કોરોનાને લઈ ગુજરાત માટે ચિંતાજનક સ્થિતિ, ગઈકાલ સાંજ બાદ વધુ 19 કેસ પોઝીટીવ, રાજ્યમાં કોરોના વાયરસના કુલ 165 પોઝીટીવ કેસ...
સમગ્ર રાજ્યમાં દિવસે ને દિવસે કોરોના વાયરસના દર્દીઓમાં વધારો થતો જોવા મળી રહ્યો છે, ત્યારે ગુજરાતમાં ગઈકાલ સાંજ બાદ વધુ 19 કેસ પોઝીટીવ નોંધવામાં આવ્યા છે.
આરોગ્ય અગ્ર સચિવ જયંતી રવીએ પત્રકાર પરિષદ કરીને જણાવ્યું હતું કે ગઈ કાલ સાંજ બાદ રાજ્યમાં વધુ 19 પોઝીટીવ કેસ નોંધવામાં આવ્યા છે. જેમાંથી અમદાવાદમાં 13 કેસ, પાટણમાં 3 કેસ, ભાવનગરમાં 1 કેસ, આણંદમાં 1 કેસ, અને સાબરકાંઠામાં 1 કેસ નોંધવામાં આવ્યું છે. ગઈ કાલ સાંજ બાદ રાજ્યમાં કોરોના વાયરસથી એકપણ વ્યક્તિનું મૃત્યુ થયું નથી, તેમજ ગઈકાલ સાંજ બાદ 1 વ્યક્તિને ડીસ્ચાર્જ કરવામાં આવ્યો છે, જે રાહતના સમાચાર કહી શકાય.
આરોગ્ય સચિવ જયંતી રવીએ જણાવ્યું હતું કે, અત્યારસુધીમાં (07/04/2020 Till 10:50Pm) કુલ 165 પોઝીટીવ કેસ નોંધવામાં આવ્યા છે, જેમાંથી 126 દર્દીઓ સ્ટેબલ હાલતમાં છે, જયારે 4 દર્દીઓને વેન્ટીલેટર પર રાખવામાં આવ્યા છે. રાજ્યમાં અત્યારસુધીમાં કુલ 23 દર્દીઓને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. જયંતિ રવિના જણાવ્યા પ્રમાણે અત્યારસુધીમાં કોરોના વાયરસના કુલ 3040 ટેસ્ટીંગ કરવામાં આવ્યા છે જેમાંથી 165 વ્યક્તિઓના રીપોર્ટ પોઝીટીવ આવ્યા છે, 2835 રીપોર્ટ નેગેટીવ આવ્યા છે, જયારે 40 વ્યક્તિઓના રીપોર્ટ આવવાનું બાકી છે.
રાજ્યમાં 165 પોઝીટીવ કેસમાંથી સૌથી વધારે કેસ અમદાવાદમાં 77,સુરતમાં 19, રાજકોટમાં 10, વડોદરામાં 12, ગાંધીનગરમાં 13, ભાવનગરમાં 14, કચ્છમાં 2, મહેસાણામાં 2, ગીર સોમનાથમાં 2, પોરબંદરમાં 3,પંચમહાલમાં 1, પાટણમાં 5, છોટાઉદેપુરમાં 1, જામનગરમાં 1, મોરબીમાં 1, આણંદમાં 1, તેમજ સાબરકાંઠામાં 1 કેસ નોંધવામાં આવ્યા છે.