બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World Aggregator ANI BBC

પ્રકૃતિની અનોખી ભેટ જેવું પક્ષી ચિલોતરો :આપણા પર્યાવરણની મેઘધનુષી વિવિધતા


▪️ઘટી રહેલા ગાઢ જંગલોને લીધે આ પક્ષીને હવે નાછૂટકે શહેરી વિસ્તારોમાં સઘન વનરાજી હોય ત્યાં પણ વસવાટ કરવો પડે છે
▪️બચ્ચા ની દેખરેખ માટે માદા જેલ જેવા બંધ માળામાં ત્રણેક મહિના રહે છે
▪️વડોદરાના વન્ય જીવ તસવીરકાર ડો.રાહુલ ભાગવતે વિવિધ પ્રજાતિના ચીલોતરાની તસવીરો પાડી છે
      
તાજેતરમાં જ વિશ્વ પર્યાવરણ દિવસ ઉજવાય ગયો જેમાં પૃથ્વી ની જૈવિક અને વાનસ્પતિક, તેમજ નદી, સરોવર, સમુદ્ર જેવી વિવિધતાઓની સાચવણી અને સંવર્ધનની હિમાયત કરવામાં આવી.



    કુદરતના સંતાન જેવા ફૂલ, ફળ,વૃક્ષો,પંખીઓ,પશુઓ અરે! જીવ જંતુઓમાં મેઘધનુષી રંગ વિવિધતા જોવા મળે છે.

પ્રકૃતિની આવી જ એક અજાયબી સમાન છે ચિલોતરા જેવા વિચિત્ર નામે ઓળખાતું પક્ષી જે વડોદરા શહેરમાં ખાસ કરીને રાજમહેલની આસપાસની ગીચ વનરાજીમાં જોવા મળે છે.વડોદરાના વન્ય જીવ તસવીરકાર ડો.રાહુલ ભાગવતે ઠેર ઠેર ઘૂમીને વિવિધ પ્રજાતિના ચિલોતરાની સરસ છબીઓ લીધી છે.

   ચીલોતરો જેને અંગ્રેજીમાં હોર્ન બિલ કહે છે એ પક્ષી અન્ય પક્ષીઓની સરખામણીમાં ઘણું મોટું,આકર્ષક કે સુંદર ન કહી શકાય તો પણ ધ્યાન ખેંચનારું પક્ષી છે.એની લાંબી અને કૈક અંશે અર્ધ ચંદ્રાકાર ચાંચની ઉપર શિંગડા જેવો ઉપસેલો ભાગ જોવા મળે છે જેના લીધે અંગ્રેજીમાં કદાચ આ પક્ષી નું હોર્ન (શિંગડું) બિલ નામ પડ્યું હશે.



    વડોદરાના ડો.રાહુલ ભાગવતને પક્ષી જગત માટે ફોટોગ્રાફી કન્સલ્ટન્ટ તરીકે ઓળખાવી શકાય કારણ કે તેમણે દેશના પહોંચાય એ ખૂણે જઈને આ પાંખાળા દેવદૂતોની આંખ ઠરે તેવી તસવીરો ખૂબ રખડી રખડીને અને ધીરજપૂર્વક પ્રતીક્ષા કરીને લીધી છે.

    હોર્નબિલના જે પ્રકાર ભારતમાં જોવા મળે છે તેની વિવિધતાને તેમણે કેમેરામાં ક્લિક કરી છે. ફોટોગ્રાફીની સાથે ડો.રાહુલ પક્ષીઓની જીવનશૈલી અને ખાસીયતોનું ઝીણું નિરીક્ષણ પણ કરે છે અને જરૂરી જાણકારી પણ મેળવે છે.

  આ પક્ષીઓમાં નર માદાની એક બીજા પ્રત્યેની વફાદારી અજોડ છે તેવી જાણકારી આપતાં ડો.રાહુલ જણાવે છે કે તેઓ હંમેશા જોડી જાળવે છે અને જોડીમાં જ ફરે છે.
  તેની બીજી એક ખાસિયત ઈંડાના સેવન અને બચ્ચાની કાળજી લેવાની છે.જ્યારે માદા ઈંડા મૂકે ત્યારે તે પોતાના માળાને ફક્ત નર પક્ષી એની ચાંચ ઘુસાડી શકે તેટલી જગ્યા રાખીને ચારે તરફથી સજ્જડ બંધ કરી લે છે.
  તે પછી લગભગ ત્રણ મહિના સુધી માદા સતત આ માળામાં બચ્ચાઓ સાથે બંધ રહે છે. નર રોજ  ખોરાક લાવી બારીમાંથી ચાંચ માળામાં નાંખી માદાને આપે છે.માદા આ માળાને અંદરથી તોડી સકતી નથી એટલે જો નર આ સમયગાળામાં કોઈનો શિકાર બની જાય તો માદા અને બચ્ચાં માળામાં મૃત્યુ વહોરી લે છે.

