બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World Aggregator ANI BBC

આપણી શાળાઓમાં સોશિયલ ડિસ્ટન્સિંગનો નિયમ શક્ય બનશે?

કેન્દ્ર સરકારે સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમો સાથે શાળાઓ શરૂ કરવાની પરવાનગી આપી છે, પરંતુ આપણે ત્યાં શાળાઓમાં એટલી જગ્યા છે? એ નિયમો પાળવા શક્ય બનશે?
  • - શાળામાં બાળકો માટે ઈમરજન્સી રિસ્પોન્સ ટીમ તૈનાત રાખવી પડશે.
  • - બધા વિદ્યાર્થીઓ અને સ્ટાફે માસ્ક ફરજિયાત પહેરો પડશે
  • - બાળકોને એકમેકથી બે ગજના અંતરે, અલગ અલગ બેસાડવા પડશે.
  • - સ્કૂલમાં ઠેર-ઠેર સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોનું બોર્ડ લગાવવું પડશે.
  • - સ્કૂલમાં બાળકો માટે જે વ્યવસ્થા થાય છે તેની જાણકારી પેરેન્ટ્સને આપવી પડશે.
  • - કેન્ટિન, બાથરૂમ, લાઈબ્રેરી, કેમ્પસમાં સ્વચ્છતા રાખવી પડશે.
  • - મધ્યાહન ભોજન બનાવવામાં પૂરતી તકેદારી રાખવી પડશે.
  • - બાળકોને પીવાનું પાણી સ્વચ્છ મળે છે કે નહીં તે દરરોજ તપાસવું પડશે.

કેન્દ્ર સરકારે શાળાઓ ખોલવા માટે જે ગાઈડલાઈન જાહેર કરી છે એ કંઈક આવી છે. આ બધી જ ગાઈડલાઈન્સનું જો દેશભરમાં પાલન થશે તો શિક્ષણ ક્ષેત્રે ક્રાંતિ આવી જશે, પણ ભારતની સિસ્ટમનો રેકોર્ડ જોતાં કદાચ એ શક્ય બનશે નહીં! ગાઈડલાઈનમાં સૌથી મહત્વની વાત છે - સોશિયલ ડિસ્ટન્સિંગ. આપણે ત્યાં કેમ્પસ અને ક્લાસમાં જગ્યાનો ભારે અભાવ હોવાથી સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કેવી રીતે થશે એ સૌથી મોટો સવાલ છે.

 અસંખ્ય શાળાઓ કેમ્પસ વગર ચાલે છે. એ સ્કૂલ્સ માત્ર ક્લાસરૂમ ધરાવે છે, એ પણ એવડાં નાના કે તેમાં ૨૦ કે ૩૦ વિદ્યાર્થીઓ બે ગજના અંતરે બેસે તો ક્લાસ ટૂંકો પડે. સ્વચ્છતા, મેડિકલ ઈમરજન્સી રીસ્પોન્સ ટીમ વગેરેને ન ગણીએ તો આ એક જ મુદ્દો એવો છે કે જે સૌથી મોટો અવરોધ બને તેમ છે.

સરકારી ગાઈડલાઈનનું પાલન કરી શકાય એટલી વ્યવસ્થા શાળાઓમાં છે? 
ડિસ્ટ્રિક્ટ ઈન્ફર્મેશન સિસ્ટમ ફોર એજ્યુકેશનના અહેવાલ પ્રમાણે દેશમાં આજેય ૫૩,૫૩૩ શાળાઓ માત્ર એક ક્લાસરૂમ ધરાવે છે. દેશની ૧૯ ટકા શાળાઓ એવી છે, જ્યાં વિદ્યાર્થીઓની સરેરાશ સંખ્યા ૩૫ કરતાં વધુ છે. દેશની ૧.૩ લાખ શાળાઓ એવી છે જેના એક ઓરડામાં સરેરાશ ૫૦ વિદ્યાર્થીઓ બેસે છે.

