સ્વામિનારાયણ મંદિર, અડાલજ દ્વારા નવનિર્મિત શારદા-મણી કોમ્યુનિટી સેન્ટરનું લોકાર્પણ અમિત શાહના હસ્તે કરાયું
ગુજરાતની સંસ્કારિતાને ધબકતી રાખવાનું કામ સ્વામિનારાયણ જેવી અન્ય ધાર્મિક સંસ્થાઓ કરી રહી છે, તેવું આજરોજ શ્રી સ્વામિનારાયણ મંદિર, અડાલજ દ્વારા અધયતન સુવિધા સાથેના શારદા-મણી કોમ્યુનિટી સેન્ટરનું લોકાર્પણ કરતા કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિતભાઇ શાહે જણાવ્યું હતું.
કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિતભાઇ શાહે વધુમાં ઉમેર્યું હતું કે, સ્વામિનારાયણ સંસ્થા દ્વારા સમાજમાં સંસ્કારના સિંચન સાથે સાથે વ્યક્તિ ધડતરનું પણ કામ કરી રહી છે.
સ્વામિનારાયણ મંદિર, અડાલજ દ્વારા રૂપિયા ૧૧ કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવેલું કોમ્યુનિટી સેન્ટર આસપાસના લોકોને અનેક રીતે લોક ઉપયોગી બની રહેશે. તેમજ મંદિરની સેવાકીય પ્રવૃત્તિ થકી આ વિસ્તારમાં આ ટ્રસ્ટ ઉર્જાનું કેન્દ્ર બનશે.
કેન્દ્રીય ગૃહ મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે, અડાલજની વાવથી વિશ્વ પ્રસિધ્ધ બનેલા અડાલજની વાવ જોવા દેશના વિવિધ પ્રાંત અને વિશ્વમાંથી લોકો આવે તે પ્રકારનું આકર્ષણ ઉભું કરવામાં તત્કાલિન મુખ્ય મંત્રી અને દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ પ્રચાર કર્યો છે. તેમજ અડાલજ વાવ આસપાસ અનેક સુવિધાઓ ઉભી કરવામાં આવી છે.
કોરોના સામે સમગ્ર વિશ્વ સાથે સાથે ભારત દેશ પણ લડી રહ્યું છે, તેવું કહી તેમણે ઉમેર્યું હતું કે, કેટલાય વ્યક્તિઓમાં કોરોનાની રસી લેવાને લઇ અનેક પ્રશ્નો અને અંધશ્રદ્ઘા જેવા મળી રહી છે, તેને દૂર કરવાના ઉમદા કાર્યમાં જોતરાવા ઉપસ્થિત સર્વે આમંત્રિત મહેમાનોને અપીલ કરી હતી. કોરોનાની રસીકરણ કાર્યક્રમ સધન બનાવવા માટે સમાજના અગ્રણીઓ, સમાજિક ટ્રસ્ટોએ લોક જાગૃતિના કાર્યમાં જોડાવવું જોઇએ.
કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિતભાઇ શાહના હસ્તે સ્વામિનારાયણ ટ્રસ્ટ, અડાલજ દ્વારા રૂપિયા ૧૧ કરોડના ખર્ચે નિર્માણ કરવામાં આવેલ ૨૨૦૦ વ્યક્તિઓની ક્ષમતાવાળા કોમ્યુનિટી સેન્ટરનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે સ્વામિનારાયણ મંદિર, અડાલજના ટ્રસ્ટી અને રાજયસભાના સાંસદ શ્રી નરહરિભાઇ અમીન દ્વારા મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત કરી કોમ્યુનિટી સેન્ટરની ઉપયોગિતા અને અન્ય વિવિધ કામોની વિસ્તૃત માહિતી આપી હતી.
આ પ્રસંગે રાજયના મુખ્ય મંત્રી શ્રી વિજયભાઇ રુપાણી, ગુજરાત ભાજપના અધ્યક્ષ અને સાંસદ શ્રી સી.આર.પાટીલ, ગુજરાત રાજયના ગૃહ મંત્રી શ્રી પ્રદિપસિંહ જાડેજા સહિત આમંત્રિત મહેમાનો અને ટ્રસ્ટી મંડળના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.