કમ્પેરિઝન:આઈફોન 12માં આઈફોન 11 જેવી જ ડિસ્પ્લે અને કેમેરા સેટઅપ છે, તેમ છતાં 25 હજાર રૂપિયા મોંધો, ખરીદતા પહેલાં જાણો વધારે કિંમતમાં નવું શું મળશે?
આઈફોન 11/12 બંનેમાં ફેસ ID અને 17 કલાક સુધી વીડિયો પ્લેબેક ટાઈમ મળશે. મંગળવારે એપલ ઇવેન્ટમાં કંપનીએ નવી આઈફોન સિરીઝ લોન્ચ કરી છે. તેમાં આઈફોન 12 મિની સહિત અન્ય મોડલ સામેલ છે. જો તમે આઈફોન 12 ખરીદવાનો પ્લાન કરી રહ્યા છો તો અહિ આપેલી કમ્પેરિઝનથી ચેક કરો, આઈફોન 11થી નવો આઈફોન 12 કેટલો અલગ છે...
પહેલા કરતાં ડિસ્પ્લે જોરદાર છે
બંને ફોનમાં 6.1 ઇંચની ડિસ્પ્લે છે. આઈફોન 11માં લિક્વિડ-રેટિના HD ડિસ્પ્લે અને રાઉન્ડ એજ નથી, તો આઈફોન 12માં સુપર રેટિના XDR ડિસ્પ્લે અને ફ્લેટ એજ મળશે. કંપનીનો દાવો છે કે, આઈફોન 11ની સરખામણીએ તે 11% પાતળી, 15% નાની (વોલ્યુમમાં) અને 16% હળવી છે.
આઈફોન 11ની સરખામણીમાં આ ફોનમાં ડબલ પિક્સલ વધારે મળે છે. તેમાં 2532x1170 પિક્સલ રેઝોલ્યુશન મળે છે અને 460ppiની પિક્સલ ડેન્સિટી છે. જેને લીધે માત્ર ટેક્સ્ટ જ શાર્પ નથી દેખાતા પણ ફોટો પણ સારો દેખાય છે.
કંપનીનું કહેવું છે કે, નવા મોડલમાં ઇન્ડસ્ટ્રીની સૌથી મજબૂત ડિસ્પ્લે છે. તેમાં સિરામિક શીલ્ડ પ્રોટેક્શન આપ્યું છે. તે કોઈ પણ અન્ય સ્માર્ટફોનની સરખામણીએ મજબૂત છે.
તેમાં ચાર ગણું વધારે ડ્રોપ પર્ફોમન્સ મળે છે, એટલે કે આઈફોન જો અચાનક પડી જાય તો સિરામિક શીલ્ડ ચાર ગણી વધારે ક્ષમતા સાથે સ્ક્રીનને ક્રેક થતા બચાવશે. આઈફોન 11માં ફ્રન્ટ અને બેક પેનલ પર ગ્લાસ મળે છે.
5G કેપેબિલિટીથી સજ્જ છે
આઇફોન 12 સિરીઝ 5G કેપેબિલિટીથી સજ્જ કંપનીનો પહેલો આઇફોન છે જે જૂનાં મોડલ કરતાં ફાસ્ટ છે. કંપનીએ લગભગ 100 કેરિયર્સ અને 20 રિજનમાં તેનું ટેસ્ટિંગ કર્યું. આઇફોન 12માં સ્માર્ટ ડેટા મોડ આપવામાં આવે છે. કંપનીનો દાવો છે કે, આઇડલ કન્ડિશનમાં તેમાં 40Gbpsની પીક ડાઉનલોડ સ્પીડ મળે છે. આઇફોન 11 ફક્ત 4G કનેક્ટિવિટીને સપોર્ટ કરે છે.
કંપનીનું કહેવું છે કે, આઇફોન 12માં A14 બાયોનિક ચીપ છે. કંપનીનો દાવો છે કે કોઈપણ સ્માર્ટફોન ચીપસેટની તુલનામાં તે સૌથી ફાસ્ટ છે. આ 5mm પ્રોસેસ ટેક્નોલોજી પર બનેલી વિશ્વની પહેલી સ્માર્ટફોન ચીપ છે.
તેમાં 11.8 અબજ ટ્રાન્ઝિસ્ટર્સ લગાવવામાં આવ્યાં છે, જે A13 કરતાં 40% વધારે છે. તેનાથી ચીપનું પર્ફોર્મન્સ અને એફિશિયન્સી અનેકગણી વધી ગઈ છે. કંપનીનો દાવો છે કે, આઇફોન 12 અન્ય સ્માર્ટફોન ચીપ્સની તુલનામાં 50% ઝડપી CPU અને 50% ઝડપી GPUથી સજ્જ છે.
ડિટેઈલ અને ક્લિયર ફોટો કેપ્ચર કરશે
આઈફોન 11ની જેમ જ આઈફોન 12માં પણ 12MP (મેગાપિક્સલ)ના બે રિઅર કેમેરા મળે છે. પરંતુ આઈફોન 12ને લઈને કંપનીનું કહેવું છે કે, તેમાં નવી ડ્યુઅલ કેમેરા સિસ્ટમ મળે છે.
તેમાં 12MPનો અલ્ટ્રા-વાઈડ કેમેરા જે f/2.4 અપર્ચર લેન્સની સાથે આવે છે, તે ઉપરાંત તેમાં 12MPનો વાઈડ કેમેરા છે જે f/1.6 અપર્ચરની સાથે આવે છે. વાઈડ-એંગલ કેમેરા 27 ટકાથી વધુ લાઈટ્સ આપે છે, એટલે કે, દિવસે ફોટો લેવો હોય અથવા રાતમાં, તમને ડિટેઈલ ફોટો મળશે.
કેમેરા મશીન લર્નિગ દ્વારા પહેલા કરતા વધુ સારી રીતે કામ કરે છે. બંને કેમેરામાં નાઈટ મોડ સપોર્ટ ઉપલબ્ધ છે.
કંપનીનો દાવો છે કે, આ પહેલો ફોન છે જેનો કેમેરા HDR ડોલ્બી વિઝન વીડિયો રેકોર્ડ કરે છે.
6 મીટર ઊંડા પાણીમાં પણ કામ કરશે
કંપનીએ ઈવેન્ટમાં જણાવ્યું કે, નવો આઈફોન 12, 6 મીટર ઊંડા પાણીમાં 30 મિનિટ સુધી વોટર રઝિસ્ટન્ટ છે જ્યારે આઈફોન 11 માત્ર 6 મીટર ઊંડા પાણીમાં 30 મિનિટ સુધી વોટર રઝિસ્ટન્ટ છે. બંને ફોનમાં ફેસ ID સપોર્ટ અને 17 કલાક સુધીના વીડિયો પ્લેબેક ટાઈમ મળશે.