બીજી તરફ ઘણી શાળાઓ એવી છે જેમાં પૂરતા શિક્ષકો નથી એટલે બે ધોરણના વિદ્યાર્થીઓને એક જ ક્લાકમાં બેસાડવામાં આવે છે. સરકારે એક ક્લાસમાં વિદ્યાર્થીઓને બેસાડવાની જે સંખ્યા નક્કી કરી છે એ ૩૫ છે. સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવાનું ન હોય ત્યારે પણ સરકારે જે ધોરણ નક્કી કર્યું છે એ પ્રમાણે એક ક્લાસમાં ૩૫ વિદ્યાર્થીઓને જ બેસાડવાના હોય છે, પરંતુ પૂરતી વ્યવસ્થા ન હોવાથી ગ્રામ્ય સ્તરે એક ક્લાસમાં ૫૦ કરતાં વધુ વિદ્યાર્થીઓ બેસે છે.

સ્કૂલ શરૂ થશે એટલે ઓછામાં ઓછાં પાંચ કલાક બાળકો શાળામાં રહેશે. એ પાંચ કલાક દરમિયાન સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોનું પાલન કરાવવાનું કામ શિક્ષકોનું રહેશે. શિક્ષકો ખરેખર નિયમો પાલન કરાવવા ઈચ્છતા હશે તો પણ સૌથી મોટી મર્યાદા આવશે વ્યવસ્થાની.

લાખો સ્કૂલ્સમાં વિદ્યાર્થીની સંખ્યાની સરખામણીએ પૂરતા ઓરડા નથી. પૂરતા ઓરડા હશે ત્યાં શિક્ષકો ખૂટે છે. શિક્ષકો ખૂટે છે એટલે કે બે ક્લાસને મર્જ કરીને એકમાં ભણાવાય છે. એવાં કિસ્સામાં સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરાવવા માટે તાત્કાલિક શિક્ષકોની જરૂર પડશે એનું શું થશે?

ગાઈડલાઈન પ્રમાણે ક્લાસમાં માત્ર ૩૦ ટકા વિદ્યાર્થીઓને જ બેસાડવાના રહેશે. બધા જ વિદ્યાર્થીઓના ક્લાસ લેવાના હોય તો શાળાઓ વધુ સમય માટે ચલાવવી પડે. એના માટે સ્ટાફ ક્યાંથી આવશે? અથવા તો એ જ સ્ટાફ બે શિફ્ટમાં કામ કરશે તો તેને જે વધારાનું જે વળતર આપવું પડશે તેનાથી સરકારની તિજોરીને કેટલું ભારણ આવશે? એનું અલગ બજેટ ફાળવાશે કે જે બજેટ છે એમાંથી જોગવાઈ કરાશે? આવા તો કેટલાય સવાલો સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોના પાલન જેવા જ પેચિદા છે.

સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોનું પાલન કરવા માટે જે ઓરડા છે એ રાતોરાત તો મોટા થઈ જવાના નથી. એટલે બીજા ઓરડાની વ્યવસ્થા થઈ ગઈ પછી પણ શિક્ષકોની અછતનો મુદ્દો તો ખરો જ.

સરકારી શાળાઓમાં ૧૭.૬ ટકા શિક્ષકોની ઘટ છે. ઉચ્ચ માધ્યમિકમાં ૧૫.૭ ટકા શિક્ષકો ઓછા છે. ૧,૦૮,૦૧૭ શાળાઓ એવી છે જે એક જ શિક્ષકથી ચાલે છે અને એ શિક્ષક એક સાથે ૪૦ વિદ્યાર્થીઓને ભણાવે છે. આ શાળાઓમાં સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કેવી રીતે થશે?

