અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં દિવા પાછળ અંધારું, કોરોના પોઝિટિવ દર્દીઓ સાથે તેમના સગાને રાખવામાં આવે છે..
સમગ્ર રાજ્યમાં કોરોના વાયરસના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં સૌથી વધારે કેસ અમદાવાદમાં નોંધવામાં આવ્યા છે ત્યારે અમદાવાદની સિવિલ હોસ્પિટલની ઘોર બેદરકારી સામે આવી છે. જ્યાં કોરોના પોઝિટિવ દર્દીના સગાને સાથે રાખવામાં આવી રહ્યા છે.અમદાવાદની સિવિલ હોસ્પિટલના આઈસીયુ વોર્ડમાં અત્યારે પણ કોરોના પોઝિટિવ દર્દીઓની સાથે દર્દીના સગા સાથે જ રહે છે, આ ચોંકાવનારી બાબત સામે આવ્યા પછી પણ બીજા દિવસે ગુરુવારે પણ કોઈ ફેર પડયો નથી.
કોટ વિસ્તાર જમાલપુરના ૭૦ વર્ષીય દર્દી ગનીભાઈ શેખ ૧૨૦૦ બેડ હોસ્પિટલના ચોથા માળે બી વિંગના આઈસીયુમાં સારવાર મેળવી રહ્યા છે, તેમના વેપારી પુત્ર મુનાફ શેખે ગુરુવારે સાંજે જણાવ્યું કે, હોસ્પિટલમાં દરકાર માટે પૂરતી નર્સ બહેનો પણ નથી, દર્દીના સગાએ વારંવાર બોલાવવા જવું પડે છે, હકીકતે સ્ટાફ ઓછો હોવાથી આ સ્થિતિ છે, એવં નથી કે નર્સ બહેનો કામ કરતાં નથી, પરંતુ જો અમે દર્દીના સગા દેખભાળ નહીં કરીએ તો દર્દીઓ તાત્કાલિક મોતને ભેટે તેવી સ્થિતિ છે. અમે હાજર નહીં રહીએ તો અમારા સ્વજનને મરતાં સહેજેય વાર નહીં લાગે.
તેમણે કહ્યું કે, અત્યારે મારા પિતા ઓક્સિજન પર છે, હું તેમની સાથે જ છું. અન્ય એક દર્દીના સગાએ કહ્યું કે, અમારા વોર્ડમાં બુધવારે બપોરે એક દર્દીને દવાની બોટલ પૂરી થઈ ગઈ હતી, જોકે દેખભાળ માટે કોઈ આવ્યું જ નહીં, જેના કારણે લોહીથી અડધી બોટલ ભરાઈ ગઈ હતી, હોબાળો થયો એ પછી સ્ટાફ આવ્યો હતો. બીજી તરફ ગુરુવારે બપોરે એક દર્દીએ સારવાર દરમિયાન પાઈપ વગેરે ખેંચી કાઢી હતી, જેને લઈ હોબાળો મચ્યો હતો.