રાજ્યમાં કોરોનાના કહેર વચ્ચે પ્રથમ વખત અમદાવાદથી આવ્યા સારા સમાચાર, કોરોનાના સાજા થયેલા દર્દીને આપવામાં આવી રજા...
સમગ્ર રાજ્યમાં દિવસેને દિવસે કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે ત્યારે આજે અમદાવાદથી મહત્વપૂર્ણ સમાચાર આવેલા છે જેમાં કોરોનાથી સંક્રમિત 2 દર્દીઓને આજે SVP હોસ્પીટલમાંથી રજા આપવામાં આવી છે. હોસ્પિટલ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે બંને દર્દીઓ સંપૂર્ણપણે રીકવર થઇ ગયા છે અને તેમને આજે હોસ્પીટલમાંથી ડીસચાર્જ કરવામાં આવ્યા છે.
ઉલ્લેખનીય છે કે સમગ્ર રાજ્યમાં દિવસેને દિવસે કોરોના વાયરસથી સંક્રમિત લોકોની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે ત્યારે ખાસ કરીને અમદાવાદમાં કોરોના વાયરસના સૌથી વધારે પોઝીટીવ દર્દીઓ જોવા મળ્યા છે, તેવી પરિસ્થિતિમાં અમદાવાદની સરદાર વલ્લભભાઈ પટેલ હોસ્પીટલમાંથી આજે 2 દર્દીઓને રજા આપવામાં આવી છે. જેમાં 62 વર્ષીય વૃદ્ધા તેમજ 75 વર્ષીય વૃદ્ધને રજા આપવામાં આવી છે.
અત્યારે હાલમાં સમગ્ર રાજ્યમાં કોરોનાના કુલ 69 કેસ પોઝીટીવ છે, તેમજ 6 લોકોના મૃત્યુ થયા છે. તેમજ 2 લોકો સાજા થતા તેમને ડીસચાર્જ કરવામાં આવ્યા છે. ગુજરાતમાં કોરોનાના સૌથી વધારે અમદાવાદમાં 23 કેસ નોંધવામાં આવ્યા છે. લોકલ ટ્રાન્સમીશનમાં વધારો થતો જોવા મળી રહ્યો છે. જયારે દેશભરમાં કોરોનાના પોઝીટીવ કેસ 1171, તેમજ 29 લોકોના મોત થયા છે.