કોંગ્રેસના દિગ્ગજ નેતાને કોરોના પોઝિટિવ, વડોદરાની ખાનગી હોસ્પિટલમાં લઈ રહ્યા છે સારવાર...
અમદાવાદમાં નેતાઓ પણ હવે એક પછી એક કોરોનાના ભરડામાં આવવા લાગ્યા છે. ગુજરાતમાં કોરોના વાયરસ દિવસેને દિવસે પોતાનો પ્રભાવ તીવ્ર કરતો જાય છે. હવે સામાન્ય માણસોમાંથી અધિકારીઓ, કોરોના વોરિયર્સ અને હવે રાજકીય નેતાઓમાં કોરોના વાયરસનો ચેપ ફેલાયો છે.
ત્યારે કોંગ્રેસના વધુ એક નેતાનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. કોંગ્રેસ નેતા ભરતસિંહ સોલંકીનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવતા હડકંપ મચી જવા પામી છે. હાલ તેમને વડોદરાની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તો રાજ્યસભાની ચૂંટણી દરમિયાન સાથે રહેલાં શક્તિસિંહ ગોહિલ પણ હોમ ક્વોરન્ટાઈન થઈ ગયા છે. અને તેઓએ બિહાર પ્રવાસ પણ રદ કરી દીધો છે.
ઉલ્લેખનીય છે કે ભરતસિંહ રાજ્યસભાની ચૂંટણી સમયે અનેક મોટા નેતાઓના સંપર્કમાં આવ્યા છે ત્યારે ભરાતસિંહનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા કોંગ્રેસના તમામ મોટા કદના નેતાઓને ચિંતામાં મૂકી દીધા છે. રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ ભરતસિંહ સાથે ટેલિફોનિક વાતચીત કરી ખબર અંતર પણ પૂછ્યા છે.