કેન્દ્રીય મોટર વાહન કાયદા આદેશાનુસર ફી ચુકવવાની માન્યતા અને ફી ચુકવવા માટેના સમયગાળાની મુદત લંબાવવા અંગે અધિસૂચના.
કોવિડ-19 મહામારીનો ફેલાવો રોકવા માટે દેશમાં સંપૂર્ણપણે લૉકડાઉનનો અમલ કરવા સંબંધે કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા તા. 24 માર્ચ 2020ના રોજ નંબર- 40-3/2020-DM-I(A) સાથે બહાર પાડવામાં આવેલી માર્ગદર્શિકા અને ત્યારબાદ બહાર પાડવામાં આવેલા પરિશિષ્ટના અનુસંધાનમાં MoRTH દ્વારા 30 માર્ચ 2020ના રોજ મોટર વાહન અધિનિયમ 1988 અને કેન્દ્રીય મોટર વાહન કાયદા 1989 સંબંધિત દસ્તાવેજોની માન્યતાની મુદત લંબાવવા અંગે માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી હતી.
તેમાં એવી સલાહ આપવામાં આવી હતી કે, લૉકડાઉનના કારણે જે દસ્તાવેજોની માન્યતા લંબાવી શકાઇ નથી અથવા મંજૂરી આપવામાં આવી શકે તેમ નથી અને જે દસ્તાવેજોની માન્યતા 1 ફેબ્રુઆરી 2020ના રોજ સમાપ્ત થાય છે અથવા જે 30 જૂન 2020 સુધીમાં સમાપ્ત થશે, તેમના માટે અમલીકરણ અધિકારીઓને સલાહ આપવામાં આવી હતી કે, આ દસ્તાવેજોની માન્યતા 30 જૂન 2020 સુધી માનવામાં આવે.
સરકારના ધ્યાનમાં એવું પણ આવ્યું હતું કે, દેશમાં લૉકડાઉનના અમલ અને આ સમય દરમિયાન સરકારી પરિવહન કચેરીઓ બંધ હોવાથી લોકોને કેન્દ્રીય મોટર વાહન કાયદા 1989ના નિયમ 32 અને 81 અંતર્ગત આપવામાં આવેલા આદેશાનુસર વિવિધ ફી/ વિલંબ ફીના સંદર્ભમાં મુશ્કેલીઓ પડી રહી છે. એવા પણ ઘણા કિસ્સા સામે આવ્યા હતા જેમાં સેવા અથવા રીન્યુઅલ માટે પહેલાંથી જ ફી ભરી દેવામાં આવી હતી પરંતુ લૉકડાઉનના કારણે તેની પ્રક્રિયા પૂર્ણ થઇ શકી નહોતી. વધુમાં, RTO કચેરીઓ બંધ હોવાથી લોકોને ફી જમા કરાવવામાં પણ અનેક મુશ્કેલીઓ પડી રહી હતી.
કોવિડ-19 દરમિયાન નાગરિકોની અસુવિધા દૂર કરવા માટે, MoRTH દ્વારા કાનૂની આદેશ બહાર પાડવામાં આવ્યો છે જેમાં સૂચવવામાં આવ્યું છે કે, રીન્યુઅલ સહિતની પ્રવૃત્તિ(પ્રવૃત્તિઓ) માટે 1 ફેબ્રુઆરી 2020ના રોજ અથવા તે પછી ચુકવી દેવામાં આવી હોય અને જો કોવિડ-19 મહામારીને રોકવા માટે લાગુ કરવામાં આવેલા પ્રતિબંધોના કારણે ઉભી થયેલી સ્થિતિમાં આવી પ્રવૃત્તિ(પ્રવૃત્તિઓ) પૂર્ણ ન થઇ શકી હોય તો, ફી હજુ પણ માન્ય ગણવામાં આવશે.
અને, જો 1 ફેબ્રુઆરી 2020થી લૉકડાઉનના સમયગાળા સુધીમાં ફી ચુકવવામાં કોઇપણ પ્રકારનો વિલંબ થયો હોય તો, 31 જુલાઇ 2020 સુધી આવા વિલંબ પર કઇપણ પ્રકારની વધારાની ફરી અથવા લેઇટ (વિલંબ) ફી લેવામાં આવશે નહીં.