અમદાવાદમાં જુહાપુરા વિસ્તારમાં વેજલપુર પોલીસની ટીમ પર પથ્થરમારો
રાજ્યમાં દિવસેને દિવસે કોરોના વાયરસના કહેરમાં વધારો થતા જોવા મળી રહ્યો છે ત્યારે તંત્ર દ્વારા વારંવાર લોકોને ઘરમાં રહેવાની અપીલ કરવામાં આવી રહી છે, જેને લઈને હોટસ્પોટ ના તમામ વિસ્તારોમાં મોટી સંખ્યામાં પોલીસ કાફ્લો તૈનાત કરી દેવામાં આવ્યો છે. રાજ્યના પોલીસ જવાનો પોતાના ઘરની પણ પરવા કર્યા વગર રાજ્યની સેવામાં સતત ફરજ બજાવી રહ્યા છે ત્યારે આજે અમદાવાદના જુહાપુરાના ગુલાબનગર વિસ્તારમાં પોલીસ પર પથ્થરમારો કરવાની ઘટના સામે આવી છે.
મળતી વિગતો અનુસાર અમદાવાદના જુહાપુરાના ગુલાબનગરમાં પોલીસ પર પથ્થરમારો કરવામાં આવ્યો છે, બે ટોળા વચ્ચે પથ્થરમારો થતા પોલીસ ત્યાં મામલો થાળે પાડવા પહોંચી હતી અને પોલીસની ગાડીઓ પર પણ પથ્થરમારો કરવામાં આવ્યો હતો. પોલીસ પર પથ્થરમારો થતા સમગ્ર મામલો બીચકયો હતો. આ ઉપરાંત પોલીસે લોકોને ઘરમાં જવાની અપીલ કરતા ગુલાબનગરના સ્થાનિકો દ્વારા પોલીસ પર કાંકરીચાળો કરવામાં આવ્યો હતો. જેમાં પોલીસના કેટકાલ જવાનોને ઈજા પણ પહોંચવા પામી છે. ઘટનામાં વેજલપુર પોલીસ પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો, તેમજ વેજલપુર પોલીસનો કાફલો તથા ઉચ્ચ અધિકારીઓ પહોંચી ચુક્યા હતા અને સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આવી છે.
આ સમગ્ર ઘટનાને લઈ પોલીસ દ્વારા તમામ શખ્સોને ઓળખીને તેમની ધરપકડ કરવાની કાર્યવાહી શરુ કરવામાં આવી છે. ઘટનાસ્થળ પર ઉચ્ચ પોલીસ અધિકારીઓ પહોંચી ચુક્યા છે. તેમજ આ ઘટનાને લઈ યોગ્ય કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.