દેશની ૧૭ ટકા સરકારી શાળાઓમાં એક શિક્ષકના ભાગે ૪૦થી ૪૫ વિદ્યાર્થીઓને ભણાવવાનું આવે છે. આવી શાળાઓમાં જો સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરાવવું હોય તો તાકીદની અસરથી બે શિક્ષકોની જરૂર પડશે. એ જ શિક્ષકને બે શિફ્ટમાં કામ સોંપાશે તો તો બજેટનો એનો એ જ મુદે ફરીથી આવશે જ.

સૌથી મહત્વનો મુદ્દો - સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન સમજદાર, ભણેલા-ગણેલાં વયસ્ક લોકો પાસે કરાવવાનું પણ દિવસે દિવસે અઘરું બનતું જાય છે ત્યારે બાળકો પાસે મર્યાદિત શિક્ષકો કેવી રીતે એ નિયમોનું પાલન કરાવી શકશે? ચોક, ડસ્ટર જેવી મામૂલી ચીજવસ્તુનું ફંડ મેળવવામાં સમય લાગતો હોય ત્યારે સેનિટાઈઝર્સની વ્યવસ્થા માટે તાત્કાલિક ફંડ આવી જશે? પહેલી વખત કદાચ આવીય જશે, પણ પછીથી એનું સાતત્ય નહીં જળવાય તો ગંભીર પરિણામો સામે આવી શકે છે.

અચ્છા, બીજો એક પોઈન્ટ શિક્ષકોની વયનો. લગભગ છ લાખ શિક્ષકોની વય ૫૫ કે તેથી વધુ છે. એ તમામ શિક્ષકો ખુદ વલ્નરેબલની વ્યાખ્યામાં આવે છે એટલે તેના સ્વાસ્થ્ય અંગે પણ પૂરતી તકેદારી જરૂરી થઈ પડશે. જે સ્કૂલ્સમાં પૂરતા શિક્ષકો છે ત્યાં સ્ટાફરૂમમાં પણ સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવું મુશ્કેલ છે! 

સ્ટાફરૂમમાં જ સોશિયલ ડિસ્ટન્સિંગ શક્ય ન હોય ત્યારે ક્લાસરૂમમાં કેવી રીતે શક્ય બનશે?

સરકારી સ્કૂલ્સના આંકડા આઘાત પમાડે એવા છે, તો ખાનગી સ્કૂલ્સની સ્થિતિ પણ આશ્વર્યજનક તો છે જ. શહેરોની શાળાઓને બાદ કરીએ તો નાના સેન્ટર્સ કે ગ્રામ્ય સ્તરે ચાલતી ખાનગી શાળાઓમાં પણ વ્યવસ્થાનો આભાવ છે. દેશની ખાનગી શાળાઓમાં કાર્યરત ટીચર્સમાંથી ૧૯ ટકા પાસે એ માટેનું જેટલું જોઈએ એટલું ક્વોલિફિકેશન નથી.

આવા કપરાં સમયમાં શિક્ષકોની ભૂમિકા વધારે મહત્વની બની જાય છે. શિક્ષકોએ પોતે નિયમો પાળીને બાળકોને ઉદાહરણ આપવું પડે છે. મેન્ટર બનીને તેમને દિશા આપવી પડે છે, પરંતુ આપણે ત્યાં માત્ર ૪૩ ટકા શિક્ષકો જ સેનિટેશન અને હાઈજિન બાબતે જાગૃત છે એવો દાવો વોટર એડ ઈન્ડિયાના સર્વેક્ષણમાં થયો હતો. ૪૫૩ શાળાઓને આવરીને આ સર્વેક્ષણ થયું હતું. થોડા ઉદાર થઈને માની લઈએ કે ૫૦ ટકા શિક્ષકોને સરકારના સ્ટાન્ડર્ડ પ્રમાણેના નિયમો પળાવતા આવડતા હશે તો પણ એ સિવાયના બધા જ શિક્ષકોને અલગ તાલીમ આપવી જરૂરી છે.

