અમદાવાદમાં આજે મધ્યરાત્રિથી 14 એપ્રિલ સુધી તમામ ખાનગી વાહનો પર પ્રતિબંધ...
સમગ્ર રાજ્યમાં કોરોનાનો કહેર દિવસેને દિવસે વધતો જોવા મળી રહ્યો છે, તેને ધ્યાનમાં લઈને તંત્ર કોઈ કસર છોડવા તૈયાર નથી. દિવસે ને દિવસે કોરોના સામે લડવા માટે સરકાર દ્વારા આકરા પગલાં ભરવામાં આવી રહ્યા છે.
સરકાર કોરોના સામે લડવા માટે સતર્ક થઈ રહી છે ત્યારે ઘરની બહાર વાહન લઈને ખાલી ખાલી લટાર મારવા નીકળતા લોકો માટે આજે અમદાવાદ શહેર પોલીસ કમિશ્નર દ્વારા આજે મધરાતથી તમામ ખાનગી વાહનો પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. આ પ્રતિબંધ 14 એપ્રિલ સુધી લાગુ રહેશે. તેમજ તેમને જણાવ્યું હતું કે, મીડિયા અને ઇમરજન્સી વાહનોને છૂટ આપવામાં આવશે.
આ ઉપરાંત તેમને જણાવ્યું હતું કે, આ સમયગાળા દરમ્યાન જો કોઈ ખાનગી વાહન લઈને બહાર નીકળશે તો તેમનું વાહન જપ્ત કરવામાં આવશે. લોકડાઉન દરમ્યાન ઘણા લોકો વાહન લઈને બહાર લટાર મારવા નીકળતા હોય છે જેને લઈને અમદાવાદ શહેર પોલીસ કમિશ્નર દ્વારા આ મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે.