બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World ANI BBC Others

લાઇસન્સ આપવાની સત્તા પર વિવાદ ગૃહ વિભાગના પરિપત્ર સામે પોલીસનો વિરોધ

ગુજરાતમાં દિવાળીના તહેવારો નજીક આવતા જ ફટાકડાના વેચાણ માટેના લાઇસન્સ આપવાની સત્તા કોની પાસે રહેશે તે મામલે પોલીસ અને ફાયર વિભાગ વચ્ચે એક મોટો વિવાદ ઊભો થયો છે. રાજ્યના ગૃહ વિભાગે એક પરિપત્ર જાહેર કરીને લાઇસન્સ આપવાની જવાબદારી પોલીસ કમિશનરો અથવા જિલ્લા મેજિસ્ટ્રેટોને સોંપી છે, પરંતુ આ નિર્ણય સામે અમદાવાદ શહેરમાંથી જોઇન્ટ કમિશનર ઓફ પોલીસ (JCP) દ્વારા રાજ્યના ડિરેક્ટર જનરલ ઓફ પોલીસ (DGP) ને એક સત્તાવાર પત્ર લખીને ગંભીર ચિંતાઓ વ્યક્ત કરવામાં આવી છે.


આ પત્રમાં સ્પષ્ટપણે જણાવાયું છે કે પોલીસ પાસે ટેક્નિકલ જ્ઞાનનો અભાવ છે અને ફટાકડાના વેચાણ માટે જરૂરી સુરક્ષા માપદંડો અને ફાયર સેફ્ટીની ચકાસણી કરવી એ પોલીસ કર્મચારીઓ માટે પડકારજનક કાર્ય છે. ફટાકડાની દુકાનો કે સ્ટોલમાં પૂરતી સુરક્ષા વ્યવસ્થા છે કે નહીં, જ્વલનશીલ સામગ્રીના સંગ્રહ માટેના નિયમોનું પાલન થયું છે કે નહીં, તે નક્કી કરવા માટે ફાયર વિભાગના ટેક્નિકલ ઓફિસર વધુ સક્ષમ છે. તેથી, JCPએ એવી માંગણી કરી છે કે ફટાકડાના પરવાના ઇશ્યુ કરવાની સત્તા ફાયર ઓફિસરને સોંપવામાં આવે.


ગૃહ વિભાગના નવા કડક પરિપત્ર મુજબ, હવે ફટાકડાના પરવાના (લાઇસન્સ) ઇશ્યુ કરવા કે રિન્યુઅલ કરવા માટે ફાયર સેફ્ટી એનઓસી (NOC) ફરજિયાત બનાવવામાં આવ્યું છે. અગાઉ, ૫૦૦ ચોરસ મીટરથી નાની દુકાનોને આ નિયમમાંથી કેટલીક છૂટછાટ હતી, પરંતુ હવે ગૃહ વિભાગે નાની દુકાનો માટે પણ કડક સુરક્ષા માપદંડો લાગુ કર્યા છે. આ નવા કડક નિયમોના અમલ માટે ટેક્નિકલ કુશળતા જરૂરી છે, જે પોલીસ પાસે નથી. પોલીસ અધિકારીઓનું માનવું છે કે, જો તેઓ લાઇસન્સ આપશે અને ભવિષ્યમાં કોઈ મોટી અકસ્માત કે આગની ઘટના બનશે તો તેની સંપૂર્ણ જવાબદારી પોલીસ પર આવશે, જે અયોગ્ય છે.


નોંધનીય છે કે ભૂતકાળમાં પણ ફાયર અને પોલીસ તંત્ર વચ્ચે ફટાકડાની મંજૂરીઓ બાબતે સંકલનનો અભાવ જોવા મળ્યો હતો. અમદાવાદમાં એક સમયે ફાયર બ્રિગેડે ૩૦૦ દુકાનદારોને મંજૂરી આપી હતી, જ્યારે પોલીસ કમિશનર કચેરીએ માત્ર ૨૦ જણાને પરમીશન આપી હતી, જેના કારણે ગેરકાયદેસર સ્ટોલની સંખ્યામાં મોટો વધારો થયો હતો. હવે આ નવા વિવાદે ફરી એકવાર સત્તાના સંઘર્ષને સપાટી પર લાવી દીધો છે, અને રાજ્યના ડીજીપી કચેરી હવે આ મામલે શું નિર્ણય લે છે તેના પર સૌની નજર છે, જેથી દિવાળી પહેલાં ફટાકડાના વેપારીઓને યોગ્ય માર્ગદર્શન મળી શકે અને લોકોની સલામતી સુનિશ્ચિત થઈ શકે.