ભારતમાં ૩૦ કરોડ વિદ્યાર્થીઓ છે. ચીન પછી ભારત સૌથી મોટી સ્કૂલિંગ સિસ્ટમ ધરાવતો દેશ છે. દેશમાં વિદ્યાર્થીઓ માટે ૧૩ લાખ જેટલી શાળાઓ છે અને ૬૦ લાખ જેટલાં શિક્ષકો છે. એક અંદાજ પ્રમાણે સરેરાશ ૫૦ વિદ્યાર્થીઓએ એક શિક્ષક છે. આ સ્થિતિ આદર્શ નથી, કોરોનાકાળમાં સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરાવવું હોય ત્યારે તો આ સ્થિતિ બિલકુલ આદર્શ નથી, બલકે બદતર છે!

ભણતરની ભયજનક સ્થિતિ!
ભારતમાં શિક્ષણનું ત્રિસ્તરીય માળખું છે. એક કેન્દ્ર સરકાર દ્વારા સંચાલિત, બીજુ રાજ્ય સરકાર દ્વારા સંચાલિત અને ત્રીજું ખાનગી. ત્રણેયની શિક્ષણ આપવાની પદ્ધતિમાં મોટો ફરક છે, બજેટમાં ય ધરખમ ફેરફાર છે અને શિક્ષણ મેળવનારા નાગરિકોના લેવલમાં ય મોટો ફરક છે.

સ્કૂલ રીઓપન થઈ રહી છે ત્યારે દેશમાં ગ્રામ્ય સ્તરે, ખાસ તો સરકારી શાળાઓમાં શિક્ષણનું સ્તર કેવું છે તેના પર નજર ફેરવવા જેવી છે. એક શૈક્ષણિક સર્વેમાં ગંભીર બાબતો તરફ ધ્યાન દોરવામાં આવ્યું છે એ પ્રમાણે ગ્રામ્ય સ્તરે બીજા ધોરણ સુધીના બાળકોમાંથી ૪૧ ટકા બાળકો બે આંકડાના નંબર ઓળખી શકતા નથી. ચારથી આઠ વર્ષના ૩૭,૦૦૦ બાળકોને આવરીને ૨૪ રાજ્યોમાં કરાયેલા સર્વેક્ષણ પછી તૈયાર થયેલા પ્રથમના એન્યુઅલ સ્ટેટ્સ ઓફ એજ્યુકેશન રીપોર્ટ-૨૦૨૦માં દાવો થયો હતો કે ૫૨ ટકા બાળકો શબ્દ વાંચી શક્યા હતા. એટલે કે ૪૮ ટકા બાળકો એ સાધારણ કસોટીમાં પાસ થયા ન હતા.

૨૦૧૮ના રીપોર્ટમાં પણ લગભગ આવું જ પરિણામ આવ્યું હતું. ભારતના ૧૪થી ૧૮ વર્ષના ૩૬ ટકા વિદ્યાર્થીઓને દેશના પાટનગરનું નામ સુદ્ધાં આવડતું નથી. અરે, ૧૪ ટકા વિદ્યાર્થીઓ ભારતનો નકશો ય ઓળખી શકતા નથી. ગ્રામ્ય વિસ્તારના ૫૭ ટકા વિદ્યાર્થીઓ ભાગાકાર-ગુણાકાર જેવા સરળ ગણિતના દાખલા ગણી શક્યા નથી.

૪૦ ટકા વિદ્યાર્થીઓ ઘડિયાળમાં જોઈને સાચો સમય કહી શક્યા નહીં. ગ્રામ્ય વિસ્તારના ધોરણ ૧૧-૧૨ના અડધો અડધ વિદ્યાર્થીઓ ફૂડ પેકેટમાં લખેલી ચારમાંથી ત્રણ સૂચનાઓ વાંચી-સમજી શક્યા નહોતા. ભારત જીડીપીના ૩.૩ ટકા જેટલું બજેટ શિક્ષણ પાછળ ફાળવે છે. અંદાજે ૯૯ હજાર કરોડ જેટલું બજેટ ફાળવ્યા પછી ય આ હાલત છે!