કોરોના બાદ કારની માંગ વધી પણ 6 થી 8 માસનો વેઈટિંગ પીરીયડ.
કોરોના મહામારી બાદ સાવચેતીના પગલાના ભાગરૂપે લોકો પર્સનલ ટ્રાવેલીંગ તરફ વળતા કારની માંગમાં વધારો થયો છે. પરંતુ ઓટો કંપનીઓ પૂરતું ઉત્પાદન કરી ન શકતા ૬ થી ૮ માસનો લાંબો વેઇટિંગ પીરીયડ જોવા મળી રહ્યો છે.
અનલોકના વિવિધ તબક્કા દરમિયાન ઓટો કંપનીઓ દ્વારા ઉત્પાદન તો શરૂ કરી દેવાયું છે પરંતુ તેઓ પૂરતું ઉત્પાદન ન કરી શકતા નવી કારની ડિલીવરીમાં વેઇટિંગ પીરીયડ જોવા મળે છે.
કાર ડીલર્સના જણાવ્યા મુજબ કોરોના બાદ લોકો પોતાનું વાહન ખરીદવા તરફ વળ્યા છે. જે ઈન્ડસ્ટ્રી માટે સાનુકૂળ પરિબળ છે. પરંતુ લાંબા વેઈટિંગ પીરીયડથી વેચાણ પર અસર થાય છે. લોકો જે કાર સરળતાથી ઉપલબ્ધ હોય તે તરફ વળી જાય છે. જેના કારણે નુકસાન થાય છે.
અત્રે એ ઉલ્લેખનીય રહેશે કે ગત વર્ષે વાહનોમાં બીએસ-૪માંથી બીએસ-૬ મોડલ તરફ શીફ્ટીંગ બાદ વાહનોનું વેચાણ વધ્યું છે. આ ઉપરાંત કોરોના બાદ તેમાં વધારો ઝડપી બન્યો છે. પરંતુ ઓટો કંપનીઓ દ્વારા પૂરતું ઉત્પાદન ન થતા આ પ્રતિકૂળતા ઊદ્ભવી છે.
ઓટો ડીલરોના જણાવ્યા મુજબ અનલોકના તબક્કા બાદ આર્થિક ગતિવિધીઓ તેજ થવા સાથે વ્યાપારી વાહનોની માંગમાં પણ વધારો જોવા મળ્યો છે.