સિઝનલ ફ્લુ સામે આપ સુરક્ષિત છો? એક્સપર્ટ્સ જણાવી રહ્યા છે કેમ તેના માટે જરુરી છે ઈન્ફ્લુએન્ઝા વેક્સિન.
ચોમાસુ આવતા જ કેટલીક બીમારીઓ ઘર સુધી પહોંચી જાય છે, જેની સાથે આપણે ઘણીવાર પનારો પાડવાનો આવે છે. જેમાં સૌથી સામાન્ય કોઈ બીમારી હોય તો તે છે સીઝનલ ફ્લૂ. NCBIના ડેટા અનુસાર, 28798 લોકો 2019માં એક પ્રકારના સીઝનલ ફ્લુ (H1N1)માં સપડાયા હતા, અને બાળકોને આ તાવ આવવાનું જોખમ સૌથી વધારે રહે છે. ભારત જેવા દેશમાં પાંચ વર્ષથી નીચેના બાળકોને ઈન્ફ્લુએન્ઝા થવાની શક્યતા ત્રણ ગણી વધારે હોય છે, અને તેમાં ફેટિલિટીનું પ્રમાણ પણ આપણા દેશમાં 15ગણું વધારે છે. બાળકને તેનાથી બચાવવા માટે સમયસર ફ્લુ શોટ્સ અપાવવાનો એક સલામતીભર્યો વિકલ્પ છે.
સીઝનલ ઈન્ફ્લુએન્ઝા શું છે?
એક્યુટ રેસ્પિરેટરી ઈન્ફેક્શન ઈન્ફ્લુએન્ઝા વાયરસને કારણે થાય છે. આપણા દેશમાં શિયાળા અને ચોમાસા દરમિયાન સીઝનલ ફ્લુના કેસમાં ઉછાળો આવે છે. આમ તો આખા વર્ષ દરમિયાન તેના કેસ જોવા મળતા હોય છે, પરંતુ આ તાવના જાન્યુઆરીથી માર્ચ એટલે કે શિયાળા દરમિયાન અને ઓગસ્ટથી ઓક્ટોબર એટલે કે ચોમાસુ પૂરું થતી વખતે વધી જાય છે. તેના લક્ષણોમાં તાવ આવવો, સૂકી ઉધરસ, માથું દુ:ખવું, સ્નાયુ અને સાંધામાં દુ:ખાવો થવો, બેચેની લાગવી, ગળું ખરાબ થઈ જવાથી લઈને નાક સતત ટપકતું રહે છે. સામાન્ય રીતે આ તાવમાંથી સાજા થવામાં એકાદ સપ્તાહ જેટલો સમય લાગી જાય છે, જ્યારે ઉધરસ બે સપ્તાહ સુધી રહી શકે છે. જો કે કેટલાક કેસોમાં સીઝનલ ફ્લુ ગંભીર બની શકે છે, અને હાઈ-રિસ્ક ધરાવતા દર્દી માટે તે જીવલેણ પણ સાબિત થઈ શકે છે. દેશમાં 2019માં 1,218 લોકો H1N1 ઈન્ફ્લુએન્ઝાને કારણે મોતને ભેટ્યા હતા.
કઈ રીતે સીઝનલ ઈન્ફ્લુએન્ઝા સામે રક્ષણ મેળવશો?
આ બીમારીની ગંભીરતાને જોતા અને તેમાંય બાળકોને તેનો ચેપ લાગવાના જોખમને ધ્યાનમાં રાખી તેની સામે રક્ષણ મેળવવા ડોક્ટર્સ અને સ્પેશિયાલિસ્ટ્સ લોકોને સીઝનલ ઈન્ફ્લુએન્ઝાની વેક્સિન લેવા માટે પ્રોત્સાહિત કરતા રહે છે. ધી ઈન્ડિયન એકેડમી ઓફ પીડિયાટ્રિક્સ એડવાઈઝરી કમિટિ ઓન વેક્સિન્સ એન્ડ ઈન્ફ્લુએન્ઝાઈશન (IAP ACVIP) ભલામણ કરે છે કે 6 માસથી લઈને 5 વર્ષની વય ધરાવતા બાળકોને લેટેસ્ટ અવેલેબલ ક્વાડ્રિવેલેન્ટ/ટ્રીવેલેન્ટ ઈનએક્ટિવ ઈન્ફ્લુએન્ઝા વેક્સિન નિયમિત અપાવવી જોઈએ.
બાળકો માટે લેટેસ્ટ અવેલેબલ ઈન્ફ્લુએન્ઝા વેક્સિન કેમ જરુરી છે?
ઈન્ફ્લુએન્ઝાનો વાયરસ દર વર્ષે પોતાની પેટર્ન બદલતો રહે છે, અને સતત ફેલાઈને વધુને વધુ લોકોના શરીરમાં પ્રવેશતો રહે છે. તમારું શરીર એક પ્રકારના ઈન્ફ્લુએન્ઝા સામે લડવાની શક્તિ ધરાવતું હશે તો પણ દર વર્ષે આ વાયરસ પોતાનું સ્વરુપ બદલી તમને બીમાર કરી શકે છે. તેની સામે રક્ષણ મેળવવા માટે WHO દ્વારા આ વાયરસની લેટેસ્ટ પેટર્ન તેમજ તેની રસીની માહિતી રિલીઝ કરી છે. આથી, લેટેસ્ટ ઈનએક્ટિવેટેડ ઈન્ફ્લુએન્ઝા વેક્સિન માત્ર તમારા બાળક માટે જ નહીં, પરંતુ તમારા માટે પણ ખૂબ જ જરુરી છે.
