ગુજરાતમાં સત્તા પલટાના એંધાણ વચ્ચે મનસુખ માંડવિયાનું મહત્વપૂર્ણ નિવેદન...
સમગ્ર રાજ્યમાં કોરોના વાયરસના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે ગુજરાતમાં સત્તા પલટાના એંધાણ વર્તાઈ રહ્યા છે. ગુજરાતમાં કોરોના વાયરસના કેસો સતત વધી રહ્યા છે. તંત્ર ક્યાંક ને ક્યાંક નિષ્ફળ પુરવાર થઈ રહ્યું છે. જેની અસર સમગ્ર રાજ્યમાં છેલ્લા 2 દિવસમાં જોવા મળી રહી છે.
છેલ્લા 2 દિવસમાં રાજ્યમાં ધરખમ ફેરફારો જોવા મળી રહ્યા છે. એક તરફ રાજ્યમાં કોરોના વાયરસ કહેર વર્તાઈ રહ્યો છે ત્યારે બીજી તરફ રાજકીય ઘમાસાણ ચરમસીમાએ પહોંચી ચૂક્યું છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ રાજ્યમાં વધી રહેલા કોરોના વાયરસના કેસોને કાબુમાં લેવા માટે વડાપ્રધાન મોદીએ પોતાના અંગત વિશ્વાસુ કે.કૈલાશનાથનને મોરચો સંભાળી લેવાના આદેશ આપ્યા છે.
કે.કૈલાશનાથ એક્શનમાં આવતા સૌપ્રથમ વિજય રૂપાણીના અંગત ગણાતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશ્નર વિજય નેહરાને સાઈડ લાઇન કરવામાં આવ્યા છે. તેમજ મુખ્ય સચિવ અનિલ મુકિમ તેમજ રાજીવ ગુપ્તાની ટીમને કામે લગાવી દીધી છે.
આ દરમ્યાન વડાપ્રધાન મોદીએ માંડવીયા સાથે મિટિંગ કરતા ગુજરાતમાં સત્તા પલટના એંધાણ જોવા મળી રહ્યા છે ત્યારે માંડવીયાએ ટ્વીટ કરી જણાવ્યું છે કે
"આજે માનવતા કોરોના સામે લડાઈ લડી રહી છે અને ગુજરાત પણ માન. મુખ્યમંત્રી વિજય રૂપાણી નેતૃત્વ હેઠળ મક્કમતાપૂર્વક લડાઈ લડી રહ્યું છે, ત્યારે નેતૃત્વ પરિવર્તનની અફવાઓ ફેલવાવી એ ગુજરાતનાં હિતોને નુકશાન કરવાનું કૃત્ય છે. નાગરિકોને વિનંતી કે કોરોનાની સાથે અફવાથી પણ બચે."