ભાજપના જ પદાધિકારીઓની ભ્રષ્ટાચારની રાવ, રસ્તા બાંધકામની વિજિલન્સ તપાસની માંગ...
સમગ્ર રાજ્યમાં એક તરફ કોરોના વાયરસે કહેર મચાવ્યો છે જ્યારે બીજી તરફ સરકારની રહેમ નજર હેઠળ કામ કરતા કોન્ટ્રાક્ટરો સરકારની આબરૂ નેવે મૂકી ભ્રષ્ટાચાર કરવામાં કોઈની શરમ રાખતા નથી. જેને કારણે ભાજપના જ પદાધિકારીઓ આવા ભ્રષ્ટાચારીઓ સામે વિજિલન્સ તપાસની માંગ કરી રહ્યા છે.
મળતી વિગતો મુજબ અમરેલી જિલ્લાના લીલીયા તાલુકા પંચાયતના પ્રમુખ તેમજ મહામંત્રીએ અમરેલી લોકસભાના સાંસદ નારાયણભાઈ કાછડિયાને પત્ર લખી લીલીયા- લાઠી રોડ ની વિજિલન્સ તપાસની માંગ કરી છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે લીલીયા-લાઠી રોડનું કામ સંપૂર્ણ પણે નબળું કરવામાં આવ્યું છે અને મટીરીયલમાં પણ ભેળસેળ કરવામાં આવી છે. આ ઉપરાંત વધુમાં તેમને પત્રમાં જણાવ્યું છે કે વારંવાર રજુઆત કરવા છતાં પણ કોઈ પ્રકારે કામમાં સુધારો કરવામાં આવ્યો નથી જેથી આ રોડની વિજિલન્સ તપાસની માંગ કરી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે અમરેલી જિલ્લાની લીલીયા તાલુકા પંચાયતમાં ભાજપની સત્તા છે ત્યારે ભાજપના જ પદાધિકારીઓએ વિજિલન્સ તપાસની માંગ કરી ભાજપની સરકાર સામે આંગળીઓ ચીંધી છે, ત્યારે આ સમગ્ર મામલે ભીનું સંકેલવામાં આવશે કે યોગ્ય પગલાં લેવામાં આવશે તે તો જોઉં રહ્યું...