બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World Aggregator ANI BBC

તમારા શરીરની લોહીની નળીઓમાં ફરતા લોહીના રોગો.

ફિટનેસ- મુકુંદ મહેતાઘન ભાગમાં રક્તકણ છે જેમાં લાલ રંગનું પ્રવાહી છે તેને હિમોગ્લોબિન કહે છે. ફક્ત કણનું કામ શરીરના દરેક અંગોને ઓક્સીજન પહોંચાડવાનું છે

લોહી એટલે શું?

વૈજ્ઞાનિક ભાષામાં કહીએ તો ''મનુષ્ય અને પશુઓના શરીરના સઘળા અંગોના અગણિત કોષોને નળીઓ (આર્ટરી) મારફતે 'ઓક્સીજન' પહોંચાડવાનું અને તે કોષોમાંથી ''કાર્બન ડાયોક્સાઈડ'' પાછા લઈ જવાનું કામ જે લાલ રંગનું પ્રવાહી કરે છે તેને લોહી કહેવાય.''

લોહીના જુદા જુદા ભાગ અને તેનું કાર્ય : લોહી ઘન અને પ્રવાહી બે ભાગનું બનેલું છે. ઘન ભાગમાં રક્તકણ (રેડ સેલ્સ) છે જેમાં લાલ રંગનું પ્રવાહી છે તેને હિમોગ્લોબિન કહે છે. ફક્ત કણનું કામ શરીરના દરેક અંગોને ઓક્સીજન પહોંચાડવાનું છે, જ્યારે સફેદ કણ (વ્હાઈટ સેલ્સ)નું કામ શરીરનું ચેપી રોગોથી રક્ષણ કરવાનું છે અને એકદમ ઝીણા કણ જે પ્લેટલેટસ કહેવાય તેનું કામ શરીરમાં કોઈ ઠેકાણે લોહી નીકળતું હોય તેને બંધ કરવાનું છે.

લોહીમાં રહેલા પ્રવાહી ભાગને પ્લાઝમા કહેવાય તેમાં ૯૦ ટકા પાણી હોય છે જેમાં પ્રોટીન, બધા જ પ્રકારના મિનરલ્સ, હોર્મોન્સ અને ગ્લુકોઝ હોય છે. આ ઉપરાંત પ્લાઝમામાં લોહી નીકળતું હોય તેને અટકાવનારા તત્ત્વો પણ હોય છે. રક્તકણ (રેડ સેલ્સ), સફેદ કણ (વ્હાઇટ સેલ્સ) અને પ્લેટલેટસ શરીરના હાડકાંના બોનમેરોમાં બને છે.

લોહીના રોગ થવાના કારણો : ૧. લોહીના કેટલાક રોગ વારસાગત (જીન્સને કારણે) હોય છે. ૨. કેટલાક શરીરમાં બીજા રોગ થયા હોય તેને કારણે થાય છે. ૩. કોઈ વખત દર્દીએ લીધેલી દવાઓની આડ અસરને કારણે થાય અને ૪. કોઈ વાર તમારા ખોરાકમાં તમારા શરીરને જરૂરી વિટામિન અને મિનરલ્સની ખામી હોય ત્યારે થાય છે. લોહીના એક અથવા વધારે ભાગને રોગ થઈ શકે. કોઈ પણ જાતના રોગ લોહીને થાય ત્યારે લોહી પોતાનું કામ ના કરી શકે.

લોહીના સામાન્ય રોગો :

એ. લોહીના લાલ કણને અસર કરનારા રોગો : લોહીના દરેક લાલ કણમાં ''હિમોગ્લોબિન'' નામનો લાલ પિગમેન્ટ હોય છે જેને લીધે તેને ''રેડ સેલ'' કહેવામાં આવે છે જેનું વૈજ્ઞાનિક ભાષામાં બીજું નામ ''ઇરિથ્રોસાઇટ'' છે. આ લાલ કણનું કામ (પોતામાં રહેલા હિમોગ્લોબિનને લીધે) શ્વાસોશ્વાસ મારફતે ફેફસામાં આવેલી હવામાં રહેલા ''ઓક્સીજન''ને શરીરના દરેક અંગોના કોષોને પહોંચાડવાનું છે.

લાલ કણના રોગો : ૧. એનીમિયા : તંદુરસ્ત વ્યક્તિના લોહીમાં એક માઇક્રોલિટરે ૪.૫થી ૫.૦ મિલી. રક્તકણ હોય અને હિમોગ્લોબિનનું પ્રમાણ પુરુષોમાં ૧૪ થી ૧૬ મી.ગ્રામ અને સ્ત્રીઓમાં ૧૩ થી ૧૫ મિલી. ગ્રામ હોવું જોઈએ જ્યારે લોહીમાં રક્તકણ (રેડ સેલ્સ) ઓછા હોય તેને એનીમિયા કહેવાય. રક્તકણ ઓછા હોય એટલે સ્વાભાવિક રીતે લોહીના કણમાં રહેલું લોહી પણ ઓછું કહેવાય પણ સામાન્ય રીતે એનીમિયા એટલે હિમોગ્લોબિન ઓછું એમ કહેવાય છે જેને એનીમિયા હોય તેવા દર્દીને થાક લાગે. આંખોનો અને ચામડીનો રંગ ફિકો પડી ગયો હોય, પગે સોજા આવ્યા હોય અને તેને થોડો પણ શ્રમ પડે તો શ્વાસ ચઢી જાય.

