવી ઓળખ ઉભી કરી છે અને ટાઈટલ્સ જીતવાની સિદ્ધિઓ હાંસલ કરીને રેકોર્ડબુકમાં સુવર્ણાક્ષરે તેનું નામ પણ અંકિત કરાવી દીધું છે.

કાર રેસિંગની જોખમોથી ભરેલી દુનિયામાં સડસડાટ આગળ વધી રહી હેલીની સફળતાની પાછળ તેના પિતા બ્રાયનનો મોટો ફાળો છે. એક જમાનામાં ફ્રિસ્ટાઈલ બાઈકર રહી ચૂકેલા બ્રાયનનો શોખ હેલીના વારસામાં મળ્યો છે અને આ જ કારણે તે નિર્ભિક થઈને પૂરઝડપે દોડતી કાર પર અસરકારક નિયંત્રણ રાખી શકે છે. 

નૅસ્કાર રેસિંગની દુનિયામાં ખળભળાટ મચાવનારી હેલીએ ઐતિહાસિક સીમાચિહ્નો હાંસલ કર્યા છે. છેલ્લા ત્રણ દાયકામાં નસ્કારની માન્યતા પ્રાપ્ત કાર રેસ જીતનારી સૌપ્રથમ મહિલા રેસર તરીકેનો રેકોર્ડ હેલીના નામે નોંધાયેલો છે.

રેસિંગ ટ્રેક પર ધમધમાટી બોલાવતી અને પાવરફૂલ એન્જિન ધરાવતી સ્ટોક કાર રેસિંગ સ્પર્ધામાં હેલી ડીગાને નાની ઉંમરે મોટી સફળતા હાંસલ કરતાં ટોચના રેસરોનું ધ્યાન ખેંચ્યું છે. સાહસિક રેસિંગના પારિવારિક વાતાવરણમાં ઉછરેલી હેલીએ માત્ર ૧૭ વર્ષની ઉંમરે જિંદાદિલીની સ્પર્ધા તરીકે ઓળખાતા સ્ટોક કાર રેસિંગમાં પ્રવેશ મેળવ્યો હતો.

અમેરિકાની ઓટોમોબાઈલ રેસિંગ કલબની એલિટ સ્પર્ધામાં હેલીએ માત્ર ૧૭ વર્ષની ઉમરે પ્રવેશ મેળવ્યો હતો. ત્રણ વર્ષની કારકિર્દીમાં હેલીએ એક પછી એક સફળતાના શિખરો સર કર્યા છે. જોકે માત્ર પ્રતિભા હોવાથી બધુ આસાનીથી પ્રાપ્ત થતું નથી.

હેલીને લોકોની માન્યતાઓ અને વિચારધારાના સામા પ્રવાહે તરવું પડી રહ્યું છે. છતાં તે બધાને ખોટા સાબિત કરવા માટે મક્કમ છે. જેમાં તેના પિતા બ્રાયન તેની પડખે છે. બ્રાયને ફ્રિસ્ટાઈલ મોટર સાઈક્લિસ્ટ તરીકેની કારકિર્દીમાં ભારે આદરપાત્ર સ્થાન હાંસલ કર્યું હતુ અને નિવૃત્તિ બાદ તેમણે સમગ્ર ધ્યાન પુત્રી હેલીની તાલીમ પાછળ આપ્યું. હેલીની માતા મારિસાએ પુત્રીને મુશ્કેલ પડકારો માટે તૈયાર કરવામાં મહત્વની ભૂમિકા ભજવી.

પિતાના શોખના કારણે હેલી સ્વાભાવિક રીતે રેસિંગ તરફ આકર્ષાઈ હતી. રેસિંગ ટ્રેકની આસપાસ જ તેનું બાળપણ વિત્યું. માત્ર સાત વર્ષની ઉંમરે તો તેણે ડર્ક બાઈક રાઈડિંગ શરુ કરી દીધું હતુ. રેસિંગમાં હેલીનો રસ વધતો જતો હતો અને આ જ કારણે બ્રાયન-મારિસાએ તેને આઠમા જન્મદિને એક નાનકડી રેસિંગ કાર્ટ ભેટમાં આપી.

હેલીને તેની આ બર્થ ડે ગિફ્ટ સૌથી પ્રિય હતી, જેનું સ્મરણ આજે પણ તેને છે. કાર્ટિંગના શોખીનો માટે અમેરિકામાં ચાલતી વિવિધ જુનિયર લેવલની સ્પર્ધામાં હેલીએ તેની પ્રતિભાનો ચમકારો દેખાડવાની શરુઆત કરી દીધી. ઓફ રોડ જુનિયર રેસિંગમાં તેણે માત્ર ૧૨ વર્ષની ઉંમરે ચેમ્પિયનશિપ હાંસલ કરીને ઈતિહાસ રચી દીધો, જે તેની કારકિર્દીની સૌપ્રથમ મેજર સફળતા બની રહી. ત્રણ વખત ચેમ્પિયનશિપ જીતનારી સૌપ્રથમ મહિલા રેસર તરીકેનો કીતમાન સ્થાપિત કર્યા બાદ હેલીએ રાષ્ટ્રીય સ્પર્ધાઓમાં નામના મેળવવા માંડી.

