સરળ રેસિપી સાથે બનાવો આલુ ટિક્કી બર્ગર
કોરોના ટાઈમમાં બહારના બર્ગરની યાદ આવતી હોય તો દુઃખી થવાની જરૂર નથી. આલુ ટિક્કી બર્ગર તમે ઘરે પણ બનાવી શકો છો. પણ હા, તેને બનાવવા માટે અમુક સામગ્રીઓની જરૂર પડશે.
પહેલા સોસ બનાવો
તેનો સોસ બનાવવો સરળ છે. એક વાટકામાં 3 નાની ચમચી મેયોનીઝ અને 2 નાની ચમચી ટોમેટો સોસ મિક્સ કરો.
મેયોનીઝ અને સોસની માત્રા પણ વધારે-ઓછી કરી શકો છો. મેયોનીઝની જગ્યાએ ચીઝ સ્પ્રેડનો ઉપયોગ પણ કરી શકો છો.
આલુ ટિક્કી માટે
3 બાફેલા બટેકાને છીણી લો.1/2 કપ પૌંઆ પાણીમાં પલાળી લો અને તેમાંથી પાણી નિતારી લો.
કડાઈમાં એક ચમચી માખણ પીગાળો. તેમાં 1/2 કપ મટર ઉમેરો.
છીણેલા બટેકા અને પૌંઆ સરખા મિક્સ કરી લો. એ પછી તેમાં 1 નાની ચમચી ધાણાજીરું, 1/4 નાની ચમચી મરી પાઉડર, 1 નાની ચમચી જીરું પાઉડર, 1 નાની ચમચી લાલ મરચાંનો પાઉડર, 1/2 નાની ચમચી હળદર અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરો.
આ મિશ્રણને ઠંડુ કરીને તેમાંથી ટિક્કી બનાવી લો. મેંદાનું ખીરું તૈયાર કરો, તેમાં પહેલા ટિક્કી ડુબાળો, પછી ટોસ્ટના ભુક્કામાં ફેરવી અને ગરમ તેલમાં તળો.
આવી રીતે બર્ગર તૈયાર કરો:
2 બર્ગર બન્સ લો. પહેલા બન પર મેયોનીઝ સોસ લગાવો. તેની પર ટામેટું અને ડુંગળીની ગોળ સ્લાઈઝ મૂકો. કોબીના પત્તા પણ મૂકી શકો છો.
ત્યારબાદ તેની પર આલુ ટિક્કી મૂકો. ટિક્કી પર એક ચીઝની સ્લાઈઝ મૂકો. તમે ઈચ્છો તો અલગથી મેયોનીઝ પણ બન પર લગાવી શકો છો. તો લો, આલુ ટિક્કી તૈયાર છે.