કોરોના વાયરસના લક્ષણો ધરાવતો વ્યક્તિ SVP હોસ્પિટલની ભારે સિક્યોરિટી વચ્ચે થયો ફરાર...
સમગ્ર રાજ્યમાં કોરોના વાયરસનો કહેર સતત વધી રહ્યો છે ત્યારે SVP હોસ્પિટલની ઘોર બેદરકારી સામે આવી છે. મળતી વિગત અનુસાર કોરોનાના લક્ષણ ધરાવતો એક દર્દી એસવીપી માં દાખલ થયો હતો. તેને લક્ષણો દેખાતા તે ત્યાંથી ભારે સિક્યોરિટી વચ્ચે હોસ્પિટલમાંથી તે ફરાર થઈ ગયો છે. જોકે સવાલ હોસ્પિટલના તંત્ર પર થાય છે કારણકે એક દર્દી ડોક્ટરો અને સિક્યોરિટી ગાર્ડની હાજરીમાં ફરાર થઈ ગયો છે. હાલ એલિસબ્રિજ પોલીસે આ અંગે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
આ સમગ્ર ઘટના બાદ એસવીપીમાં આર.એમ.ઓ તરીકે ફરજ બજાવતા ડો. કુલદીપ જોશીએ એલિસબ્રિજ પોલીસસ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. તેમણે આપેલી ફરિયાદમાં જણાવ્યું છે કે એક દર્દી હોસ્પિટલમાં થી ફરાર થઈ ગયો છે. સરખેજ નો અયુબ શેખ નામનો વ્યક્તિ કોરોના ના લક્ષણ જણાતા ટેસ્ટ કરાવવા હોસ્પિટલમાં આવ્યો હતો. તેના ટેસ્ટનો રિપોર્ટ પેન્ડીંગ હતો. અને તેને બી/1 વોર્ડ માં રાખ્યો હતો. આ દર્દીને વોર્ડમાં રાખ્યા બાદ તે ત્યાં ન જણાતા ત્યાં હાજર ડોક્ટરે આર.એમ.ઓ ને જાણ કરી હતી. દર્દીની ફાઈલમાં લખેલા નમ્બર પર સંપર્ક કરતા તેનો ફોન પણ સ્વીચ ઓફ આવ્યો હતો. જેથી સિક્યોરિટી નો સંપર્ક કરતા તે દર્દી મળી આવ્યો ન હતો.
આ સમગ્ર મામલે એમ ડિવિઝન એસીપી વી જી પટેલ એ જણાવ્યું કે દર્દી મૂળ સરખેજનો હતો અને તે ભાગીને તે જ વિસ્તારમાં ગયો હતો. પણ કોઈને મળ્યો છે કે કેમ તે બાબતે તપાસ ચાલુ છે. આગામી દિવસોમાં ઇદ નો તહેવાર આવતો હોવાથી તે ભાગ્યો હતો. દર્દી અયુબ એસવીપી હોસ્પિટલ માં જ સિનિયર લેવલ પર બોડીગાર્ડ તરીકે કામ કરતો હતો. જેથી તેને કોઈ ચેક ન કરી શકતા તેનો લાભ લઈને ભાગી ગયો હતો. દર્દીનો રિપોર્ટ પોઝિટિવ આવતા તેને ફરી દાખલ કર્યો છે.
આખરે આર.એમ.ઓ એ એલિસબ્રિજ પોલીસનો સંપર્ક કરતા પોલીસે તેના એડ્રેસ અને મોબાઈલ ટ્રેસિંગ કરવાથી લઈને જુદી જુદી ટિમો બનાવીને આ અયુબ શેખની શોધખોળ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે કોવિડ 19 પેશન્ટ જ્યારે આ રીતે ભાગી જઈ લોકોના સંપર્કમાં આવે છે તો સંક્રમણ વધી શકે છે. જેથી પોલીસ પણ તે વાતની ગંભીરતા દાખવીને અયુબ શેખને શોધી રહી છે.
ઉલ્લેખનીય છે કે આ અગાઉ પણ એસ.વી.પી. હોસ્પિટલની બેદરકારી સામે આવી ચૂકી છે. એક સરખા નામ ધરાવતા 2 વ્યક્તિના કોરોના રિપોર્ટ જુદા જુદા સમયે આવેલ જેના આધારે એક પેશન્ટને ડિસ્ચાર્જ કરવામાં આવ્યો હતો પરંતુ તે આવેલો રિપોર્ટ અન્ય વ્યક્તિનો હતો તેવું માલુમ પડ્યો હતો. અને આ સમગ્ર મામલે એસ.વી.પી હોસ્પિટલના મેનેજમેન્ટ વિભાગે દિલગીરી પણ વ્યક્ત કરી હતી.