ગુજરાતી પત્રકારત્વનો પાયો ખોદયો એક પારસી બાવાએ
જાંંબાઝ તંત્રી ફર્દુનજી મર્જબાનઃ જેમણે અનેક પડકારો વચ્ચે 199 વર્ષ પહેલાં મુંબઈ સમાચાર શરૃ કરીને ભારતીય પત્રકારત્વનો પાયો નાખ્યો...
ગુજરાતી પત્રકારત્વના પ્રારંભની તવારીખ રસપ્રદ, ગૌરવવંતી અને પ્રેરક છે
માત્ર ૧૩ દિવસ પછી ગુજરાતી પત્રકારત્વ પોતાની દ્વિશતાબ્દિ એટલે ૨૦૦ વર્ષનો પ્રારંભ કરશે.
પહેલી જુલાઈ, ૧૮૨૨, વિક્રમ સંવત ૧૮૭૮ના અષાઢ સુદ ૧૨ને સોમવારે “શ્રી મુમબઈનાં સમાચાર” નામનું અખબાર મુંબઈમાં શરૂ થયું હતું. તે શરૃ કરનારા હતા પારસી ફરદુનજી મર્ઝબાન.
કોણ હતા ફરદુનજી મર્ઝબાન ? અને તેમણે શા માટે કેવી રીતે ગુજરાતી ભાષાનું પ્રથમ અખબાર શરૃ કર્યું તેની વિગતો સંક્ષિપ્તમાં જોઈએ.
ફરદુનજીનો જન્મ ૧૭૮૭માં સુરતમાં થયો હતો. બાર વર્ષની ઉંમર સુધીમાં ફરદુનજી પિતા મર્ઝબાનજી પાસેથી ધાર્મિક ક્રિયાઓ ઉપરાંત ગુજરાતી અને ફારસી શીખ્યા. એક પંડિત પાસે સંસ્કૃત પણ શીખ્યા. ભરૂચના એક હકીમ પાસેથી વૈદક પણ શીખ્યા.
ફરદુનજીની ઈચ્છા વધુ અભ્યાસ માટે મુંબઈ જવાની હતી, પણ પિતા મર્ઝબાનજી કહે કે ઘણું ભણી લીધું, હવે થાળે પડે તો સારું. આ બાબતે બાપ-દીકરા વચ્ચે અવારનવાર ચકમક પણ ઝરતી.
છેવટે એક દિવસ, ૧૭૯૯, માત્ર બાર વર્ષની ઉંમરે પોતાની ભણવાની બધી ચોપડીઓ પોટલામાં બાંધીને કોઈને કહ્યા વિના ફરદુનજી ઘરમાંથી ભાગી ગયા. રાતવાસો કરવા એક ગામમાં રોકાયા. ત્યાં સંસ્કૃત શ્લોકો કડકડાટ બોલીને તેમણે ગામલોકોને અચંબામાં નાખી દીધા. જો કે તેમને શોધવા નીકળેલા લોકોના હાથે પકડાઈ ગયા અને પાછા ઘરે લઈ જવાયા.
દિવસો વિતતા ગયા. મુંબઈ જવાની તક છ વર્ષ પછી પુનઃ મળી. ૧૮૦૫માં પિતાના મિત્રના ઘરે લગ્નપ્રસંગમાં તેમને મોકલાયા. પછી તો મુંબઈ છોડી સુરત પાછા આવે ખરા ? નાનકડી બળદગાડીમાં બેસીને સુરતથી મુંબઈ ગયેલા ફરદુનજી પછી તો મુંબઈ જ રહી પડ્યા.
૧૮૦૮માં તેમણે બુક બાઈન્ડિંગનો ધંધો શરૂ કર્યો. છ મહિનામાં આવક થઈ દોઢ રૂપિયો. જો કે લશ્કરના સૈનિકોની ટોપીઓ બનાવવાનું કામ સર્જનાત્મકતા અને સાહસના જોરે લીધું અને ટકી ગયા. પોસ્ટની દુકાન ચલાવી. (એ વખતે ટપાલ-સેવા ખાનગી હતી.) આડતિયાનો ધંધો પણ શરૂ કર્યો. એ પછી તેમને થયું કે ગુજરાતી છાપવા માટે છાપખાનું (પ્રિન્ટિંગ પ્રેસ) શરૂ કરીએ. ગુજરાતી ટાઈપ નહોતા તો તેમણે પોતે ગુજરાતી ટાઈપનો આખો સેટ લોઢા ઉપર કોતર્યો. એ પછી પોતે જ તાંબાની તકતીઓ ઠોકી અને પછી તેમાં સીસું નાખીને ટાઈપ પાડ્યા. પોતે પાડેલા ટાઈપને ઘસી ઘસીને સાફ કરવા ઘરની મહિલાઓને પણ બેસાડી દીધી.
૧૮૧૨માં, પોતાના નાના ઘરમાં તેમણે ગુજરાતી ભાષાનું પહેલું છાપખાનું શરૂ કર્યું. તેમણે પોતે જાત મહેનતથી પ્રિન્ટિંગ પ્રેસ શરૂ કર્યું હોવા છતાં તેને પોતાનું નામ ના આપ્યું. લોકો તેને “ગુજરાતી છાપખાનો” તરીકે ઓળખવા લાગ્યા.
૧૮૧૨ની આ વાત છે. ૧૮૧૨થી ૧૮૧૪ સુધી આ છાપખાનામાં છપાયેલું કોઈ પુસ્તક આપણને મળતું નથી, પણ ૧૮૧૪માં આ પ્રેસમાં છપાયેલું અને ફરદુનજીએ પોતે બહાર પાડેલું વિક્રમ સંવત ૧૮૭૧નું પંચાંગ જાવા મળે છે. આ પંચાગની એ વખતે બે રૂપિયા કિંમત રાખી હતી જે અધધધ... કહેવાય. તો પણ તેની નકલો ચપોચપ વેચાઈ ગઈ હતી.
