સરકારના AC ચેમ્બરના આયોજનનું જમીન પર ભોપાળુ નીકળ્યું...
સમગ્ર રાજ્યમાં દિવસે ને દિવસે કોરોના વાયરસના કેસોમાં વધારો થઇ રહ્યો છે જેમાં ખાસ કરીને અમદાવાદમાં સૌથી વધારે કેસ નોંધવામાં આવ્યા છે, ત્યારે આપણી ગુજરાત સરકાર હજી પણ બરાબર છે તેવું કહી રહી છે. અમદાવાદમાં કોરોના વાયરસે કહેર મચાવ્યો છે. અમદાવાદમાં કોરોના વાયરસના 1100 થી વધારે કેસ જોવા મળી રહ્યા છે.
સબ સલામતના બણગા ફૂંકતી રાજ્યની સરકારને ગઈ કાલની બે ઘટનાએ ગાલ પર તામાચો માર્યો છે. ગઈકાલે અમદાવાદના રાણીપ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલે પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરીને ફરિયાદ નોંધાવતા સરકારની આબરૂના ધજાગરા અને લીરેલીરા ઉડાવ્યા છે. સરકાર દાવા કરી રહી છે કે પરિસ્થિતિ પર સંપૂર્ણ કાબુ છે,
તેમજ રાજ્ય સરકારે સિવિલમાં નવી 1200 બેડની હોસ્પિટલ ઉભી કરી છે ત્યારે આ પોલીસકર્મીએ ફરિયાદમાં લખાવ્યું હતું કે, તેઓ કોરોના પોઝીટીવ દર્દીઓ છે અને તેમને વોર્ડ નં. સી-5 માં દાખલ કરવામાં આવ્યા છે, તેમને કોઈ બેડ ફાળવવામાં આવ્યો નથી અને ત્યાં કોઈ પંખો પણ નથી. રાજ્યમાં કોરોના સામે લડી રહેલા કોરોના વોરિયર્સને હોસ્પિટલમાં કેવી રીતે રાખવામાં આવે છે તેની આ પોલીસકર્મીએ પોલ ખોલી નાખી છે. આ સમગ્ર ઘટનાને બાદ મદદનીશ પોલીસ કમિશ્નર અમદાવાદ શેર દ્વારા એક બ્રોડકાસ્ટ મેસેજ પણ આપવામાં આવ્યો હતો, જેમાં જણાવવામાં આવ્યું હતું કે, જો કોઈ પોલીસ જવાન કોરોના સંક્રમિત આવે તો તેને સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ નહિ કરાતા SVP હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવે, આ મેસેજ પરથી જાણી શકાય છે કે સરકાર દ્વારા સિવિલ ખાતે ઉભી કરવામાં આવેલી નવી હોસ્પિટલમાં વ્યવસ્થા કેટલી સારી રાખવામાં આવી હશે?
બીજી ઘટનાની વાત કરવામાં આવે તો ગઈ કાલે રાજ્યનું કોરોના હોટસ્પોટ અમદાવાદમાં સિવિલ હોસ્પીટલની બહાર રાત્રીનાં લગભગ 9:30 કલાકે 25 લોકોને કોરોના પોઝિટિવ આવ્યો પરંતુ સિવિલ હોસ્પિટલમાં તેમને એડમીટ નથી કરી રહ્યા.. આવા કપરા સમયે સરકારની આવી ઘોર બેદરકારીનું પરિણામ ખૂબ ભયંકર આવશે તો તેની જવાબદારી કોણ લેશે?
થોડા સમય પહેલા જ સિવિલમાં એક બિલ્ડીંગ બનાવીને રૂમોની સંખ્યા તો વધારી પરંતુ અમલિકારણનાં નામે આજે પણ શૂન્ય જ છે. ચુંટણી સમયે મોટા મોટા વાયદાઓ કરનાર સરકાર આજે મહામારીમાં લોકોને પૂરતી સેવાઓ પણ નથી આપી રહી, જે નગ્ન સત્ય છે.
ત્યારે આ લોકો સાથે સરકારના ધ્યાન બહાર આવડી મોટી ઘટના બને તે ખુબજ નિંદનીય બાબત કહી શકાય. ત્યારે હવે સરકાર દ્વારા આવી ઘટનાઓને અંજામ આપનાર લોકો સામે કડક પગલા ભરવામાં આવે અને ફરીવાર કોઈપણ કોરોના વોરિયર્સ કે સામાન્ય નાગરિકને આવી ઘટનાનો ભોગ ન બને તેની તકેદારી લેવી ખુબજ જરૂરી છે. સરકાર દ્વારા 2 મહિના અગાઉથી પત્રકાર પરિષદો યોજી ગુજરાત સંપૂર્ણપણે કોરોના સામે લડવા તૈયાર છે તેવી વાતોને ગુજરાતની આ બે ઘટનાએ ખોટી સાબીત કરી બતાવી છે. તથા ખરેખર ગુજરાત સરકારે જો 2 મહિના પહેલા જ આવી વ્યવસ્થા ઉભી કરી હોય તો અત્યારે આ પરિસ્થિતિનું નિર્માણ થાય ખરું તે એક મોટો સવાલ છે...
જોકે, આ બંને ઘટનાઓને લઈને સરકાર દ્વારા ત્વરિત પગલા પણ ભરવામાં આવ્યા છે, પોલીસકર્મીઓને એ.સી. રૂમમાં શિફ્ટ કરવામાં આવ્યા છે તથા 25 કોરોના પોઝીટીવની સારવાર પણ સિવિલ ખાતે શરુ કરવામાં આવી છે.