દિલ્હીમાં હાર્લે ડેવિડસનના શો રૂમમાં લાગી આગ, ઇમારતના ઉપલા મજલે ટીનેજર્સ બારમાં પાર્ટી કરી રહ્યાં હતાં.
પાટનગર નવી દિલ્હીમાં શુક્રવારે કાતિલ ઠંડીની રાત્રે મોતીનગર વિસ્તારમાં આવેલા વિદેશી બાઇકના ડીલર હાર્લે ડેવિડસનના શો રૂમમાં અચાનક આગ લાગી હતી. આગ લાગી એ ઇમારતના ઉપલા મજલે એક બાર છે. ત્યાં કેટલાક યુવક-યુવતીઓ નવા વર્ષની પાર્ટી કરી રહ્યાં હતાં. શુક્રવારે મધરાત્રે લગભગ સવા દોઢ વાગ્યે નીચે આગ લાગતાં આ લોકો ઉપર બારમાં ફસાઇ ગયાં હતાં.
જો કે આગના સમાચાર મળતાં તરત ફાયર બ્રિગેડના લાયબંબા ત્યાં ધસી ગયા હતા અને આગને કાબુમાં લેવાના પ્રયાસો શરૂ કરી દીધા હતા. દરમિયાન, ઉપર રહેલા ટીનેજર્સની ચીસો સાંભળીને ફાયર બ્રિગેડના જવાનોએ પાર્ટી કરી રહેલા એ ટીનેજર્સને ઊગારી લીધા હતા. આ ઘટનાએ પોલીસ અને દિલ્હી મ્યુનિસિપાલિટીના કડક કર્ફ્યૂ હોવાના દાવાની પોલ ખોલી નાખી હતી.
હાર્લે ડેવિડસનના શો રૂમમાં આગ લાગી ત્યારે ત્યાં પ્લાસ્ટિકનો કેટલોક સામાન પણ હતો એટલે આગ શો રૂમના સ્ટોર રૂમ સુધી પહોંચી ગઇ હતી. જોતજોતાંમાં આગ વધુ ફેલાઇ હતી. એ દરમિયાન કર્ફ્યૂની ઐસી તૈસી કરીને ચાર પાંચ યુવક યુવતીઓ શો રૂમની ઉપર આવેલા બારમાં મોજ કરી રહ્યાં હતાં એ ફસાઇ ગયાં હતાં. રાત્રે દોઢ વાગ્યે ફાયર બ્રિગેડના જવાનોએ આ યુવક યુવતીઓને ઊગારી લીધા હતા.
જો કે ત્યારબાદ પોલીસે કર્ફ્યૂનો ભંગ કરનારા આ યુવક-યુવતીઓ સામે કોઇ પગલાં લીધાં કે કેમ એ જાણવા મળ્યું નહોતું. રાતનો સમય હોવાથી શો રૂમમાં કોઇ હાજર નહોતું એટલે ઇજા કે જાનહાનિના સમાચાર મળ્યા નહોતા.