બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World ANI BBC Others

અમદાવાદમાં શાસક અને વહીવટી પાંખની સાંઠમારી, મુખ્યપ્રધાને ભાજપના પદાધિકારીઓને તતડાવ્યા...

સમગ્ર રાજ્યમાં કોરોના વાયરસનો કહેર દિવસે ને દિવસે વધી રહ્યો છે ત્યારે ખાસ કરીને તેના સૌથી વધારે કેસ અમદાવાદમાં જોવા મળી રહ્યા છે. ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં શાસક પક્ષ ભાજપ અને મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ વચ્ચે મતભેદો જોવા મળી રહ્યા છે. મ્યુનિસિપલ કોર્પોરેશનની બંને પાંખો એટલે કે ચૂંટાયેલી પાંખ અને વહીવટી પાંખ વચ્ચે સમન્વયનો અભાવ જોવા મળી રહ્યો છે.

એકબાજુ અમદાવાદ કોરોના મહામારીનો સામનો કરી રહ્યું છે ત્યારે બીજી બાજુ મ્યુનિ. સૂત્રોએ એમ જણાવ્યું કે, બંને પાંખો વચ્ચેની શાબ્દિક અને આક્ષેપબાજીની લડાઈ પરાકાષ્ઠાએ પહોંચતાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મામલો હાથમાં લીધો હતો અને મેયર સાથે કેટલાક હોદ્દેદારોને રૂબરૂ બોલાવીને સખત શબ્દોમાં ઠપકો આપ્યો હતોે અને એમ જણાવ્યું હતું કે, સાસુ- વહુની જેમ ઝઘડવાનું બંધ કરો, મ્યુનિસિપાલિટીનો વહીવટ કરવાનો છે, શહેરીજનોની સેવા કરવાની છે તેથી બેઉ પક્ષો ભેગા થવાનું જ છે અને થવું પડશે. કેમ કે, કમિશનર અહીં રહેવાના છે એટલે સાનમાં સમજી જાવ.

ઉલ્લેખનીય છે કે ગત સપ્તાહે મ્યુનિ. ભાજપના મુખ્ય હોદ્દેદારોની એક બેઠક મળી હતી. જેમાં વહીવટી પાંખ ખાસ કરીને મ્યુનિ. કમિશનર વિજય નેહરા, મેયર અને હોદ્દેદારોને કોરોના સામે લેવાયેલાં પગલાંની કોઈ જાણ કરતા નથી. બેઠકને અંતે મેયર બીજલબહેન પટેલ અને અન્ય હોદ્દેદારોએ મીડિયા સમક્ષ મ્યુનિ. કમિશનર સામે એવો સીધો આક્ષેપ કર્યો હતો કે, કમિશનર અમને ગાંઠતા નથી.

આ ઉપરાંત ગયા અઠવાડિયે જ મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અમુલ ભટ્ટ તેમજ મેયર બીજલ પટેલે વહીવટી પાંખ પર આક્ષેપો કર્યા હતા અને પોતે જનતાના પ્રતિનિધિ તરીકે ચૂંટાઈ આવ્યા હોવા છતાં મ્યુનિસિપલ કોર્પોરેશનમાં જે નિર્ણયો લેવામાં આવે તેની અમને જાણ કરવામાં આવતી નથી. ત્યારે બીજી બાજુ હોસ્પિટલમાં સેવા આપતા ડોક્ટરો અને અધિકારીઓ પૈકી કેટલાક કોરોનામાં સપડાયા છે તે અંગે ચૂંટાયેલી પાંખના એકેય હોદ્દેદારોએ નથી ચિંતા વ્યક્ત કરી કે, નથી આશ્વાસનના બે શબ્દો અમને કહ્યા છે. તેેઓ લોકડાઉનનો સખત અમલ કરી પોતાના નિવાસસ્થાનમાં રહે છે અને કમિશનર કે, ડેપ્યુટી કમિશનરો સાથે રાઉન્ડ લેતા નથી.