બિહારના એવા બાહુબલી અને તેમના પત્નીની વાત કે જેઓ જેલમાં રહીને ચૂંટણી જીત્યા
બિહારના સહરસા જીલ્લામાં એક ગામ આવેલુ છે. તેનું નામ પનગછિયા છે. આ ગામમાં 26 જાન્યુઆરી 1956ના રોજ એક બાળકનો જન્મ થયો હતો. તેના દાદા રામ બહાદુર સિંહ સ્વતંત્રતા સેનાની હતા. આ છોકરો જ્યારે 17 વર્ષનો થયો હતો ત્યારે બિહારમાં જેપી આંદોલન શરૂ થાય છે અને અહીંથી તેની રાજકીય કારકિર્દીની શરૂઆત થાય છે. એવુ કહેવામાં આવે છે કે બિહારમાં રાજનીતિ બે બાબત પર ચાલે છે. પહેલી જાતિ અને બીજી દબંગઈ. આ છોકરાએ આ બન્નેનો સહારો લઈ રાજકારણમાં પ્રવેશ કર્યો. આ છોકરાની આટલી બધી વાત થઈ ચુકી છે તો તેનું નામ પણ જાણી લો. તેનું નામ છે આનંદ મોહન સિંહ.
બાહુબલી નેતા આનંદ મોહન. વર્તમાન સમયમાં એક ડીએમની હત્યાના કેસમાં સજા કાપી રહ્યા છે. તેમની પત્ની અને ભૂતપુર્વ સાંસદ લવલી આનંદ વર્તમાન સમયમાં RJDમાં સામેલ થઈ ગયા છે.
1983માં ત્રણ મહિના જેલમાં વિતાવ્યા, વર્ષ 1990માં ચૂંટણી રાજનીતિમાં ઉતર્યા
80ના દાયકામાં બિહારમાં આનંદ મોહન સિંહ બાહુબલી નેતા બની ચુક્યા હતા. તેમની ઉપર અનેક કેસ દાખલ હતા. વર્ષ 1983માં પ્રથમ વખત ત્રણ મહિના જેલમાં રહેવુ પડ્યુ હતું. વર્ષ 1990ની વિધાનસભા ચૂંટણીમાં આનંદ મોહન જનતા દળની ટિકિટ પર મહિષાથી ચૂંટણી લડ્યા અને કોંગ્રેસના લહતાન ચૌધરીને 62 હજારથી વધુ મતોથી પરાજય આપ્યો હતો.
આ સમયમાં જ્યારે દેશમાં મંડળ આયોગની ભલામણ લાગૂ કરવામાં આવી હતી. આ ભલામણોમાં સૌથી મહત્વની વાત હતી કે સરકારી નોકરીઓમાં OBCને 27 ટકા અનામત આપવામાં આવે. જનતા દળે પણ તેનું સમર્થન કર્યું. પણ, આનંદ મોહન અનામત વિરોધી હતા. વર્ષ 1993માં જનતા દળથી અલગ થઈ પોતાનો પક્ષ રચ્યો. જેનું નામ બિહાર પીપલ્સ પાર્ટી એટલે કે બીપીપી રાખ્યુ. ત્યારબાદ સમતા પાર્ટી સાથે હાથ મિલાવી લીધા હતા.