બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World Aggregator ANI BBC

કોરોના પછીનો સમય ડિજિટલ ટેકનોલોજીનો જ હશે ત્યારે ઉદ્યોગો માટે સ્કીલ્ડ વર્કફોર્સ જરૂરી.

તાજેતરમાં જ આવેલા એક અહેેવાલમાં વિશ્વભરમાં લિસ્ટેડ કંપનીઓની માર્કેટ કેપ વધીને ૧૦૦ ટ્રિલિયન ડોલરને પાર કરી ગઈ હતી. માાર્કેટ કેપને ઊચી લઈ જવામાં ટેકનોલોજી ક્ષેત્રની કંપનીઓના સ્ટોકસની મુખ્ય ભૂમિકા રહેલી છે. કોરોનાના પ્રારંભિક કાળમાં વિશ્વભરમાં મોટાભાગના ઉદ્યોગો દબાણ હેઠળ રહ્યા હતા ત્યારે ઈનફરમેશન ટેકનોલોજી ક્ષેત્રની કામગીરી ઘણી જ પ્રોત્સાહક જોવા મળી હતી. 

કોરોનાવાઈરસે વિશ્વભરમાં કામકાજની પદ્ધતિમાં આણેલા ધરમૂળથી બદલાવ અને સોશ્યલ ડિસ્ટન્સિંગે ટેકનોલોજીની માગમાં વધારો કરાવ્યો છે. આ વધારો કોરોના છે ત્યાંસુધી જ નહીં પરંતુ કોરોના પછીના કાળમાં પણ ચાલુ રહેશે અને ટેકનોલોજીની માગમાં જોરદાર વધારો થશે તેવી ધારણાંએ જ ટેકનોલોજી ક્ષેત્રની કંપનીના શેરભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. કોરોનાને કારણે આર્થિક મંદી વચ્ચે પણ ભારતમાં તો એન્જિયિનરિંગ કોલેજોમાંથી કેમ્પસ હાયરિંગમાં આકર્ષક ઓફરો કરાઈ રહી હોવાના અહેવાલો છે, જે આવનારા દિવસોમાં ટેકનિકલ વર્કફોર્સની જરૂરિયાત તથા માગમાં વધારો થવાના સંકેત આપે છે.  

વિશ્વમાં ટેલેન્ટની ખાસ કરીને ટેકનિકલ ક્ષેત્રમાં  વ્યાપક અછત છે, ત્યારે પ્રશ્ન માત્ર ટેલેન્ટ શોધવા પૂરતો જ નથી રહેતો પરંતુ  વર્તમાન વર્કફોર્સમાં રહેલી ટેલેન્ટને બહાર કાઢવાની પણ આવશ્યકતા રહેલી છે.  કોરોના પછીના વિશ્વમાં  આકાર પામનારી કામની નવી પદ્ધતિ માટે કંપનીઓએ  પોતાના કર્મચારીઓની કુશળતામાં વધારો કરવાનો  રહેશે જેથી કંપની પોતે પણ સફળ રહેશે અને કર્મચારીઓને લાંબા ગાળા સુધી રોજગારની ખાતરી મળી રહે. કોરોનાએ વર્ક ફ્રોમ હોમ તથા કોન્ટેકટલેસ કામની પદ્ધતિને જન્મ આપ્યો છે, જેને કારણે ડિજિટલ ક્ષેત્રે તથા ટેકનોલોજીના જાણકાર એવા નિપુણ કર્મચારીબળની આવશ્યકતા ઊભી થઈ છે. 

કંપનીઓ જેમ જેમ ડિજિટલ થતી જાય છે અને કામની પદ્ધતિ પણ બદલાઈ રહી  છે ત્યારે, ટેકનિકલ  ક્ષેત્રે  સમશ્યાના ઊકેલ લાવી શકે તેવા કર્મચારીબળ મેળવવાનું ઘણું અગત્યનું છે. વિસ્તાર પ્રમાણે જોવા જઈએ તો  વિશ્વમાં એશિયા પેસિફિક વિસ્તારના દેશો સૌથી વધુ ટેલેન્ટ અછત અનુભવી રહ્યા છે. ટેલેન્ટ અછતવાળા ટોચના દસ દેશોમાંથી પાંચ દેશો, જાપાન, તાઈવાન, હોંગકોંગ, સિંગાપુર અને ભારતનો સમાવેશ થતો હોવાનો અગાઉ એક અહેવાલમાં જણાવાયું હતું. 

કોઈ ગંભીર બીમારી સામેની વેકસિનના વિકાસ માટે અગાઉ સાતથી આઠ વર્ષનો સમય લાગી જતો હતો પરંતુ કોરોના વિરુદ્ધની વેકસિન એક વર્ષની અંદર જ વિકસાવી શકાઈ છે, જે માટે ટેકનોલોજી તથા તાલીમબદ્ધ વૈજ્ઞાાનિકોનું મોટું યોગદાન રહેલું છે. અત્યારસુધીના ઈતિહાસ પર નજર નાખવામાં આવે તો જણાય છે કે ટેકનોલોજી અને આર્થિક-સામાજિક પદ્ધતિઓમાં આવતા બદલાવને તક તરીકે માનીને તેને ઝડપી લેનારાઓ હમેશા સફળ રહ્યા છે. ટેકનોલોજી  ક્ષેત્રે આર્ટિફિસિઅલ ઈન્ટેલિજન્સ, ઓટોમેશન વગેરેના આગમન થઈ રહ્યા છે જે આજના સમયમાં રોજગારના ચિત્ર બદલાઈ રહ્યાનું સૂચવે  છે.  