  લગભગ ત્રણ મહિના પછી નર માળો તોડી માદાને બહાર કાઢે છે.પછી પાછી બારી રાખી માળાને જડબેસલાક બંધ કરી દે છે અને બચ્ચાઓ અંદર સુરક્ષિત રહે છે.આખરે બચ્ચા પુખ્ત અને ઉડવા યોગ્ય થાય ત્યારે તેમને બહાર લાવવામાં આવે છે.

  આ પક્ષી ઘેઘૂર ઝાડોની મોટી બખોલોમાં માળા બાંધવાનું પસંદ કરે છે એટલે મોટો ભાગે આવા વૃક્ષો ધરાવતા ઘોર જંગલમાં વસે છે.જો કે જંગલો પાંખા થવાને લીધે હવે વડોદરા જેવા મહાનગરોમાં સઘન હરિયાળી વાળા વિસ્તારોના મહાકાય વૃક્ષોમાં તેમને વસવાટ કર્યો છે.વડોદરાના રાજમહેલની આસપાસની ગીચ ઝાડીઓમાં તેને જોઈ શકાય છે.

    અગાઉ ગીરના જંગલોમાં તેની ખૂબ વસતી હતી પરંતુ એક ગેર માન્યતાને લીધે આ પક્ષી જોખમમાં મુકાયું હતું.જો કે હવે જાગૃતિને લીધે તેને નવજીવન મળ્યું છે.

  ચિલોતરો એટલે કે ધનેશ પક્ષી જગતમાં ખૂબ આગવી શરીર રચના ધરાવે છે એવી જાણકારી આપતાં ડો.રાહુલ ભાગવત કહે છે કે ભારતીય ઉપખંડમાં અને ભારતમાં તેની પ્રજાતિઓ,શરીર ના રંગ અને કદની વિવિધતા જોવા મળે છે જેમ કે ગ્રે હોર્નબિલ, મલાબાર પાઈડ હોર્નબિલ, રૂફુસ નેક હોર્નબિલ, માલાબાર હોર્ન બિલ અને ગ્રેટ હોર્નબિલ ઇત્યાદિ એકથી વધુ પ્રજાતિઓ જોવા મળે છે. જો કે નિષ્ણાત પક્ષીવિદો આ બાબતમાં વધુ કહી શકે.

  એની ઉડવાની શૈલી પણ ખૂબ રસપ્રદ છે.પાંખ વિંઝયા પછી પહોળી રાખી હવામાં ગ્લાઇડિંગ કરતો હોય તેમ ઉડે.ફરીથી પાંખ વીંઝે ત્યારે એનો ફફડાટ દૂર સુધી સંભળાય.

  વિવિધ પ્રકારના,વડના ટેન્ટા, અંજીરના ફળ, જંગલી ફળ,જીવ જંતુ એનો ખોરાક છે.

  આ વૃક્ષચર પક્ષી છે જે ક્યારેક જ જમીન પર પડેલા ફળ, ટેંટા કે જીવડાં ખાવા  ઉતરે છે.વડ જેવા ઘેઘૂર વૃક્ષોમાં રહેવાનું તેને પસંદ છે.વૃક્ષોની સંખ્યા ખૂબ હોય તો ટોળામાં પણ જોવા મળે છે.તેનો અવાજ સમડી જેવો કર્કશ છે.રાખોડી ચિલોતરો તળ ગુજરાતનો સ્થાયી નિવાસી છે.દક્ષિણ ગુજરાતમાં પણ જોવા મળે છે.

  પર્યાવરણ અનેક સજીવ આશ્ચર્યોથી ભરપુર છે.વિવિધતા એ પ્રકૃતિની વિશેષતા છે અને ચિલોતરો સહિતના પક્ષી અને વનસ્પતિઓની, જંગલોની જાળવણીથી જ આ વિશ્વની પ્રાકૃતિક વિશેષતા સચવાશે.