કોરોના કાળમાં ભાજપે રેલીઓ કર્યા બાદ હવે શું કરશે તે જાણો, જાણીને લાગશે નવાઈ...
રાજ્યમાં આગામી સમયમાં યોજાનારી 8 વિધાનસભા બેઠકની પેટાચૂંટણીને લઈ ભાજપે તૈયારીઓ શરૂ કરી દીધી છે. આજે ભાજપા પ્રદેશ કાર્યાલય 'કમલમ' ખાતે ભાજપાના રાષ્ટ્રીય સહસંગઠન મહામંત્રી વી.સતિષ અને પ્રદેશ સંગઠન મહામંત્રી ભીખુભાઇ દલસાણીયાની ઉપસ્થિતિમાં આગામી વિધાનસભા પેટાચૂંટણી સંદર્ભે પદાધિકારીઓની બેઠક યોજાઇ હતી. ભાજપ પ્રદેશ ઉપાધ્યક્ષ આઈ.કે.જાડેજાએ પ્રદેશ ભાજપ કાર્યાલય ખાતે મીડિયાને માહિતી આપતા જણાવ્યું હતું કે, ગામેગામ ખાટલા બેઠકો દ્વારા ભાજપના કાર્યકર્તાઓ કૃષિ સુધાર બિલ અંગે ખેડૂતોને સાચી માહિતી આપીને આ ખેડૂતહિતકારી ઐતિહાસિક સુધારાઓ અંગે અપપ્રચાર કરી, ભ્રામકતા ફેલાવી, ગેરમાર્ગે દોરી ખેડૂતોનું અહિત કરી રહેલી કોંગ્રેસનો પર્દાફાશ કરશે.
ખેડૂતહિતના વિવિધ પાસાઓ અંગે રાજ્યના ખેડૂતોને માહિતગાર કરવામાં આવશે
ભાજપ પ્રદેશ ઉપાધ્યક્ષ આઈ.કે.જાડેજાએ આગળ જણાવ્યું કે, ભાજપ કિસાન મોરચા તેમજ ભાજપ સંગઠન દ્વારા ઓક્ટોબર માસમાં ગુજરાતભરના ગામોમાં ખેડૂતો સાથે મોટી સંખ્યામાં ખાટલા બેઠકો યોજી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ સંસદમાં પસાર કરાયેલ 'કૃષિ સુધાર બિલ 2020'માં સમાવિષ્ટ ખેડૂતહિતના વિવિધ પાસાઓ અંગે રાજ્યના ખેડૂતોને માહિતગાર કરવામાં આવશે.
કોંગ્રેસ અપપ્રચાર કરી, ભ્રામકતા ફેલાવી ખેડૂતોને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરે છેઃ આઈ.કે.જાડેજા
આઈ.કે.જાડેજાએ વધુમાં જણાવ્યું હતું કે, મંડલ સ્તરે ભાજપ સંગઠનના માળખાની રચના પૂર્ણ થઈ છે ત્યારે પ્રદેશ ભાજપ દ્વારા આગામી સમયમાં ગુજરાતના તમામ મંડલોના ભાજપ પદાધિકારીઓના પ્રશિક્ષણ વર્ગ યોજવામાં આવશે. કૃષિ બિલ અંગે વધુમાં કહ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વડપણ હેઠળની કેન્દ્ર સરકારે ખેડૂતોની આવક વધારવાની દિશામાં 'કૃષિ સુધાર બિલ 2020' થકી ખેડૂતો માટે સમૃદ્ધિના દ્વાર ખોલ્યા છે ત્યારે કોંગ્રેસ આ અંગે અપપ્રચાર કરી, ભ્રામકતા ફેલાવી ખેડૂતોનું અહિત કરી ખેડૂતોને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરી રહી છે ત્યારે તેનો પર્દાફાશ કરવા તેમજ આ બિલમાં સમાવિષ્ટ ખેડૂતહિતના વિવિધ પાસાઓ અંગે રાજ્યના ખેડૂતોને માહિતગાર કરવા ઓક્ટોબર માસમાં ભાજપ કિસાન મોરચા તેમજ ભાજપ સંગઠન દ્વારા ગુજરાતભરના ગામોમાં ખેડૂતો સાથે મોટી સંખ્યામાં ખાટલા બેઠકો યોજવામાં આવશે.