બિટકોઈનના ભાવ વધુ ઉછળી 52000 ડોલરને પાર : 62 અબજ ડોલરનું વોલ્યુમ થયું.
વૈશ્વિક ગોલ્ડ બજારમાં તેજીના ખેલાડીઓ તરીકે પંકાયેલા સટોડીયાઓ બિટકોઈન તરફ વળી રહ્યાના મળેલા નિર્દેશો. ક્રિપ્ટોકરન્સીની વિશ્વ બજારમાં આજે તેજી આગળ વધતાં ભાવમાં નવો રેકોર્ડ સર્જાયો હતો. બિટકોઈનના ભાવ જે તાજેતરમાં 50 હજાર ડોલર પછી 51 હજાર ડોલરની સપાટી કુદાવી ગયા હતા તે આજે વધુ ઉછળી 52 હજાર ડોલરની સપાટી પણ વટાવી જતાં વૈશ્વિક ખેલાડીઓ અચંબામાં આવી વેગવાન ચાલ જોઈ રહ્યા હતા.
જોકે આજે આરંભમાં બિટકોઈનના ભાવ ઘટી નીચામાં 50798થી 50799 ડોલર થઈ ગયા પછી ભાવ આંચકા પચાવી ફરી ઉછળી ઉંચામાં બાવન હજાર ડોલરની સપાટી કુદાવી 52621થી 52622 ડોલરનો નવો રેકોર્ડ બજારે બનાવ્યો હતો. જોકે ત્યાર પછી ભાવ નીચા ઉતર્યા હતા અને મોડી સાંજે ભાવ 51839થી 51840 ડોલર થયા પછી ફરી ઉછળી 52,197થી 52,198 ડોલર બોલાઈ રહ્યા હતા.
તાજેતરમાં વિવિધ વૈશ્વિક કોર્પોરેટ જૂથોએ બિટકોઈનમાં રસ બતાવતાં ભાવમાં તેજીની વેગીલી દોટ જોવા મળી છે. આજે દરીયાપારથી મળેલા સમાચાર મુજબ વૈશ્વિક સ્તરે સોનામાં સંકળાયેલા તથા સોનામાં બુલીશ ગણાતા અમુક મોટા ખેલાડીઓ બિટકોઈન તરફ વળી રહ્યાના નિર્દેશો હતા. આના પગલે આજે વિશ્વબજારમાં સોનાના ભાવ ઘટાડા પર રહ્યા હતા જ્યારે સામે બિટકોઈનના ભાવ ઉછળતા જોવા મળ્યા હતા.
વિશ્વબજારના સૂત્રોના જણાવ્યા મુજબ વૈશ્વિક જૂથ ડબલલાઈન કેપીટલ એલ.પી.ના વડા જેફરી ગુંડલાચ જે ગોલ્ડમાં તેજીના મોટા ખેલાડી ગણાય છે તે હવે બિટકોઈનમાં રસ બતાવતા થયા છે. આજે સાંજ સુધીમાં બિટકોઈનમાં કુલ વેપાર વોલ્યુમ 61થી 62 અબજ ડોલરનું થયું હતું તથા કુલ માર્કેટ કેપીટલાઈઝેશન (માર્કેટ- કેપ) વધી 964થી 965 અબજ ડોલર થયું હતું.
તેજીનું તોફાન જોતાં આવું માર્કેટ કેપ હવે ટૂંકમાં વધી 1000 અબજ ડોલર થઈ જવાની શક્યતા જાણકારો બતાવી રહ્યા હતા. આ વર્ષે બિટકોઈનના ભાવ વધી કદાચ એક લાખ ડોલર થાય તો નવાઈ નહિં એવી શક્યતા જાણકારોમાં ચર્ચાઈ રહી છે. એક વર્ષ અગાઉ ભાવ 10 હજાર ડોલર રહ્યા હતા. ત્રણ મહિનામાં ભાવ આશરે 200 ટકા વધ્યા છે.