ઈન્ફ્લુએન્ઝા વેક્સિન કામ કઈ રીતે કરે છે?
ભારતમાં ફ્લુ શોટ્સ અંગે મોટા પ્રમાણમાં ગેરમાન્યતાઓ પ્રવર્તે છે, જેના કારણે ઘણા લોકો ઈન્ફ્લુએન્ઝા સામે રક્ષણ આપતી રસીથી દૂર રહે છે. એબોટ્ટ અને IQVIA દ્વારા 2019માં કરવામાં આવેલા એક સર્વે અનુસાર, 40 ટકા લોકો તાવને ગંભીરતાથી નથી લેતા અને જે લોકો હાઈ-રિસ્ક કેટેગરીમાં આવે છે તેમાંથી 37 ટકા ગર્ભવતી મહિલાઓએ ફ્લુ શોટ નહોતો લીધો. ફ્લુ નિવારી શકાય તેવી બીમારી હોવા છતાંય લોકો તેનાથી બચવા શોટ્સ લેવાનું ટાળી રહ્યા છે.
ફ્લુ શોટ દ્વારા તમારા શરીરમાં નિષ્ક્રિય ઈન્ફ્લુએન્ઝા વાયરસની લેટેસ્ટ પેટર્ન દાખલ કરવામાં આવે છે, જેનાથી તમારી અને તમારા બાળકની રોગપ્રતિકારક શક્તિ તેની સામે લડવાની ક્ષમતા કેળવી લે છે. સીઝનલ ફ્લુ જેવી નિવારી શકાય તેવી બીમારી સામે સુરક્ષિત રહેવાનો આ એક સૌથી સુરક્ષિત રસ્તો છે તે સાબિત થઈ ચૂક્યું છે. જેથી દેશના ટોચના ડૉક્ટર્સ પણ તેને પ્રિફર કરે છે.
સીઝનલ ફ્લુ થવાનું કોને જોખમ રહે છે?
સીઝનલ ફ્લુ કોઈને પણ થઈ શકે છે, અને તેની સામે રક્ષણ મેળવવું આપણા સૌ માટે જરુરી છે. જો કે ચાર પ્રકારના લોકોને આ વાયરસનો ચેપ લાગવાની શક્યતા સૌથી વધારે હોય છે. જેમાં 6 માસથી લઈને 5 વર્ષના બાળકો, 65 વર્ષથી વધુ ઉંમર ધરાવતા લોકો, ગર્ભવતી મહિલા અને બીજા કોઈ રોગને લીધે જેમની રોગપ્રતિકારક શક્તિ ઓછી થઈ ગઈ હોય તેવા એટલે કે કુલ ચાર પ્રકારના લોકોને આ વાયરસનો ચેપ સરળતાથી લાગી શકે છે. આ સિવાય હેલ્થકેર વર્કર્સ કે જેઓ આ વાયરસના દર્દીઓના સીધા સંપર્કમાં આવતા હોય છે, તેમને પણ તેનું ઈન્ફેક્શન લાગવાનું વધુ જોખમ રહે છે.
સીઝનલ ફ્લુ સામે રક્ષણ કેવી રીતે મેળવશો?
સીઝનલ ફ્લુની સીઝન હવે શરુ થઈ ચૂકી છે, ત્યારે ડોક્ટરની સલાહ અનુસાર સીઝન શરુ થવાના બે સપ્તાહ પહેલા ફ્લુ વેક્સિન લેવાથી તેની સામે રક્ષણ મેળવી શકાય છે. આ સિવાય ચોખ્ખાઈને લગતી કેટલીક મૂળભૂત આદતો વિકસાવીને પણ આ ફ્લુથી બચી શકાય છે. જેમાં વારંવાર વ્યવસ્થિત રીતે હાથ ધોતા રહેવાથી માંડીને ચહેરા પર હાથ ના લગાવવા જેવી બાબતોનો સમાવેશ થાય છે.
સીઝનલ ઈન્ફ્લુએન્ઝા તમારા શ્વસનતંત્રને સીધી અસર કરતો હોવાથી તેને લગતી પણ કેટલીક હાઈજિનની આદતો પાડવી જરુરી છે. જેમાં ઉધરસ કે છીંક ખાતી વખતે મોઢા અને નાકના ઢાંકવાથી લઈને ટિશ્યૂનો યોગ્ય રીતે નિકાલ કરવા ઉપરાંત જો તમે આ વાયરસના સંપર્કમાં આવ્યા હો તો બને તેટલું જલ્દી સેલ્ફ આઈસોલેટ થઈ જવું જરુરી છે, જેનાથી આ બીમારી બીજા લોકો સુધી ના ફેલાઈ શકે.