બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World Aggregator ANI BBC

90 વર્ષ પહેલાં નવરાત્રિમાં આ નિયમોનું પાલન કરવું પડતું.

'અમારા વખતે નવરાત્રિને ધામક તહેવાર માનવામાં આવતો. રાત્રે વાળું પતે એટલે બધી બહેનો દીકરીઓ ભેગી થઇ દીવો અને માટલું ચોકમાં વચ્ચે મૂકી?, એને ફરતે ગરબા ગાતી હતી. ભાઇઓનું અને બહેનોનું સર્કલ અલગ હતું. અત્યારની જેમ એ વખતે ગરબામાં ફિલ્મી ગીતો વગાડવામાં આવતા નહોતા. એક ભાવ સાથે ફક્ત માતાજીને લગતાં અર્વાચીન ગરબાં જ અમે ગાતાં. હૃદયમાં ભક્તિ ભાવ રહેતો. પુરુષો અને સ્ત્રીઓ વચ્ચે મર્યાદા રહેતી. 

અત્યારે ગરબા રમતી વખતે ચણિયાચોળી કે કેડિયું પહેરવામાં આવે છે એવા કોઇ સ્પેશિયલ પોષાક પહેરવાને બદલે ઘરના જે સાદા કપડા હોય એ પહેરીને ગરબા રમતાં. દેશ આઝાદ નહોતો થયો એ વખતે અંગ્રેજો દ્વારા નક્કી કરવામાં આવેલ સમય મર્યાદામાં જ ગરબા રમાતાં. કાયદાનું પાલન કરીએ તો તેઓ કનડગત નહોતા કરતાં.' - સંયુક્તાબહેન પંડયા, ઉંમર 94, નારણપુરા

ગરબાની આડમાં અન્ય કોઇ પ્રવૃત્તિ ન થાય એનું અંગ્રેજો ધ્યાન રાખતા

'નવરાત્રિ દરમિયાન અત્યારના જુવાનીયાઓ જે રીતે ચેટિંગ અને ડેટિંગ કરે છે. એવું અમારા વખતે પણ થતું પરંતુ એનું સ્વરૃપ અલગ હતું. અમે જુવાનિયાઓ નવરાત્રિ આવે એની રાહ જોતા. નવરાત્રિમાં સરસ મજાના કપડાં પહેરી ગરબા રમવા જતાં. એ વખતે છોકરા છોકરીઓ સાથે ગરબા રમવાનું ચલણ નહોતું. 

સ્ત્રી-પુરુષો અલગ અલગ ગરબા રમતાં. અમને જે છોકરી ગમતી હોય એને કાગળ લખતાં અને એ કાગળનો ડૂચો કરી એનાં ઉપર નાંખતાં. બીજા દિવસે એ રિપ્લાય આપે એની રાહ જોતા. છોકરીના ઘરના જેટલી કડી નજર અમારી ઉપર નહોતા રાખતાં એનાથી ડબલ કડકાઇ અંગ્રેજો રાખતાં. તેઓ ઘોડા પર બેસીને આવતાં અને અમે ગરબાની આડમાં દેશની ચળવળ અંગેની કોઇ પ્રવૃત્તિ તો નથી કરતાં ને એનું ધ્યાન રાખતાં.' - મૂલચંદભાઇ બારોટ, ઉંમર-90, વાડજ

ફોજદારો ગરબા બંધ કરાવે અને અમે ન કરીએ તો કાર્યવાહી થતી

'અમારું શેરથા ગામ બે હજારની વસ્તી ધરાવતું સાવ નાનકડું ગામ હતું. હું નાનો હતો ત્યારે ગામમાં ગરબા થતાં નહોતા. ભણવા અમદાવાદ મામાને ત્યાં આવ્યો ત્યારે ગરબાં કોને કહેવાય એની ખબર પડી. એ વખતે એક વિસ્તારના સ્ત્રી પુરુષો ભેગા થાય માતાજીનો ફોટો મૂકી, એની સામે દીવો પ્રગટાવી ગરબા ગાવાનું શરૃ કરે. એક વ્યક્તિ ગરબો ગાય અને બીજા બધા એને ઝીલતાં જાય અને ગરબા રમતાં જાય. 

એ વખતે પુરુષોની સાથે સ્ત્રીઓએ ગરબા રમવાની હજુ માંડ શરૃઆત કરી હતી પણ એકબીજાની ખૂબ મર્યાદા રખાતી અને ધામક ભાવથી ગરબા રમાતા. અમે ગરબા ગાતા હોઇએ ત્યારે અંગ્રેજ ફોજદારો અમારાથી થોડું અંતર રાખી ફરતાં રહેતાં. એકાદ- બે કલાક થાય એટલે ફોજદારો સીટી મારતાં. જેવી સીટી મારે એવું અમારે રમાવાનું બંધ કરી દેવાનું. જો ન કરીએ તો કાર્યવાહી કરવામાં આવતી.' - જયંતીભાઇ મોદી, ઉંમર-91, નવરંગપુરા 

બહેનો ફાનસ લઇ ગામના ચોકમાં ગરબા રમવા જતી

'મારો ઉછેર પાળિયા'માં થયો. એ વખતે બહેન દિકરીઓને ગામમાં બહાર નીકળવાની બહુ છૂટ નહોતી. તહેવારો દરમિયાન આખા ગામની બહેનો ભેગી થાય. નવરાત્રિ ધામક તહેવાર કહેવાતો એટલે મનમાં માતાજીનો ભાવ રહેતો. નવરાત્રિમાં બધાના ફળિયામાંથી ઘી ભેગું કરી ગામના ચોકના ગોખમાં નવ દિવસ માતાજીનો અખંડ દીવો કરતા. એ વખતે ગામમાં લાઇટો નહોતી. 

અંધારું થાય એટલે વાળું કરી બહેનો ફાનસ લઇને ગામના ચોકમાં ગરબા રમવા ભેગી થતી. અત્યારની જેમ એ વખતે દાંડીયા નહોતા. હાથની તાલીઓથી રાસ રમતાં. બાઇઓ ખાલી બેડાં માથે મૂકીને ગરબા રમતી. નવરાત્રી શરૃ થવાની હોય એના આગલા દિવસે અંગ્રેજ જમાદારો દ્વારા ગામમાં ઢોલ ટિપાતો અને કેટલાં વાગ્યા સુધી ગરબા રમવા એનું જાહેરનામું બહાર પડતું. જાહેરનામાનો ભંગ કરનારને સજા ફટકારવામાં આવતી.