અમદાવાદની 900 હોસ્પિટલ જીવતા બોમ્બ છે... હાઈકોર્ટમાં ખુલાસો
અમદાવાદ નવરંગપુરાની શ્રેય હોસ્પિટલના અગ્નિકાંડમાં આઠ કોરોનાના દર્દીઓના મૃત્યુની દુર્ઘટનાના મુદ્દે થયેલી જાહેરહિતની અરજીમાં ફાયર વિભાગે સોગંદનામું કરીને ચોંકાવનારી હકીકત કોર્ટ સમક્ષ રજૂ કરી છે. અમદાવાદ શહેરની હદમાં 2200 જેટલા હોસ્પિટલ્સ અને ક્લિનિક્સ છે. જે પૈકી 1300 જોડે ફાયર NOC છે પરંતુ 900 એકમો પાસે આજે પણ ફાયર NOC નથી.
શ્રેય હોસ્પિટલની ફાયર NOC પણ એપ્રિલ મહિનામાં પૂર્ણ થઇ ગઇ હતી. હાલ કોરોનાના પગલે કોર્પોરેશન તરફથી ફાયર સેફ્ટીના મુદ્દે ઇમારતો વિરૂદ્ધ આકરી કાર્યવાહી ટાળવામાં આવી છે.જોકે ઓગસ્ટ પછીથી તમામ હોસ્પિટલો અને ક્લિનિકને કોર્પોરેશન તરફથી જરૂરી ફાયર NOC લેવા માટેની તાકીદ કરી દેવામાં આવશે અને અન્ય તમામ ઇમારતોને પણ NOC મુદ્દે નોટિસો આપવામાં આવશે તેમ પણ સોગંદનામામાં જણાવવામાં આવ્યું છે.
કેસની સુનાવણી દરમિયાન હાઇકોર્ટે ફાયર સેફ્ટીના કાયદાની અમલવારી, સ્ટાફની ટ્રેનિંગ અને લાયકાત મુદ્દે રાજ્ય સરકારનો ખુલાસો માગ્યો હતો.