અભ્યાસની સાથે સાથે રાઈઝિંગ રેસર તરીકેની કારકિર્દીને આગળ ધપાવી રહેલી હેલીને પરિવાર તરફથી સતત પ્રોત્સાહન મળ્યું અને આ જ કારણે તે કાર રેસર તરીકેની કારકિર્દી ઘડવા માટે કિશોરાવસ્થાથી જ મક્કમ હતી. તે માત્ર ૧૫ વર્ષની હતી, ત્યારે તેની માતા મારિસાએ ઈન્ટરનેટ પર  નૅસ્કારના રેસર્સની તલાશ માટે યોજાતા રેસર્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામની જાહેરાત જોઈ. કેટલીક ટેકનિકલ ભૂલો હોવા છતાં હેલીએ ટ્રાયલ્સ માટે આવેલા ભલભલા હરિફોને પાછળ રાખી દીધા અને આખરે તેની પસંદગી સ્ટોક કાર રેસિંગના ડેવલમેન્ટલ રેસર તરીકે કરવામાં આવી.



અત્યાર સુધી કાર્ટિંગની દુનિયામાં વ્યસ્ત રહેલી હેલી માટે સ્ટોક કાર રેસિંગનો અનુભવ તદ્દન ભિન્ન હતો. શરુઆતના સંઘર્ષ બાદ હેલીએ સ્ટોક કાર પર જબરજસ્ત કમાન્ડ મેળવી લીધો. મુશ્કેલીના સમયમાં તેના પિતા બ્રાયને સતત તેને પ્રોત્સાહન આપવાની સાથે પડકારજનક રેસિંગ સ્પર્ધા માટે તેને માનસિક રીતે તૈયાર કરી.

પિતાનો સાથ અને રેસિંગની દુનિયામાં છવાઈ જવાના મક્કમ ઈરાદાને કારણે હેલી ૧૭ વર્ષની વયે નૅસ્કાર નેક્સ્ટ ક્લાસ સિરિઝમાં પ્રવેશી. આ સમયે તે કાર રેસિંગની આ ઈવેન્ટમાં ભાગ લેનારી સૌથી યુવા રેસર હોવાની સાથે એકમાત્ર મહિલા પણ હતી.

વર્ષ ૨૦૧૮-૧૯ની રેસિંગ સિઝનમાં હેલીએ સ્પર્ધા જીતવાથી માંડીને વાર્ષિક રેસર્સ રેસમાં ઓવરઓલ ત્રીજું સ્થાન હાંસલ કર્યું હતુ અને તેના જેવી સિદ્ધિ નૅસ્કાર રેસિંગના ઈતિહાસમાં અગાઉ કોઈ મહિલા રેસર મેળવી શકી નહતી. નૅસ્કારના ઈતિહાસમાં વિશિષ્ટ સ્થાન ધરાવતી ડેનિસા પેટ્રિક પણ ક્યારેય રેસ જીતવાની સિદ્ધિ મેળવી શકી નહતી. હેલીએ તેના કરતાં પણ આગળ વધીને સ્ટોક કાર રેસિંગની દુનિયામાં મહિલાઓની શ્રેતાનું પ્રમાણ આપ્યું છે. 

રેસિંગની દુનિયામાં એક મહિલા તરીકે ડગલે ને પગલે સંઘર્ષ કરનારી હેલી ડીગાન કહે છે કે, દરેક વખત સંઘર્ષ કરવાની એક આદત પડી ગઈ છે. સાથી રેસરોથી માંડીને ખુદ મારી ટીમના ક્ મેમ્બર્સ અને ચીફની સાથે કામ પાર પાડવું એ મારા માટે અત્યંત પડકારજનક રહે છે. તેઓમાં રેસિંગની દુનિયામાં મહિલાને સ્વીકારવાની સ્થિતિ જોવા મળતી નથી. જ્યારે તમારી ચારેબાજુના લોકો, તમારી ક્ષમતાને શંકાની નજરે જોતા હોય ત્યારે સતત સારો દેખાવ કરતાં રહેવું આસાન હોતું નથી. જોકે, હેલી ડીગાનને હવે તેની આદત પડી ચૂકી છે.

ગ્લેમરસ લૂક અને રેસિંગ જગતના ઉજ્જવળ ભવિષ્ય તરીકેની ઓળખ ધરાવતી હેલીએ ગત વર્ષે જ ટોચની ઓટોમોબાઈલ કંપની સાથે જંગી રકમનો કોન્ટ્રાક્ટ  કર્યો છે અને તે ડેવલપમેન્ટલ રેસર તરીકે જબરજસ્ત પર્ફોમન્સ આપી રહી છે. રેસિંગ ટ્રેક પર આક્રમક મુવમેન્ટ માટે જાણીતી હેલીએ ત્રણેય વિજય ભારે રસાકસીભર્યા મુકાબલા બાદ મેળવ્યા છે અને ત્રણેય વખત તેની કાર અન્ય કાર સાથે ટકરાઈ ચૂકી હોવા છતાં તેણે સંતુલન જાળવતા આગેકૂચ કરી હતી. 

ચાલુ વર્ષે કોરોના મહામારીએ રેસિંગની દુનિયા પર અલ્પ વિરામ મૂક્યો છે, ત્યારે પણ હેલી ફિટનેસ જાળવી રાખવાની સાથે સાથે નિયમિત રીતે પ્રેક્ટિસ પણ કરી રહી છે. હેલીની સફળતાને પગલે અનેક કિશોરીઓ હવે કાર રેસિંગમાં પ્રોફેશનલ રેસર બનવાનું સ્વપ્ન સેવી રહી છે. નૅસ્કારમાં મહિલા રેસરોની સંખ્યામાં વધારો થાય તે માટે પણ હેલી પ્રયત્નશીલ છે.