બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World ANI BBC Others

અનોખું એક એવું ગામ જ્યાં ઘેર-ઘેર નળ છતાં લોકો 1 કિ.મી. દૂરથી કૂવાનું પાણી

આજકાલ શહેરીકરણના રંગે રંગાઈ ચૂકેલા ગામડાંઓમાં હવે અનેક સુખ-સુવિધાઓ આંગણા સુધી આવી ગઈ છે. ઘેર-ઘેર પાણીના નળ છે અને રસોડામાં આરઓ પ્લાન્ટ સ્ટેટસ સિમ્બોલ ઉપરાંત જરૂરિયાત પણ બની ગયો છે ત્યારે વિરમગામ તાલુકાનું એક ગામ એવું પણ છે જ્યાં મોટાભાગનાં ઘરોમાં પાણીના નળ અને ટાંકી છે છતાં અહીંના લોકો એક કિલોમીટર ચાલીને કૂવાનું પાણી પીવા માટે ભરી લાવે છે !


વાત કૌતુક જગાડે તેવી છે પણ સત્ય છે. વિરમગામથી માત્ર ૧૨ જ કિલોમીટર દૂર મોટા ગોરૈયા નામનું ગામ છે. વસ્તી ૫૦૦૦ છે ને મોટાભાગના લોકો સગવડો વચ્ચે જીવે છે. વિકાસની દોટ વચ્ચે આ ગામ પણ બીજાં આધુનિક ગામડાંઓની સ્પર્ધા કરતું હોય તેમ પાણી અને વીજળીની ભરપૂર સુવિધા ધરાવતું હોવા છતાં કોઇને ગામના કૂવાનું વળગણ છૂટતું નથી !


આની પાછળની લોકવાયકા પણ અચરજ પમાડે તેવી છે. ગામના ઘરડા-બુઢા રહીશો જણાવે છે કે સદીઓ પહેલાં અહીં ભયંકર રોગચાળો ફાટી નીકળ્યો હતો. આખું ગામ માંદગીના બિછાને હતું ત્યારે ભવાની માતાએ સ્વપ્નમાં દર્શન આપીને સૌ કોઈને ગામની બહાર આવેલા કૂવાનું પાણી પીવાનો આદેશ કર્યો હતો આથી ગામના લોકોએ એ કૂવાનું પાણી પીવાનું શરૂ કરી દીધું હતું ને ખરેખર થોડા જ દિવસોમાં રોગચાળો ગાયબ થઈ ગયો હતો. બસ ત્યારથી કૂવાના કાંઠે લોકોએ ભવાની માતાનું મંદિર બનાવી તેમની પૂજા શરૂ કરી દીધી. એ દિવસથી આજદિન સુધી ગામના બધા લોકો આ મંદિરે માતાજીનાં દર્શન કરી કૂવાનું પાણી પીને તૃપ્ત થાય છે.


આ તો થઈ લોકવાયકાની વાત પણ, આગળ આ કૂવાની બીજી રસપ્રદ વાત પણ જાણવા મળે છે. સદીઓ જૂનો હોવા છતાં આ કૂવાનું પાણી આજે પણ સ્વચ્છ અને મીઠું છે અને એટલે જ ગામની પનિહારીઓ હોંશે હોંશે એક કિલોમીટર ચાલીને ૪૦ હાથ ઊંડા આ કૂવાનું પાણી ભરવા આવે છે. આ પનિહારીઓ એવું પણ કહે છે કે, 'આ પાણી અમારા ગળા નીચે ન ઉતરે ત્યાં સુધી સંતોષ નથી થતો. ગમે તેવા રોગ હોય તો પણ મટી જાય છે.


આ કૂવાના પાણીમાં એવી શક્તિ છે કે, વાર-તહેવારે, અવસરે આજુબાજુના લોકો પણ અહીં આવે ત્યારે અમારા કૂવાનું પાણી પીતા જાય છે ને સાથે પણ લેતા જાય છે એટલું જ નહીં, ગામ-પરગામ નોકરી-ધંધો કરતા આ ગામના લોકો પણ ક્યારેક અહીં આવે છે ત્યારે આ પાણી ગંગાજળની માફક ભરીને લઇ જાય છે !


કૂવાનો મહિમા હોવાથી અહીંની ગ્રામ પંચાયતે પનિહારીઓને દૂરથી પાણી લાવવામાં તકલીફ ન પડે એટલે કૂવાથી ગામ સુધીનો ૧ કિલોમીટરના કાચા રસ્તે પેવર પાથરીને પાકો રસ્તો બનાવ્યો છે જે 'પાણીકેડો' તરીકે ઓળખાય છે. સરપંચ કહે છે કે, કૂવાના અંદરના ભાગમાં રિપેરિંગની જરૂર છે એટલે હવે તેના માટે ભંડોળ એકઠું કરવાના પ્રયત્નો ચાલે છે.

આ કૂવાની હજુ પણ એક વિશેષતા એ છે કે, ભરતડકે પણ ટાઢું-મીઠું પાણી આપતા આ કૂવામાં આજદિન સુધી કોઇએ આપઘાત નથી કર્યો કે કોઇ અકસ્માતે પડી જતા મૃત્યુ નથી પામ્યું ! ઉલટાનું આ કૂવાએ પાંચ-પાંચ દુકાળમાં ગામના માણસો અને માલઢોરને જીવાડયા છે.


સદીઓ પહેલાં ગામમાં રોગચાળો ફાટી નીકળ્યો ત્યારે ભવાની માએ સ્વપ્નમાં આવીને આ કૂવાનું પાણી પીવા કહ્યું ને બીમારીઓ મટી ગઈ ત્યારથી ગામ તેનું જ પાણી પીએ છે.