બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World ANI BBC Others

અમદાવાદમાં કોરોનાની સારવારના બહાને હોસ્પિટલની ઉઘાડી લૂંટ, 2 ના બદલે 5 લાખનું બિલ પકડાવી દીધું...

સમગ્ર રાજ્યમાં કોરોના વાયરસનો કહેર વર્તાઈ રહ્યો છે જેમાં અમદાવાદમાં સૌથી વધારે કેસ જોવા મળી રહ્યા છે ત્યારે બીજી તરફ અમદાવાદમાં કોરોના વાયરસની સારવારમાં ખાનગી હોસ્પિટલોએ ઉઘાડી લૂંટ શરૂ કરી છે. ખાનગી હોસ્પિટલો હાઇકોર્ટ, સરકાર, તથા Amcના આદેશની અવગણના કરી રહી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર અમદાવાદના આનંદનગર રોડ પર આવેલી તપન હોસ્પિટલે દર્દીઓ પાસેથી ઉઘાડી લૂંટ કરી છે તેવો પરિવારજનોનો આરોપ છે. 2 લાખ કહીને 5 લાખનું બિલ આપવામાં આવ્યું છે. તેમજ 9 દિવસની સારવાર બાદ દર્દીનું મોત થયું, ત્યારે હોસ્પિટલ દ્વારા મૃતદેહ પણ આપવાનો ઇન્કાર કરાયો હતો. પહેલા રૂપિયા બાદમાં મૃતદેહ તેવું કહીને હોસ્પિટલે મૃતદેહ સોંપ્યો નહિ. પરિવારજનોએ મૃતદેહ મેળવવા હોસ્પિટલ સત્તાધીશો સામે આજીજી કરી હતી. Amc દ્વારા જાહેર કરાયેલ કોવિડ-19ની સારવાર માટેની 42 હોસ્પિટલમાં તપન હોસ્પિટલનો સમાવેશ કરાયો છે. ત્યારે તપન હોસ્પિટલે સરકાર દ્વારા જાહેર કરાયેલા ચાર્જ કરતા બે ગણો ચાર્જ વસૂલ્યો છે. અમદાવાદના આનંદનગર રોડ પર આવેલી તપન હોસ્પિટલની મનમાની સામે આવી છે.

ગોમતીપુર વિસ્તારના એક દર્દીનું કોરોનાની સારવાર દરમિયાન મોત થયું હતું. હોસ્પિટલ દ્વારા પરિવાજનોને માતબર રકમનું બિલ આપી દેવાયું હતં. પરિવારજનો બિલ ભરે તો જ મૃતદેહ આપવાનું હોસ્પિટલે જણાવ્યું હતું. હોસ્પિટલે શરૂઆતમાં આશરે 2 લાખનું બિલ બનશે તેવી ખાતરી આપી હતી. પરંતુ દર્દીના મૃત્યુ બાદ 4.75 લાખ રૂપિયાનું બિલ પરિવારજનોને આપવામાં આવ્યું છે. 14 તારીખે ગોમતીપુરના દર્દીને તપન હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. ત્યારે રોજના 21,000 રૂપિયા વેન્ટિલેટર સાથેનો ચાર્જ હોસ્પિટલમાં થશે તેવું તેના પરિવારજનોને કહેવામાં આવ્યું હતું. પરંતુ હોસ્પિટલ દ્વારા 4.75 લાખનું બિલ સવારે આપવામાં આવ્યું છે.

હાલ પરિવારજનોને મૃતદેહ સોંપવામાં આવ્યો નથી. પરિવારજનોએ મૃતદેહ મેળવવા પોલીસ બોલાવી હતી. આમ, પોતાની મનમાની કરતી હોસ્પિટલોની પોલ ખૂલી છે. એકબાજુ સમગ્ર રાજ્યમાં અનેક સંસ્થાઓ દ્વારા સેવાભાવી પ્રવૃતિઓ કરવામાં આવી રહી છે ત્યારે બીજી તરફ આવી ખાનગી હોસ્પિટલો દ્વારા દર્દીઓને ઉઘાડી લૂંટ કરવામાં આવી રહી છે સાથે સાથે સરકારના નિયમોની અવગણના પણ થઈ રહી છે. આવી ખાનગી હોસ્પિટલો સામે હવે સરકાર દ્વારા કયા પ્રકારના પગલાં ભરવામાં આવે છે તે જોઉં રહ્યું..