દેશમાં કોરોનાને લઈને માઠા સમાચાર : વાંચો કયા ચાર રાજ્યોમાં વધ્યા કોરોનાનાં ચિંતાજનક કેસ
દેશમાં કોરોના વાયરસનો નવો સ્ટ્રેન વધુ ખતરનાક નીવડી શકે છે. છેલ્લા કેટલાક દિવસોમાં જે પ્રકારે કોરોના વાયરસના કેસોમાં તેજી જોવા મળી છે તે જોતા કોરોનાએ ફરીથી સરકારની ચિંતામા વધારો કર્યો છે. દેશના ચાર મોટા રાજ્યો જેવા કે કેરળ, મહારાષ્ટ્ર, પંજાબ અને મધ્ય પ્રદેશમાં છેલ્લા અઠવાડિયાથી કોરોના વાયરસના નવા કેસોમાં ખુબજ વધારો જોવા મળી રહ્યો છે. આ સાથે જ દેશના અન્ય રાજ્યોમાં પણ કોરોનાના કેસ વધી રહ્યા હોવાનું સામે આવી રહ્યું છે. આંકડાકિય માહિતીની વાત કરીએ તો છ રાજ્યોમાંથી 87 ટકા કોરોના વાયરસના નવા કેસ સામે આવ્યા છે.
ખતરનાક સાબિત થઈ શકે છે સેકન્ડ સ્ટ્રેન :- એમ્સ પ્રમુખ રણદીપ ગુલેરિયા.
આ દરમ્યાન એમ્સના પ્રમુખ ડો.રણદીપ ગુલેરિયાએ પણ એવી આશંકા વ્યક્ત કરી છે કે ભારતમાં કોરોના વાયરસ પ્રત્યે હર્ડ ઈમ્યુનિટી બની છે તે એક ભ્રામક માન્યતા હોઈ શકે, કારણ કે તેના માટે ભારતની કુલ વસ્તીમાંથી 80 ટકા વસ્તીમાં કોરોના વાયરસ પ્રત્યે એન્ટીબોડી બનેલી હોવી જોઈએ. જે હર્ડ ઈમ્યુનિટી હેઠળ સંપૂર્ણ વસ્તીની સુરક્ષા માટે જરૂરી છે. કોરોનાનો નવો સ્ટ્રેન વધુ સંક્રમક અને ખતરનાક સાબિત થઈ શકે છે. નવો દેખાયેલો કોરોના સ્ટ્રેન સંક્રમણથી બહાર આવી ચૂકેલા વ્યક્તિને પણ ફરીથી પોતાની જપેટમાં લઈ શકવા સક્ષમ છે. પછી ભલે તેમના શરીરે એન્ટીબોડી ડેવલોપ કરી લીધી હોય, જે આગળ જતાં ખુબજ ઘાતક નિવડી શકે છે.
આ ઉપરાંત જો મહારાષ્ટ્રની વાત કરીએ તો મહારાષ્ટ્ર કોરોનાકાળની શરુઆતથીજ સૌથી વધું સંક્રમિત રાજ્યોમાનું એક રાજ્ય છે, ત્યારે મહારાષ્ટ્રમાં કોવિડ ટાસ્કફોર્સના સભ્ય ડો.શશાંક જોશી જણાવે છે કે રાજ્યમાં કોરોનાના 240 નવા સ્ટ્રેન જોવા મળ્યા છે. જેને ગત અઠવાડિયાથી મહારાષ્ટ્રમાં વધી રહેલા કેસ માટે મહત્વનું કારણ માનવામાં આવી રહ્યું છે.
અત્રે ઉલ્લેખનીય એછે કે કોરોના વાયરસના નવા સ્ટ્રેનની શોધ વચ્ચે મહારાષ્ટ્રમાં કોરોના સંક્રમિતોની સંખ્યામાં ખુબ વધારો થઈ રહ્યો છે. જે વિશે કહેવાયઆશંકા છે કે કોરોનાના જુના વર્ઝનની સરખામણીમાં તે વધુ ખતરનાક છે. મહારાષ્ટ્રમાં મુંબઈ સહિત અનેક જિલ્લાઓમાં કોરોના વાયરસના કેસ ચિંતાજનક રીતે વધી રહ્યા છે.
મહારાષ્ટ્રના વિદર્ભ વિસ્તાર અને મુંબઈમાં મળેલા કોરોનાના નવા સ્ટ્રેને સ્થાનિક અધિકારીઓને નવા લોકડાઉન અને મોટાભાગના લોકો માટે નવા પ્રતિબંધો લગાવવા માટે પ્રેરિત કર્યા છે. આશંકા છે કે આ વિસ્તારોમાં ફરીથી લોકડાઉન લગાવવાની નોબત આવી શકે છે.
મહારાષ્ટ્રમાં શુક્રવારે નવા 6112 નવા કેસની પુષ્ટિ થઈ છે. જ્યારે કેરળમાં 4584 નવા કેસ સામે આવ્યા છે. તદુપરાંત મધ્ય પ્રદેશમાં 13 ફેબ્રુઆરીથી દૈનિક સંક્રમિત દર્દિઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. શુક્રવારે રાજ્યમાં 297 દૈનિક કેસ નોંધાયા છે. માત્ર મહારાષ્ટ્ર અને કેરળમાં જ કોવિડ-19ના 75.87 ટકા સક્રિય કેસ જોવા મળ્યા છે.
કોરોના લેટેસ્ટ અપડેટ, છેલ્લા 24 કલાકમાં 14,264 નવા કેસ
સમગ્ર દેશમાં કોરોનાના નવા કેસની વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં 14,264 નવા કેસ જોવા મળ્યા છે. આ સાથે કુલ કેસની સંખ્યા 1,09,91,651 પર પહોંચી ગઈ છે. જેમાંથી 1,06,89,715 લોકો કોરોનાને માત આપીને સાજા થઈ ગયા છે. જ્યારે 1,45,634 લોકો હજુ સારવાર હેઠળ છે. એક જ દિવસમાં 90 લોકોના કોરોનાના કારણે મોત નિપજ્યા છે. કોરોનાથી અત્યાર સુધીનો મૃત્યુઆંક 1,56,302 થયો છે. મોટાપાયે રસીકરણ અભિયાન પણ ચાલુ છે. અત્યાર સુધીમાં 1,10,85,173 લોકોને રસી અપાઈ છે.