રાજ્યમાં કોરોનાના કેસોમાં થતો ધરખમ વધારો, છેલ્લા 24 કલાકમાં 76 પોઝીટીવ કેસ નોંધાયા...
સમગ્ર રાજ્યમાં કોરોના વાયરસના કેસોમાં સતત વધારો થઇ રહ્યો છે, ગઈ કાલ સાંજ થી લઈને આજે સવાર સુધી વધુ 55 પોઝીટીવ કેસ નોંધવામાં આવ્યા હતા. આ પૈકી તમામ મોટા ભાગના કેસો હોટસ્પોટ વિસ્તારમાંથી નોંધવામાં આવ્યા હતા, ત્યારે આજે સવાર થી લઈને અત્યારસુધી વધુ પોઝીટીવ કેસો નોંધવામાં આવ્યા હતા જેની માહિતી રાજ્યના આરોગ્ય અગ્ર સચિવ જયંતી રવીએ પત્રકાર પરિષદ યોજી આપી હતી.
જયંતી રવીએ જણાવ્યું હતું કે, રાજ્યમાં આજે સવાર થી અત્યારસુધી (09/04/2020 Till 08:00 Pm) માં વધુ 21 પોઝીટીવ કેસો નોંધવામાં આવ્યા હતા, જે પૈકી અમદાવાદમાં 8, પાટણમાં 7, વડોદરામાં 4, તેમજ રાજકોટમાં 2 કેસ નોંધવામાં આવ્યા હતા. રાજ્યમાં વધુ 21 પોઝીટીવ કેસ નોંધાતા કોરોના વાયરસના કુલ 262 કેસો નોંધવામાં આવ્યા છે.
આ ઉપરાંત જયંતી રવીએ જણાવ્યું હતું કે, આજ સવારથી કોઈ વ્યક્તિનું મૃત્યુ નથી થયું ઉપરાંત આજે કોઈ વ્યક્તિને ડીસ્ચાર્જ પણ કરવામાં આવ્યા નથી. તેમજ તેમને જણાવ્યું હતું કે આ તમામ કેસો હોટસ્પોટ વિસ્તારમાંથી નોંધવામાં આવ્યા છે. હજી પણ 2-4 દિવસ કોરોના વાયરસના કેસોમાં વધારો થઇ શકે છે પરંતુ ચિંતાની જરૂર નથી. આ ઉપરાંત જયંતી રવીએ કહ્યું હતું કે, આરોગ્ય વિભાગ ઘનિષ્ઠ કામગીરી કરી રહ્યું છે તેમજ મોટા પ્રમાણમાં તપાસ શરુ કરવામાં આવી છે જેના લીધે કેસોમાં વધારો થઇ રહ્યો છે.
રાજ્યમાં નોંધાયેલા 262 કેસો પૈકી 215 હોસ્પીટલમાં સારવાર હેઠળ છે, જેમાં 212 કેસ સ્ટેબલ છે અને 3 લોકોને વેન્ટીલેટર પર રાખવામાં આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 1975 ટેસ્ટ કરવામાં આવ્યા છે, જેમાંથી 76 કેસ પોઝીટીવ, 1541 કેસ નેગેટીવ તેમજ 358 કેસના રીપોર્ટ પેન્ડીંગ છે.
રાજ્યમાં 262 કેસો પૈકી અમદાવાદ 142, સુરત 24, રાજકોટ 13, વડોદરા 22, ગાંધીનગર 13, ભાવનગર 18, કચ્છ, મહેસાણા, ગીર સોમનાથમાં 2-2 કેસ, પોરબંદર 3, પંચમહાલ 1, પાટણમાં 12, છોટા ઉદેપુર 2, જામનગર, મોરબી, સાબરકાંઠા, દાહોદ 1-1 કેસ તેમજ આણંદમાં 2 કેસ નોંધવામાં આવ્યા છે. જે પૈકી 33 કેસ વિદેશ પ્રવાસ, 32 કેસ આંતર રાજ્ય, અને 197 કેસ લોકલ ટ્રાન્સમિશનના નોંધવામાં આવ્યા છે.