એનીમિયાના પ્રકાર :

૧. આયર્ન ડેફીશ્યનસી એનીમિયા :

રેડસેલ્સ બનાવવા માટે ખોરાકમાં આયર્ન (લોહતત્વ) હોવું જરૂરી છે. મોટેભાગે સ્ત્રીઓ આયર્ન મળે તેવો ખોરાક ખાય નહીં ઉપરાંત તેમને માસિકધર્મ વખતે શરીરમાંથી લોહી નીકળી જાય. આ ઉપરાંત જેઓને પેટના રોગો જેવા કે હોજરી અને આંતરડામાં ચાંદા (અલ્સર) પડયા હોય, કબજિયાતને કારણે હરસ (પાઇલ્સ) થયા હોય કે ભગંદર થયું હોય ત્યારે અથવા કેન્સર થયું હોય ત્યારે લોહી ઓછું થઈ જાય આવા કિસ્સામાં ડૉક્ટરની સલાહ લઈને ''આયર્ન''ની ગોળીઓ આપવી જોઈએ અને લોહી જો બહુ ઓછું થઈ ગયું હોય તો ''બ્લડ ટાન્સફ્યૂઝન'' આપવું જોઈએ.

૨. જૂના દર્દોને કારણે થતો એનીમિયા : કિડનીના રોગોમાં તેમજ ઓટોઈમ્યુંન ડીસીઝમાં લોહી બનવાની ખામી હોય એટલે એનીમિયા થાય. આવા દર્દીએ નિષ્ણાત ડૉક્ટરને બતાવી સારવાર કરવી જોઈએ.

૩. પર્નિશીયસ એનીમિયા : આ પ્રકારના એનીમિયા શરીરમાં વિટામિન બી-૧૨ની ખામી હોય ત્યારે થાય છે. શરીરમાં વિટામિન બી-૧૨ની ખામી બે પ્રકારે થાય એ. ખોરાકમાં જરૂરી વિટામિન બી-૧૨ મળતું ના હોય. બી. આંતરડા ઉમ્મરને કારણે નબળા થઈ ગયા હોય જેને કારણે ખોરાકમાં લીધેલું વિટામિન બી-૧૨ એબ્સોર્બ ના થતું હોય સી. ઓટો ઈમયુંન ડીસીઝ હોય ડી જ્ઞાનતંતુના રોગો હોય. આની સારવારમાં બી-૧૨ના ઈંજેકશન ડૉક્ટરની સલાહ લઈને લેવા જોઈએ.

૪. એપ્લાસ્ટિક એનીમિયા : આ રોગમાં દર્દીના શરીરમાં બોનમેરોમાં પૂરતા રક્તકણ ઉત્પન્ન ના થતાં હોય. આમ થવાના કારણોમાં ૧. હિપેટાઈટીસ (લિવરનો સોજો) ૨. એઈડ્સનો રોગ ૩. દવાઓની આડ અસર હોય ૪. કેન્સર માટે આપવામાં (કેમોથરેપિ) દવાઓ અને ૫. પ્રેગનન્સી. આવા કિસ્સામાં બ્લડટ્રાન્સફ્યૂઝન અને જરૂર લાગે તો ''બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ'' કરવું જોઈએ.

૫. ઓટોઈમ્યુંન હિમોલિટિક એનીમિયા : કોઈક વાર શરીરની ઈમ્યુન સિસ્ટમ શરીરના રેડ સેલ્સનો નાશ કરે ત્યારે આ પ્રકારની તકલીફ થાય આને માટે નિષ્ણાત ડૉક્ટરની સલાહ લઈને સારવાર કરવી જોઈએ.

૬. થેલેસિમિયા : આ પ્રકારનો રોગ વારસાગત (જીનેટીક) ગણાય છે. આ રોગમાં દર્દીના શરીરમાં લોહી બનતું જ નથી એટલે ડૉક્ટરની સલાહ લઈને જરૂર લાગે ત્યારે લોહી આપવું પડે.

૭. પોલીસાયથેમિયા વેરા : જેનું ચોક્કસ કારણ ખબર નથી એવા આ રોગમાં વધારે પડતાં રેડ સેલ્સ ઉત્પન્ન થાય છે. કોઈક વાર આ રોગમાં નળીઓમાં લોહી જામી જવાની ક્રિયા (ક્લોટિંગ) થઈ શકે. આ રોગની કોઈ સારવાર નથી.