કોરોનાના કહેર વચ્ચે શહેરી વિસ્તારમાં દવા છાંટવાનો અનોખો પ્રયોગ, રાજકોટની શક્તિમાન કંપનીના મશીનોનો કરવામાં આવ્યો ઉપયોગ...
સમગ્ર રાજ્યમાં કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે ત્યારે રાજકોટ મહાનગર પાલિકા દ્વારા દવા છંટકાવ કરવા માટે મશીન મુકવાની વ્યવસ્થા કરવામાં આવી છે. દરેક વોર્ડમાં દવાના છંટકાવ માટે મશીન ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે. ખેતીના સાધનો બનાવતી જાણીતી શક્તિમાન કંપનીના સહયોગથી મશીન આપવામાં આવી રહ્યા છે. શક્તિમાન કંપનીનું રોટાવીટર બનાવવામાં ખુબજ મોટું નામ છે, તેમજ તે ખેતીના તમામ સાધનો બનાવે છે. ત્યારે કોરોનાની જંગમાં લડવા માટે કંપની દ્વારા આ તમામ મશીનો તંત્રને નિશુલ્ક આપવામાં આવ્યા છે. આ મશીનથી 18 વોર્ડના તમામ વિસ્તારોમાં સેનીટાઈઝ તેમજ દવાનો છંટકાવ કરવામાં આવશે. હાલ 4 મશીનો દ્વારા કામગીરી કરવામાં આવશે તેમજ જરૂર પડ્યે વધુ મશીન વિકસાવવામાં આવશે.
રાજકોટ શહેરમાં કોરોના વાયરસ સામે લડવા માટે મહાનગર પાલિકા દ્વારા જરૂરી પગલા લેવાઈ રહ્યા છે ત્યારે શહેરના તમામ વોર્ડમાં મશીનથી દવા છાંટી શકાય તે માટે શક્તિમાન કંપનીના પ્રોટેક્ટર ટાઈપના હાઈ ક્લીયરન્સ બુમ સ્પ્રેયર મશીનોથી દવા છાંટવાની કામગીરીની શરૂઆત પ્રદેશ ભાજપ અગ્રણી નીતિન ભારદ્વાજ દ્વારા શરુ કરવામાં આવી છે. રાજકોટમાં શક્તિમાન કંપની ખેતીવાડીને લગતા તમામ પ્રકારના મશીનોનું વર્ષોથી ઉત્પાદન કરવામાં આવી રહ્યુ છે, આ કંપનીના માલિક હસમુખભાઈ ગોહિલ તથા અશ્વિનભાઈ ગોહિલ દ્વારા આવા કટોકટીના સમય દરમ્યાન તાત્કાલિક ધોરણે આ પ્રકારના 4 મશીનો રાજકોટ મહાનગર પાલિકાને વિનામુલ્યે ઉપયોગ અર્થે આપવામાં આવ્યા છે.
તેમજ આજ સાંજ સુધીમાં બીજા 14 મશીનો પણ મહાનગર પાલિકાને સુપ્રત કરવામાં આવશે. આ મશીન વડે શહેરના તમામ વોર્ડ તેમજ વિસ્તારોમાં પાણી સાથે દવાનું મિશ્રણ કરી તમામ શેરીઓ, તેમજ જુદા જુદા વિસ્તારોમાં દવાનો છંટકાવ કરવામાં આવશે. આ મશીનની સ્પ્રે ટેંક કેપીસીટી 400 થી 600 લીટરની છે. આ મશીનની મદદથી પ્રતિ કલાક 5 કિલોમીટરની ઝડપથી રસ્તા પર દવાનો છંટકાવ કરી શકાશે.