બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World Aggregator ANI BBC

રાપરના વકીલની 240 કિમી લાંબી અંતિમયાત્રા..વાંચો સંપૂર્ણ અહેવાલ

  • રાપરના વકીલ દેવજીભાઈ મહેશ્વરીની અંતિમયાત્રા મતિયાદેવ મંદિર સુધી પહોંચી
  • રસ્તામાં સામખિયાળી, ચિત્રોડ, ભચાઉ, ગાંધીધામ, અંજાર, ભુજમાં અપાઈ પુષ્પાંજલિ

રાપરમાં દલિત અગ્રણી અને વકીલની થયેલી હત્યા અને ત્યાર બાદ 5 દિવસથી ચાલતા ઘટનાક્રમમાં અંતે બાકીના ત્રણ આરોપીની પણ અટક કરી લેવાઈ છે. આને પગલે પરિવારજનોએ મૃતદેહનો સ્વીકાર કર્યો હતો. મંગળવારે રાપરથી દિવંગત વકીલની સ્મશાનયાત્રા નીકળી હતી, જે 240 કિમીનું અંતર કાપીને છેક મતિયાદેવ મંદિર પહોંચી હતી. આ કદાચ દેશની અત્યારસુધીની સૌથી લાંબા અંતરની અંતિમયાત્રા હશે.




વતન મતિયાદેવ ધામ નજીક દફનવિધિ કરાઈ
ગત શુક્રવારના સાંજે કચ્છના વાગડ વિસ્તારના રાપર શહેરમાં ધારાસભ્યના કાર્યાલય અને પોતાની કચેરી નીચે જ અગ્રણી વકીલ અને વિવિધ સંસ્થાઓ સાથે જોડાયેલા દેવજીભાઈ મહેશ્વરી પર છરીથી હુમલો કરીને એક યુવાને હત્યા નીપજાવી હતી. ત્યાર બાદથી ઘટનાના ઘેરા પ્રત્યાઘાત સમગ્ર કચ્છમાં જોવા મળ્યા હતા અને ઠેર ઠેર વિરોધપ્રદર્શન, ચક્કાજામ જેવી ઘટનાઓ બનવા પામી હતી. મૃતકનાં પત્ની દ્વારા 9 આરોપીઓના નામજોગ, હત્યા અને તે માટેના ષડયંત્રની ફરિયાદ નોંધાવ્યા બાદ હત્યા કરતા રંગે હાથ સીસીટીવીમાં ઝડપાયેલા મુખ્ય આરોપી સહિત 6ની અને ત્યાર બાદ વધારાના એક મદદરૂપ થનારા આરોપીની પણ અટક કરવામાં આવી હતી.

પરંતુ મૃતકનાં પત્ની મીનાક્ષીબેન મહેશ્વરી દ્વારા જ્યાં સુધી તમામ આરોપીઓની અટક ના થાય ત્યાં સુધી મૃતદેહનો સ્વીકાર કરવાનો ઈન્કાર કરી દીધો હતો. તો પોલીસે પાંચ દિવસની તપાસ બાદ એફઆઇઆરમાં દર્શાવેલા 9 ઉપરાંત મુખ્ય આરોપીઓને નાસી જવામાં મદદ કરનારા બે વધુ આરોપીઓની અટક કરી લીધી હતી. ત્યાર બાદ મંગળવારે મૃતદેહનો સ્વીકાર કરાતા ‘જય ભીમ’ના નારા સાથે જનમેદની વચ્ચે એમ્બ્યુલન્સમાં એ રખાયો હતો અને ત્યાર બાદ અંતિમ યાત્રા કાઢવામાં આવી હતી. જે રાપરથી ચિત્રોડ, સામખિયાળી, ભચાઉ, ગાંધીધામ, અંજાર થઈને ભુજ અને ત્યાંથી મતિયાદેવ ધામ નજીક નલિયાના ગુડથર ખાતે દફનવિધિ માટે પહોંચી હતી. સંભવિત દેશમાં સૌથી લાંબી 240 કિલોમીટર જેટલી લાંબી સફળ આ અંતિમયાત્રા હતી, જેને માર્ગમાં વિવિધ સ્થળોએ પુષ્પાંજલિ અર્પણ કરાઈ હતી. દેવજીભાઈના વતન મતિયાદેવ ધામ નજીક દફનવિધિ કરાઈ હતી.