આજના યુગની કંપનીઓએ આ બદલાવ તથા ઊભી થઈ રહેલી અપેક્ષાઓને પહોંચી વળવા પોતાને સજ્જ કરવાની રહે છે. જો ભવિષ્યનો અંદાજ આવી શકતો હોય તો તે પ્રમાણે યોજના કરી તેને અમલમાં મૂકવાનું સરળ રહે છે પરંતુ કોરોનાને કારણે  ટેકનોલોજી ક્ષેત્રે જે બદલાવ શરૂ થયો છે તેના પરિણામો કેવા હશે તેનો અંદાજ મેળવવો હાલમાં મુશકેલ છે. આર્ટિફિસિઅલ ઈન્ટેલિજન્સ તથા રોબોટિકસના વધી રહેલા અવકાશને જોતા રિસ્કીલિંગની માત્રા સમજવી મુશકેલ છે. આવી સ્થિતિમાં કંપનીઓ માટે કર્મચારીઓના રિસ્કીલિંગ અથવા રિટ્રેનિંગ આવશ્યકતા પ્રમાણે હાથ ધરવામાં આવી રહી છે. 

દેશમાં નિપુણતા સાથેના કર્મચારીબળ મેળવવો હશે તો કંપનીઓએ તે માટે સખત પગલાં લેવાનું શરૂ કરવાનું રહેશે. જીવનભર એક જ રોજગારમાં  ગુંથી રાખવાની માનસિકતા બદલાય અને સમયની સાથે સતત શીખતા રહે તેવા કર્મચારીબળને સ્વીકારવાનો વ્યૂહ અથવા તો હાલના કર્મચારીઓમાં તે ક્ષમતા ઊભી કરવાના વ્યૂહને કંપનીઓએ અપનાવવો પડશે. આ વ્યૂહ મારફત જ તાલીમબદ્ધ કર્મચારીઓની અછતને દૂર કરી શકાશે. 

ટેકનોલોજીમાં આવતા બદલાવને  કારણે કેટલાક  રોજગાર ખૂંચવાઈ જવાની શકયતા રહે છે પરંતુ સાથોસાથ રિસ્કીલિંગ અને રિટ્રેનિંગથી આ શકયતાઓને ટાળી પણ શકાય છે.  કોરોના પછીનું ભાવિ અનિશ્ચિત છે પરંતુ આપણે એવા સમયમાં જીવીએ છીએ જેમાં આપણે દરેક પડકારોનો સામનો કરવાની ક્ષમતા પણ ધરાવીએ છીએ. 

ભારતમાં કર્મચારીઓને તાલીમ પૂરી પાડવા સ્કીલ ડેવલપમેન્ટ અને એન્ટરપ્રેન્યુઅરશિપ મંત્રાલયને  વર્લ્ડ બેન્ક નાણાં ઉપલબ્ધ કરાવે છે ખરા પરંતુ ભારત સરકારે વહેતા મૂકેલા  આત્મ નિર્ભર કાર્યક્રમને જોતા તાલીમબદ્ધ કર્મચારીઓની આવશ્યકતા પણ એટલી વધુ ઊભી થઈ રહી છે કે  કુશળતાના વિકાસ માટે  ભંડોળના અન્ય સ્રોત તરફ નજર દોડાવવાનું આવશ્યક બની ગયું છે.  યુવાઓને રોજગાર એ માત્ર ભારતની જ નહીં પરંતુ વૈશ્વિક સમશ્યા છે. તાલીમબદ્ધ કર્મચારીઓની અછત દરેક ઉદ્યોગોમાં મોટી માત્રામાં છે.

ભારત સરકાર કર્મચારીમાં સ્કીલિંગ પર ભાર આપી રહી છે ત્યારે વ્યવસાયીક તાલીમ અભ્યાસક્રમ તથા કુશળતા વિકાસને ગંભીરતાથી લેવાતા નથી એ પણ એક હકીકત છે. તાલીમ કેન્દ્રોમાં પૂરી પડાતી તાલીમ સમયને અનુરૂપ હોતી નથી અથવા તો ઉદ્યોગોની માગ પ્રમાણે તે  હોતી નથી. વૈશ્વિક સ્તરે અનિશ્ચિત વેપાર વાતાવરણ વચ્ચે કર્મચારીની ટેલેન્ટ ઉદ્યોગ માટે  અસ્કયામત બની રહે છે. વૈશ્વિક સરેરાશ કરતા ભારતમાં નોકરિયાત વર્ગનું સ્તર ઊંચુ છે, પરંતુ ભારતના  પચાસ ટકાથી વધુ કર્મચારીઓને  રોજગારમાં સંતોષ મળતો નથી અથવા તો તેમને મનપસંદ રોજગાર મળતો નથી.

૨૦૨૫ સુધીમાં  આઈટી ક્ષેત્રનો પચાસ ટકા રોજગાર ઓટોમેશનથી થતો જોવા મળશે એવી અગાઉ ધારણાં રખાતી હતી પરંતુ કોરોનાને કારણે  આવેલા બદલાવને જોતા આ ટકાવારી ઊંચી રહે તો નવાઈ નહીં ગણાય, ત્યારે આ હકીકતને સમયસર ઓળખી દેશના ઉદ્યોગો તથા કર્મચારીબળે ટેકનોલોજીમાં તાલીમ મેળવી નિપુણતા કેળવવાની સમયની માગ છે, જે અવગણી શકાય એમ નથી.