કોરોનાના કપરા સમયમાં બધા જ ડોક્ટર્સે ખરા અર્થમાં દેવદૂત સમાન કાર્ય કર્યું છે, મુખ્યમંત્રીએ નેશનલ ડોક્ટર્સ દિન નિમિત્તે ડોક્ટર્સને શુભેચ્છાઓ આપી...
કોરોનાના કપરા સમયમાં બધા જ ડોક્ટર્સે ખરા અર્થમાં દેવદૂત સમાન કાર્ય કર્યું છે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ તમામ ડૉક્ટર્સ ની કામગીરીને બિરદાવી છે.તો મુખ્યમંત્રી વિજય રૂપાણીએ નેશનલ ડોક્ટર્સ ડે અવસરે પ્રર્વતમાન કોરોના સંક્રમણની સ્થિતિમાં કોરોના વોરિયર્સમાં સૌથી વધુ અગત્યની ભૂમિકા ભજવી રહેલા ડોક્ટર્સની સેવાઓ બિરદાવીને સોશિયલ મીડિયાના માધ્યમથી ડોક્ટર્સનો આભાર માનીને શુભેચ્છાઓ પાઠવી હતી.
રૂપાણીએ જણાવ્યું કે, કોરોનાના કપરા સમયમાં બધા જ ડોક્ટર્સે ખરા અર્થમાં દેવદૂત સમાન કાર્ય કર્યું છે અને લોકોની રક્ષા કરીને તેમને જીવન દાન આપ્યું છે. વધુમાં તેમણે ઉમેર્યું કે, આપણે ડોક્ટર્સને DR કરીને સંબોધતા હોઈએ છીએ અને વર્ષ ૨૦૨૦માં ખરા અર્થમાં તેઓ આપણા સૌથી DEAR એટલે કે સ્વજન સાબિત થયા છે. આ તમામ ડોક્ટર્સે લોકોની વેદનાને સમજીને સંવેદનાથી ભરપૂર વ્યહાર રાખ્યો છે.
લોકોની સેવામાં ડોક્ટર્સને ઘણી અગવડો પડી હશે પણ તેઓ પોતાની જવાબદારી ચૂક્યાં નહીં અને લાખો લોકોની જિંદગી બચાવવા માટે તેમણે દિવસ રાત એક કર્યા છે તેનો ઋણ સ્વીકાર કરવાનો આ દિવસ છે એમ મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું હતું.
PPE કિટ પહેરીને આઠ કલાકની ડ્યૂટી કરવી સહેલી નથી, પણ આજે ડોક્ટર્સ આઠ કલાકની જગ્યાએ બાર અને સોળ કલાક સુધી માનવ સેવા કરીને ખરા અર્થમાં પ્રભુ સેવા જ કરી રહ્યા છે તે અભિનંદનીય છે. તમામ ડોક્ટર્સનો આભાર વ્યક્ત કરતા મુખ્યમંત્રીએ જણાવ્યું કે, કોરોનાના સંક્રમણની સ્થિતિમાં જો ડોક્ટર્સનો સાથ-સહકાર અને સથવારો ન હોત તો આ કોરોના સામેની લડાઇમાં ગુજરાત આટલું સારું કાર્ય ન કરી શક્યું હોત તે નિર્વિવાદ છે.