૨૦૨૮ સુધીમાં ચીનની ઇકોનોમી અમેરિકાને આંબી જવાનો દાવો.
કોરોના મહામારીના કારણે દુનિયાના અર્થતંત્રો હચમચી ગયા છે. વાયરસનું સંક્રમણ રોકવા માટે લોકડાઉન અને ઇમરજન્સી જેવા પગલાઓ ભરવાથી દુનિયાના મેન્યૂફેકચરિંગ અને સર્વિસ સેકટર પર ખૂબજ વિપરિત અસર થઇ છે. ઉધોગ ક્ષેત્રે નોકરીઓ ઘટવાથી કરોડો લોકો બેકાર થયા છે.
ભારતમાં જીડીપીનો આંક પ્લસમાં હતો તે માઇનસમાં આવી ગયો, યૂરોપ અને અમેરિકાના અર્થતંત્રને ખૂબજ માર પડયો છે. તેમ છતાં નવાઇની વાત તો એ છે કે કોરોના મહામારી ચીન માટે વરદાન સાબીત થઇ છે. વર્તમાન વર્ષની શરુઆત સાથે જ ચીનના ટોપ પાંચ આર્થિક શહેરમાં ગણાતા વુહાનમાંથી કોરોના વાયરસ ફેલાયો હતો તેમ છતાં થોડાક દિવસોમાં જ વુહાન અને ચીનનું અર્થતંત્ર પાટા પર ચડી ગયું હતું.
અમેરિકા જેવી મહાસત્તા કોરોનાનું સંક્રમણ રોકી શકી નહી પરંતુ ચીનમાં અચાનક જ કોરોના સંક્રમણ અટકી ગયું હતું. લોકડાઉન પણ ઝડપથી ઉઠાવી લેવામાં આવ્યું હતું. ચીનમાં કોરોના સંક્રમણનો કુલ આંકડો ૮૫૦૦૦થી વધારે ન હતો ત્યારે આટલા કેસ યૂરોપમાં રોજ વધતા હતા. કોરોના સંક્રમણ અટકાવવા વેકસીન સંશોધનમાં પણ ચીને ઝડપ કરીને ટ્રાયલ લેવાના શરુ કર્યા હતા.
ચીનમાં લોકશાહીનો અભાવ છે અને સામ્યવાદી શાસનનો લોખંડી પંજો હોવાથી ખરેખર સ્થિતિ શું છે તે બહાર આવતું નથી પરંતુ સેન્ટર ફોર ઇકોનોમિકસ એન્ડ બિઝનેસ રિસર્ચે (સીઇબીઆર) પોતાના વાર્ષિક રિપોર્ટમાં દાવો કર્યો છે કે ચીનની અર્થ વ્યવસ્થા આગામી પાંચ વર્ષમાં અમેરિકા કરતા પણ આગળ નિકળી જશે. સીબીઆરના રિપોર્ટ મુજબ છેલ્લા કેટલાક સમયથી અમેરિકા અને ચીન વચ્ચે ઇકોનોમિક અને સોફટ પાવર સંઘર્ષ ચાલે છે. કોવિડ-૧૯ મહામારીથી ચીનના અર્થતંત્રને ફાયદો થયો છે.
લોકડાઉન પછી ચીને એક પછી એક પગલા ભરવા માંડયા જયારે અમેરિકા આજે પણ સંઘર્ષ કરી રહયું છે. ચીનમાં ૧૪ મી પંચવર્ષિય યોજનાના અમલ માટે ૫ માર્ચ ૨૦૨૧માં ક્મ્યૂનિસ્ટ પાર્ટીના સાંસદોનું એક સત્ર બોલાવવામાં આવી રહયું છે.
ચીનની ઇકોનોમી ૨૦૨૧ થી ૨૦૨૫ સુધીમાં સરેરાશ ૫.૭ ટકાની ગતિથી વધે તેવી શકયતા છે. ત્યાર પછી તેની રફતારમાં થોડો ઘટાડો થશે.
એક અંદાજ મુજબ ૨૦૨૬ થી ૨૦૩૦ સુધી ૪.૫ ટકા રહેશે તેવી ધારણા છે. બીજી તરફ અમેરિકી અર્થ વ્યવસ્થા લાંબા સમય સુધી પ્રભાવિત રહી શકે છે. ૨૦૨૨ થી ૨૦૨૪ સુધી અમેરિકાની આર્થિક રફતાર ૧.૯ ખી ૨ ટકા રહે તેવી ધારણા છે. ત્યાર પછી અર્થતંત્રની ગતિ ધીમી પડીને ૧.૯ ટકા રહે તેમ છે. જાપાન વિશે અનુમાન બાંધવામાં આવ્યું છે કે ૨૦૩૦ સુધી ડોલરની દ્વષ્ટીએ વિશ્વની સૌથી ત્રીજા ક્રમનું અર્થતંત્ર બની રહેશે.ત્યાર પછી ભારત જાપાન કરતા પણ આગળ નિકળી જશે. જર્મની ચોથા ક્રમથી પાંચમાં ક્રમે અને બ્રિટન પાંચમા સ્થાનથી છ્ઠા સ્થાને ખસેડાશે. અમેરિકા હાલમાં 19 ટ્રીલિયન સાથે વિશ્વની નંબર વન ઇકોનોમી છે.