અફઘાનિસ્તાનમાં કબજો મેળવ્યા બાદ તાલિબાને કહ્યું કે મહિલાઓએ તેમના શાસનમાં કેવી રીતે રહેવું પડશે... જાણો અહીં
તાલિબાને મંગળવારે કહ્યું કે તેઓ અન્ય દેશો સાથે શાંતિપૂર્ણ સંબંધો ઈચ્છે છે અને અફઘાનિસ્તાનમાં કથળતી પરિસ્થિતિઓ વચ્ચે ઈસ્લામિક કાયદા હેઠળ મહિલા અધિકારોનો આદર કરવામાં આવશે. મંગળવારે તાલિબાને અફઘાનિસ્તાન પર કબજો મેળવ્યા બાદ તેમની પ્રથમ સત્તાવાર પ્રેસ વાર્તા યોજી હતી. તાલિબાનના મુખ્ય પ્રવક્તા ઝબીહુલ્લાહ મુજાહિદે કહ્યું કે અમે અફઘાનિસ્તાનમાં કોઈ આંતરિક કે બાહ્ય દુશ્મનો નથી ઈચ્છતા. મહિલાઓને કામ અને અભ્યાસ કરવાની છૂટ આપવામાં આવશે અને તેઓ સમાજમાં ખૂબ જ સક્રિય રહેશે. સાથે જ તેમણે કહ્યું કે અમારી સત્તામાં ઇસ્લામિક માન્યતાઓમાં જ મહિલાઓએ રહેવું પડશે.
મુજાહિદે પોતાના નિવેદનમાં કહ્યું કે તેઓ મહિલાઓને ઇસ્લામના આધારે તેમના અધિકારો આપવા માટે પ્રતિબદ્ધ છે. સાથે જ તેમણે કહ્યું કે મહિલાઓ આરોગ્ય ક્ષેત્ર અને અન્ય ક્ષેત્રોમાં જ્યાં જરૂર હોય ત્યાં કામ કરી શકે છે અને તેમની સાથે કોઈ પ્રકારનો ભેદભાવ રાખવામાં આવશે નહીં. અફઘાનિસ્તાનમાં મહિલાઓને લઈને તાલિબાનનું આ નિવેદન ખૂબ મહત્વનું માનવામાં આવે છે.
તાલિબાનના અગાઉના શાસનમાં મહિલાઓ પર લાદવામાં આવ્યા હતા ઘણા પ્રતિબંધો
જણાવી દઈએ કે તાલિબાનના 1996-2001ના શાસન દરમિયાન અફઘાનિસ્તાનમાં શરિયત (ઇસ્લામિક કાયદો) લાદવામાં આવ્યો હતો. ત્યારબાદ તાલિબાનોએ મહિલાઓને કામ કરવા પર રોક લગાવી દીધી હતી. આ સાથે, તાલિબાન શાસન હેઠળ છોકરીઓને શાળાએ જવાની મંજૂરી નહોતી અને મહિલાઓને બહાર જવા માટે બુરખો પહેરવો પડતો હતો. આ સાથે, તાલિબાનોએ મહિલાઓ પર અન્ય ઘણા નિયંત્રણો લગાવ્યા હતા.
નોંધપાત્ર વાત એ છે કે અફઘાનિસ્તાનમાં તાલિબાનોના કબજા બાદ સ્થિતિ ઘણી ખરાબ છે. અફઘાન નાગરિકો સહિત વિદેશી નાગરિકોને પણ અફઘાનિસ્તાનને છોડવા મજબૂર બન્યા છે. ભારત, અમેરિકા, બ્રિટન સહિત અન્ય ઘણા દેશોએ તેમના રાજદ્વારીઓ, સૈન્ય કર્મચારીઓ અને નાગરિકોને બહાર કાઢવાનું કામ શરૂ કર્યું છે. ભારતે તેના દેશના નાગરિકોને બહાર કાઢવા માટે હેલ્પલાઇન નંબર પણ જાહેર કર્યો છે.