ધોરણ ૧ થી ૮ ના સાહિત્ય અંગેના સરકારના પરિપત્ર પર કોંગ્રસ પ્રવક્તા મનીષ દોશીએ શું કહ્યું, જાણો...
સમગ્ર રાજ્યમાં કોરોના વાયરસે કહેર મચાવ્યો છે ત્યારે શિક્ષણ, વેપાર તેમજ ધંધા પર તેની વ્યાપક અસર જોવા મળી રહી છે. ત્યારે શિક્ષણ વિભાગે કરેલા પરિપત્રને લઈને કોંગ્રસ પ્રવક્તા મનીષ દોશીએ મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. ધોરણ ૧ થી ૮ નું સાહિત્ય જિલ્લા કક્ષાએ છપાવી વિદ્યાર્થીઓ સુધી પહોંચાડવાના પરિપત્રને લઈને કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ સરકાર પર આકરા પ્રહારો કર્યા છે, તેમજ સરકાર પર આફતના સમયે કોન્ટ્રાક્ટ આપવાની સરકારની નીતિ સામે સવાલો ઉભા કર્યા છે.
મનીષ દોશીએ જણાવ્યું હતું કે, આવી મહામારીની આફતના સમયે સરકારે કોન્ટ્રાક્ટ આપવાની સરકારની નીતિ રહેલી છે તેમજ કોરોના જેવી મહામારીમાં શિક્ષણએ સૌથી વધારે ભોગ બન્યું છે. આવા સમયે સરકાર માટે શાળાના પુસ્તકો કમાણી માટેનું એક સાધન બની ગયું છે. તેમજ વધુમાં તેમને જણાવ્યું હતું કે, સરકારે કોરોના મહામારીના સમયમાં જાહેરાત કરી કે જિલ્લા કક્ષાએ છપાવી વિદ્યાર્થીઓ સુધી પહોંચાડવા મે મહિનામાં પરિપત્ર કર્યો.
વધુમાં મનીષ દોશીએ જણાવ્યું કે, સરકાર દ્વારા કોરોના મહામારીમાં પરિપત્ર થયો ત્યારે સંપૂર્ણ લોકડાઉન હતું, તો આવા સમયે કયું પ્રિન્ટીંગ પ્રેસ ચાલુ હતું તે પણ એક મોટો સવાલ છે. તેમજ ગ્રામ્ય વિસ્તારો માટે આવા પ્રકારના પરિપત્રો ખુબજ મુશ્કેલીજનક છે માટે સરકાર દ્વારા ગ્રામ્ય વિસ્તારમાં શિક્ષણ આપવાની વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગણી પણ કરવામાં આવી છે.