હાથરસની અને ગુજરાતના અત્યાચારોની ઘટનાઓ મુદ્દે "પ્રતિકાર યાત્રા" થકી રાજ્ય સરકાર સામે મોરચો માંડશે કોંગ્રેસના આ ધારાસભ્ય...
સમગ્ર દેશમાં ઉત્તરપ્રદેશના હાથરસમાં તેમજ બલરામપુરમાં બનેલી ઘટનાના ઘેરા પડઘા પડ્યા છે ત્યારે આ સમગ્ર ઘટના મુદ્દે ગુજરાતમાં પણ "પ્રતિકાર યાત્રા"નું આયોજન કરવામાં આવશે. "પ્રતિકાર યાત્રા"ને લઈને અમદાવાદ ખાતે તમામ સંગઠનોની એક બેઠક મળી હતી. આ બેઠક સંદર્ભે અમદાવાદ કોચરબ આશ્રમ થી સાબરમતી આશ્રમ સુધી "પ્રતિકાર યાત્રા" નું આયોજન કરવામાં આવ્યું છે.
ઉત્તરપ્રદેશના હાથરસમાં બનેલી ઘટના દેશમાટે હવે ક્યાંકને ક્યાંક રાજકીય મુદ્દો બની ગયો હોય તેમ લાગી રહ્યું છે, એકતરફ સમગ્ર દેશ અને રાજ્યમાં કોરોના વાયરસે કહેર મચાવ્યો છે, ત્યારે બીજી તરફ માનવતાને શર્મશાર કરી તેવી ઘટનાઓ ઘટી રહી છે, ઉત્તરપ્રદેશના હાથરસમાં બનેલી ઘટનાના ઘેરા પ્રત્યાઘાત હવે ગુજરાતમાં પડશે. દસાડા વિધાનસભા બેઠકના ધારાસભ્ય અને કોંગ્રેસના નેતા નૌશાદ સોલંકી દ્વારા ગુજરાતમાં છાસવારે થતી અત્યાચારોની ઘટના પરત્વે રાજ્ય સરકારને એક મજબૂત અને મક્કમ સંદેશ મળે કે ગુજરાતની જનતા દેશની દીકરીઓની દુર્દશા સહન કરશે નહી. અને પોલીસ દમન સામે સજ્જડ પ્રતિકાર કરશે. આ માટે આગામી ૭ ઓક્ટોબર નાં રોજ બપોરે ૩.૦૦ કલાકે અમદાવાદ કોચરબ આશ્રમ થી સાબરમતી આશ્રમ સુધી "પ્રતિકાર યાત્રા"નું આયોજન કરવામાં આવી રહ્યું છે.
- હાથરસની અને ગુજરાતના અત્યાચારોની ઘટનાઓના પ્રતિકાર માટે "પ્રતિકાર યાત્રા"
ઉલ્લેખનીય છે કે દેશના ગરીબો અને એમાય ખાસ કરીને દલિત આદિવાસી પ્રત્યેના અત્યાચારોની ઘટનાઓ એ પ્રકારે વધી છે કે એક અત્યાચારની ઘટનાના આક્રોશની આગ બુજાઈ ન હોય ત્યાં એથી પણ વિકરાળ અને દિલ હચમચાવી નાખે તેવી ઘટના સામે આવે છે, ત્યારે આવી ઘટનાઓના પ્રતિકાર માટે "પ્રતિકાર યાત્રા"નું આયોજન કરવામાં આવી રહ્યું છે.
નોંધનીય છે કે દસાડા વિધાનસભા બેઠકના ધારાસભ્ય નૌશાદ સોલંકી દ્વારા અવાર નવાર દલિતોના ન્યાય તેમજ યોગ્ય હક અપાવવા માટે રજૂઆત કરવામાં આવતી હોય છે ત્યારે નૌશાદ સોલંકી દ્વારા આ પ્રતિકાર યાત્રામાં જોડાવવા માટે ભાજપના ધારાસભ્યો લાખાભાઇ સાગઠીયા, કરશનભાઈ સોલંકી, હિતુ કનોડિયા, પ્રદીપભાઈ પરમાર, માલતીબેન મહેશ્વરી તેમજ મનીષાબેન વકીલને પણ પત્ર લખી આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.