હનુમાન જયંતીના દિવસે બ્રાઝિલના રાષ્ટ્રપતિનો PM મોદીને પત્ર, "હનુમાનની જેમ સંજીવની આપવા માટે ભારતનો આભાર"
સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસનો કહેર યથાવત છે ત્યારે અમેરિકા સહિતના દેશોએ ભારત પાસે હાઇડ્રોક્લોરોક્વીન દવાની માંગણી કરવામાં આવી હતી અને આ દવાની નિકાસ પર રાખવામાં આવેલા પ્રતિબંધને હટાવવાની માંગ કરી હતી.
ભારત સરકારે મંગળવારના રોજ કોરોના વાયરસ માટે જડીબુટ્ટી સાબિત થનારી દવાનો જથ્થો અમેરિકા સહિતના દેશોને પૂરો પાડવા માટે દવાઓના નિકાસ પરનો પ્રતિબંધ આંશિક રીતે હટાવી દીધો છે. જેના લીધે આંતરરાષ્ટ્રીય સ્તર પર ભારતની પ્રશંશા થઇ રહી છે,અમેરિકન રાષ્ટ્રપ્રમુખ બાદ હવે બ્રાઝિલના રાષ્ટ્રપ્રમુખ ઝાયર બોલસોનારોએ કોરોના સંક્રમિત લોકોની સારવાર માટે મદદરૂપ થઇ રહેલી હાઇડ્રોક્લોરોક્વીન દવા આપવા માટે ભારતનો આભાર માન્યો છે.
બ્રાઝીલના રાષ્ટ્રપતિએ ભારતની આ મદદની સરખામણી હનુમાન જયંતીના દિવસે રામાયણના હનુમાન દ્વારા લાવવામાં આવેલા જડીબુટ્ટી સાથે કરી છે. બ્રાઝિલના રાષ્ટ્રપ્રમુખે નરેન્દ્ર મોદીને પત્ર લખીને આભાર માન્યો છે, તેમજ બ્રાઝીલના રાષ્ટ્રપ્રમુખે લખ્યું છે કે, "કોરોના વાયરસની મહામારી વચ્ચે જેવી રીતે ભારતે બ્રાઝિલની મદદ કરી છે, તે બિલકુલ એવી મદદ છે જેમ રામાયણમાં હનુમાને રામના ભાઈ લક્ષ્મણનો જીવ બચાવવા માટે સંજીવની લાવીને કરી હતી."
આ ઉપરાંત બ્રાઝિલના રાષ્ટ્રપ્રમુખે ભારત-બ્રાઝિલની દોસ્તી અને ભારતની મદદનો ઉલ્લેખ પોતાના પત્રમાં કર્યો છે. આ ઉપરાંત અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પણ હાઇડ્રોક્લોરોક્વીન દવા આપવા માટે ભારતના વખાણ કર્યા હતા.