***
એ પછી ફરદુનજી મર્જબાનના મનમાં એક નવો કીડો આવ્યોઃ ગુજરાતી છાપું શરૂ કરવાનો. તેમણે મિત્રો - સ્વજનો - પરિચિતોના કાને વાત નાખી. મુંબઈના ગર્વનરને મળ્યા. ગુજરાતી ભાષાનું પહેલું અખબાર શરૂ કરતાં પહેલાં તેમણે તેની જાહેરાત કરવા ચોપાનિયાં પણ છપાવ્યાં હતાં. ૧૦મી જૂન, ૧૮૨૨ના રોજ ‘મદેહનજર’ના મથાળા સાથે તેમણે ચોપાનિયાં છાપ્યાં. શું લખ્યું હતું તેમાં ? આ રહી એક ઝલક..........
‘શરવે ગુજરાતી વાંચનારા શેઠ લોકોની શેવામાં શેવક ફરદુનજી મોબેદ મરજબાનજી અરજ અને જાહેર અને જાણીતું કરે છે જે એ શેવકે ગુજરાતી ભાષા મધે એક અઠવાડિયાનું નીઉજ પેપર એટલે અઠવાડિઆંનાં સમાચાર છાપવા ઠેડવેઉ છે ને તારીખ ૧લી આવતા જુલાઈ મહીનાની, સંવત ૧૯૭૮નાં આખાડ શુદી ૧૨ને શોમવારને દંતથી પહેલું ‘શ્રી મુંબઈનાં શમાચાર’ પતર પરેશ મધેથી એટલે જે છાપાનાં ઈઅંતર મધેથી બાહર પડશે....’
આ ચોપાનિયામાં તેમણે અખબારમાં શું શું છપાશે તેનો પણ ખ્યાલ આપ્યો હતો. એ પછી પહેલી જુલાઈ, ૧૮૨૨ના રોજ ગુજરાતી પત્રકારત્વનો સૂરજ ઊગ્યો અને આ ભાષાને મળ્યું પોતાનું પહેલું અખબાર 'શ્રી મુંબઈના સમાચાર".
તેનું માસિક લવાજમ બે રૂપિયા અને ત્રૈમાસિક લવાજમ છ રૂપિયા હતું. અખબાર શરૂ થાય તે પહેલાં જ તેના ૧૫૦ ગ્રાહકો નોંધાઈ ગયા હતા જેમાં ૧૪ અંગ્રેજ, ૮ હિંદુ, ૬ મુસ્લિમ અને ૭ પારસી હતા. શરૂઆતમાં તે અઠવાડિક હતું અને દર સોમવારે છ પાનાનો અંક બહાર પડતો. ૧૮૩૨થી તેને દૈનિક કરવામાં આવ્યું.
‘મુંબઈ સમાચાર’ પછીનાં દસેક વર્ષ ફરદુનજી મર્ઝબાનની જાહોજલાલી વધતી ચાલી. તેમણે ચીન અને કલકત્તા (અત્યારનું કોલકત્તા) વચ્ચે શરૂ કરેલા વેપારમાં પણ સારી બરકત આણી. વેપાર કરવા તેમણે ‘હિંદુસ્તાન’ નામનું વહાણ લીધું હતું. છાપખાનાની આવક પણ વધી હતી. ગાડી-ઘોડા, વાડી-બંગળા, નોકર-ચાકર, બધું થયું. તેમણે પારસીઓમાં સમાજ સુધારો કરવા કેટલાક પ્રયાસો કરેલા.
........જો કે ચડતી પછી પડતી આવી. પારસી કેલેન્ડરની કાળગણના અંગે વિવાદ શરૂ થયો. પારસીઓ બે જૂથમાં વહેંચાયા. ફરદુનજીએ પણ ચોક્કસ સ્ટેન્ડ લીધું હતું. ૧૮૩૦માં ફરદુનજીને આર્થિક રીતે પાયમાલ કરવાની તક વિરોધીઓના હાથમાં આવી. તેમના એક નિકટના પારસી મિત્રનું અવસાન થયું. તેઓ પાછળ મોટું દેવું મૂકીને ગયા હતા. એમના આર્થિક વ્યવહારોમાં ફરદુનજી સંડોવાયા. તેમનું વહાણ ભરભરદરિયે જોખમાયું. ૧૮૩૧માં ચીન સાથેના વેપારમાં મોટી ખોટ ગઈ.
૧૮૩૨માં, ફરદુનજી મુંબઈ છોડી પોર્ટુગીઝોના તાબામાં દમણમાં જઈને વસ્યા. તેમણે દસ વર્ષ અને ૪૪ દિવસ સુધી ‘મુંબઈ સમાચાર’ સરસ રીતે ચલાવ્યું. પછી તો માલિકીઓ બદલાતી ગઈ, પરંતુ આજે પણ 2021માં એ અખબાર, દૈનિક રૃપે 199 વર્ષથી ચાલી રહ્યું છે.
તેનો પૂરો યશ જાય છે. તેનો પ્રારંભ કરનારા ફરદુનજી મર્ઝબાનને. એક વાર શરૂ થયા પછી આજે પણ ચાલું હોય તેવું તે એશિયા ખંડનું પ્રથમ નંબરનું અને વિશ્વનું ત્રીજા નંબરનું અખબાર છે.
( આલેખન અને તસવીર સૌજન્ય : Ramesh Tanna )