ગુજરાતમાં મીડિયા કર્મીઓ કોરોના વાયરસની ઝપેટમાં, 5 પત્રકારોનો કોરોના રીપોર્ટ પોઝિટિવ...
સમગ્ર રાજ્યમાં કોરોના વાયરસના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે રાજ્યમાં કોરોના વાયરસના સૌથી વધારે કેસો અમદાવાદમાં જોવા મળી રહ્યા છે. ત્યારે કોરોનાના કહેરમાં ફ્રન્ટ લાઈન વોરિયર્સ તરીકે કામ કરી રહેલા અમદાવાદના પાંચ પત્રકરોનો પણ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા પત્રકાર આલમમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે.
સમગ્ર વિશ્વમાં કહેર મચાવનાર કોરોના ગુજરાતમાં પણ કહેર મચાવી રહ્યો છે, આ મહામારીના સમયમાં આખું ગુજરાત લોકડાઉન છે ત્યારે ફ્રન્ટલાઈન વોરિયર્સ તરીકે એટલે કે પ્રજાની સેવામાં ખડેપગે ડૉક્ટર, પોલીસ અને હોસ્પિટલ સ્ટાફની સાથે મીડિયા કર્મીઓનો પણ સમાવેશ થાય છે. આ સંજોગોમાં ડોક્ટર અને પોલીસમાં કોરોના પોઝિટિવના કેસો શરૂ થઈ ગયા હતા. તેની સાથે સાથે હવે પત્રકારો પણ કોરોનાની ઝપટમાં આવવા લાગ્યા છે.
ગુજરાતી સમાચારોની મુખ્ય ઓફીસ અમદાવાદમાં આવેલી છે ત્યારે અલગ અલગ ન્યૂઝ ચેનલમાં કામ કરતા 5 પત્રકારોનો પણ કોરોના પોઝિટિવ રિપોર્ટ આવતા પત્રકાર જગતમાં હડકંપ મચી ગયો છે. ઉલ્લેખનીય છે કે, થોડા દિવસ અગાઉ કેટલાક પત્રકારો કોરોના પોઝિટિવ ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાના સંપર્કમાં આવ્યા હતા. આ તમામ પત્રકારોનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો અને ત્યારે તમામના પત્રકારોના રિપોર્ટ નેગેટિવ આવ્યા હતા.
ત્યારે હવે 5 પત્રકારોના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા ચોક્કસથી ચિંતાનું મોજું ફરી વળ્યું છે. આ ઉપરાંત આવા લોકોના સંપર્કમાં આવેલા વ્યક્તિઓનું પણ ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે.