રાજ્યના વાલીઓ માટે ખુબજ મહત્વના સમાચાર, રાજ્યની શાળાઓ આવતા શૈક્ષણિક વર્ષમાં ફી વધારો કરી શકશે નહિ.
કોરોના વાયરસની પરિસ્થિતિને ધ્યાનમાં લઈને રાજ્યના વિદ્યાર્થીઓ અને બાળકોના શિક્ષણના હિતમાં શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ શાળાના સંચાલકો સાથે એક બેઠક યોજી હતી, જેમાં ખુબજ મહત્વના નિર્ણયો કરવામાં આવ્યા છે.
કોરોના વાયરસની પરિસ્થિતિને ધ્યાનમાં લઈને આવતા શૈક્ષણિક વર્ષમાં કોઈ શાળા ફી વધારો કરી શકશે નહિ. આ ઉપરાંત લોકડાઉન પૂરું થયા બાદ કોઈ શાળા ફી માટે ઉતાવળ કરી શકશે નહિ. વાલીઓની આર્થિક સ્થિતિ અને અનુકુળતાએ જરૂર જણાયે 6 મહિના સુધી ફી ભરવાની મર્યાદા વધારી આપવામાં આવશે. આ ઉપરાંત વાલીઓ ત્રિમાસિક ને બદલે માસિક ફી ભરવાની સંમતી અપાશે.
આ ઉપરાંત સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી હતી કે, ધોરણ 10 અને 12 ની બોર્ડની પરિક્ષાના પેપરોની કેન્દ્રીય મૂલ્યાંકન કામગીરી 16 એપ્રિલ થી શરુ કરી દેવામાં આવશે. આ કામગીરીમાં જોડાવનાર શિક્ષકોની સુરક્ષા અને સલામતીની વ્યવસ્થા રાજ્ય સરકાર કરશે.
રાજ્યની કોલેજ અને યુનીવર્સીટીમાં 15 એપ્રિલથી 16 મે સુધી વેકેશન જાહેર કરવામાં આવ્યું છે. તેમજ 18 મે થી પરીક્ષા બાબતે UGC ની ગાઈડલાઈન મુજબ નિર્ણય લેવામાં આવશે. આગામી વર્ષના શૈક્ષણિક સત્રના વર્ષ માટે પણ UGC ના પરામર્શમાં રહીને નિર્ણય કરવામાં આવશે.