એપલ ઈવેન્ટ 2020: 15 સપ્ટેમ્બરે એપલ વોચ સિરીઝ 6 અને નવું આઈપેડ લોન્ચ થઈ શકે છે, આઈફોન 12 સિરીઝ પર હજુ પણ સસ્પેન્સ યથાવત...
ઈવેન્ટ કેલિફોર્નિયા સ્થિત એપલ પાર્ક હેડક્વાટરના સ્ટીવ જોબ્સ થિયેટરમાં થશે. આ પ્રથમ ઈવેન્ટ હશે જ્યારે એપલ વર્ચ્યુઅલ ઈવેન્ટનું આયોજન કરશે. એપલે સપ્ટેમ્બરમાં યોજાનાર ઈવેન્ટની જાહેરાત કરી છે. આ ઈવેન્ટ 12 સપ્ટેમ્બરે કેલિફોર્નિયાના એપલ પાર્કમાં યોજાશે. કંપની દર વર્ષે આ ઈવેન્ટમાં નવાં આઈફોન મોડેલ લોન્ચ કરે છે. કોરોનાકાળમાં આ ઈવેન્ટમાં અપકમિંગ આઈફોન 12 સિરીઝનાં લોન્ચિંગ પર હજુ પણ સસ્પેન્સ યથાવત છે.
કંપનીએ તેની વેબસાઈટ પર અપકમિંગ ઈવેન્ટની માહિતી આપી છે. તે અનુસાર એપલની આગામી ઈવેન્ટ 15 સપ્ટેમ્બરે ભારતીય સમયાનુસર રાતે 10:30 વાગ્યે યોજાશે. ઈવેન્ટ કેલિફોર્નિયા સ્થિત એપલ પાર્ક હેડક્વાટરના સ્ટીવ જોબ્સ થિયેટરમાં યોજાશે. આ પ્રથમ વાર બનશે કે કંપની કોઈ ઈવેન્ટનું વર્ચ્યુઅલ આયોજન કરશે.
ઈવેન્ટમાં કઈ પ્રોડક્ટ્સ લોન્ચ થશે?
એપલે આ ઈવેન્ટમાં કઈ પ્રોડક્ટ લોન્ચ થશે તેના વિશે કોઈ ઓફિશિયલી માહિતી આપી નથી, પરંતુ રિપોર્ટ્સ અનુસાર, આ ઈવેન્ટમાં આઈફોન 12 સિરીઝ લોન્ચ નહીં થાય. કોવિડ-19 મહામારીને લીધે આઈફોનની સપ્લાઈ ચેનને અસર થવાથી કંપની હાલ આઈફોન 12 લોન્ચ નહીં કરે. 15 સપ્ટેમ્બરની ઈવેન્ટમાં એપલ વોચ સિરીઝ 6 અને નવું આઈપેડ એર લોન્ચ થઈ શકે છે.
એપલ વોચ સિરીઝ 6માં બિલ્ટ ઈન ટચ આઈડી ફિંગરપ્રિન્ટ સેન્સર મળી શકે છે. જોકે હાલ એ સ્પષ્ટ નથી કે ટચ આઈડી ફિંગર પ્રિન્ટ સેન્સર કેવી રીતે અટેચ કરવામાં આવશે, કારણ કે ડિજિટલ ક્રાઉનનો ઉપયોગ પહેલાંથી જ ECG કેપ્ચર માટે કરવામાં આવી રહ્યો છે. અપકમિંગ વોચમાં હાઈલી ડિમાન્ડેડ ફીચર બ્લડ ઓક્સીજન ડિટેક્શન મળી શકે છે. તેમાં સ્લીપ ટ્રેકિંગ સહિતનાં અનેક હેલ્થ ફીચર મળશે. નવી વોચમાં અપગ્રેડેડ પ્રોસેસર અને ઈમ્પ્રૂવ્ડ બેટરી લાઈફ મળી શકે છે. ઈવેન્ટમાં આઈપેડ એર, હોમ પોડ અને એપલ ટીવી સ્ટ્રિમિંગ બોક્સ પણ લોન્ચ થઈ શકે છે.
આઈફોન 12 સિરીઝનાં 4 વેરિઅન્ટ લોન્ચ થઈ શકે છે. તેમાં 5.4 ઈંચનો આઈફોન 12, 6.1 ઈંચનો આઈફોન 12 મેક્સ, 6.1 ઈંચનો આઈફોન 12 પ્રો અને 6.7 ઈંચનો આઈફોન 12 પ્રો મેક્સ સામેલ હોઈ શકે છે.